અશ્રુઘર/૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સત્ય તડકામાં લટારતો લટારતો સર્વદમનને જોતો હતો.

એના પગમાં આજે તોફાન નહોતું, સુક્કા ઘાસમાં તે ચૂપ થઈને ચોમેર જોયા કરતું હતું. બસસ્ટેન્ડ તરફથી તિવારી આવ્યો :

‘કૈસે હો સત્યભાઈ?’

ઉત્તર ન મળતાં તે પાછો આવ્યો. સત્યની આગળ જઈ, ‘ક્યું ઉદાસ લગતે હો?’

‘ઠીક હું તિવારી ભૈયા.’

સત્ય ગલૂડિયાં તરફ વળ્યો.

‘અરે, યે ગલૂડિયા કા પાંવ મુજસે દબ ગયા રાતકો. બેચારા સારી રાત રોયા હૈ. ‘ તિવારીએ વાંકા વળી એને સ્પર્શ કર્યો.

‘આઉંઉઉં…’ કરતું તે બેઠું થતુંક દોડી ગયું. સત્ય એને લંગડાતું લંગડાતું ક્યાંય સુધી આઘું જતું જોઈ રહ્યો.

આજનું વાતાવરણ સત્યને અવસાદમય લાગતું હતું.

આંબા નીચે આજે જ એને બેસવાનો અણગમો થઈ આવ્યો. લલિતા સર્વદમનને લેવા જતી હતી – બોલાવી તોય ન આવી. નં. 7 વલુરતોવલુરતો સડક પર જઈ ઊભો રહ્યો. ડૉક્ટરે બેચાર દિવસ પછી ઘેર જવાની રજા આપી એટલે આ તેમાં તો નહિ થતું હોય?

હોતું હશે એવું. ઘેર જવાનું તો આજે હોય તો એ સાંજે જવાને બદલે અત્યારે જાય. કલાક બગાડે એ બીજા.

નલિની આવી.

‘જુ પેલો નટુ… શું કરે છે?’

અને તે હીહી કરતી હસી પડી.

‘નલિની કેમ?’

‘એંહ મારી મમ્મીએ મને છૂટ આપી.’ એ એના વાળને સુંઘવા મંડી.

‘શેની?’

ચોટલાને પીઠ પર ફંગોળીને અંગૂઠો દબાવતી કહે :

‘પ્રેમ કરવાની વળી. ‘ ને ત્રાંસી આંખોમાં કામણ લાવીને સત્ય સામે બેઠી.

‘સરસ. પછી?’

‘પછી શું? એટલીય ખબર નથી? એંહ પછી આમ.’ એણે બે હાથ ભેગા કરીને લગ્નની સંજ્ઞા બતાવી, ‘ને પછી મને સરસ ટીનો આવશે. કમુમાસીની સુરેખાને બીજી સુવાવડમાંય માતા આવી. અને આપણે તો એં હ જોજોને…જનકને હજી તમે જોયો નથી!’

ને આંખોમાં લીંબુ ઉછાળતી તે બગીચામાં સરકી ગઈ.

સત્ય પાછો એની સગીવહાલી સૃષ્ટિને વાગોળવામાં લાગી પડયો. પોતાનો બાલમિત્ર અહેમદ પણ ન આવ્યો. માબાપ તો દેખાતાં જ નથી. આલ્યા ભાઈ, પૈસા કોણ માગે છે તમારી પાસે? કેવળ લગણી આપો. બીજાની મને કશી અપેક્ષા નથી. જીવવા માટે મનુષ્યની લાગણી મળે એટલે બસ. ત્રણ માસ થયા. ના, ત્રીજો જાય છે. પ્રો. મૅયો સેનેટોરિયમનું ખર્ચ મોકલાવ્યે જાય છે. ગયે અઠવાડિયે મ. ઓ. આવ્યો. પાછા પુછાવે છે, ‘કોઈ વસ્તુની જરૂર પડે તો જણાવજે,’ મારે મા જોઈએ છે, બાપુજી જોઈએ છે. હાસ્તો! માતાપિતા વસ્તુ બની ગયાં છે. એમનોય શો વાંક છે? નથી પેલી કહેવત, ‘વસુ વિના નર પશુ’ એટલે પશુ. પશુઓને પણ લાગણી હોય છે. કંઈ નહીં અહમ્ બ્રહ્મ અહમ્ સત્ય.

પણ તોય માણસને માણસ જોઈએ એટલે જોઈએ.

નલિની આવી :

‘તમારા વિવાહ થયા છે?’

સત્ય એના પ્રશ્નને વીસરી જવા– વીસરાવવા સામો પૂછે છે.

‘તને ગાતાં આવડે છે?’

‘ત્યારે નહીં?’

ને એણે ‘જૂનું તો થયું દેવળ જૂનું તો થયું’ નો રાગડો તાણવો આરંભ્યો.

‘બસ બસ, નલિની. નહીં તો તારો જનક દોડી આવશે.’

સત્યે હાથ જોડયા.

‘સત્યભાઈ, અદ્દલ તમારા જેવું એ કરતો. મેં એને કિસ પણ કરેલી.’

સત્ય એને બોલતી જ રહેવા દઈ ત્યાંથી વૉર્ડમાં આવ્યો.

એના ખાટલા પર ‘આઉટસાઈડર’ પડી હતી. ડૉક્ટર મૂકી ગયા હતા એમ લલિતાએ કહ્યું. સત્યે તે લીધી. નવલકથાનો પ્રારંભ હતો–’Mother died.’

સટ દઈને એણે બંધ કરી. પાંજરા પર મૂકી દીધી. નંબર 11 ભણી જોઈ લીધું. એની આંખો એકટશે જોતી હતી. કશુંક તાકતી હતી. સત્યે નજર વાળી લીધી. જન્નુ લહેરથી મગજનું ચગદું ખાતો હતો. લલિતા વાંચતી હતી. એને બોલાવવાનો વિચાર આવ્યો પણ એને રોકી રાખ્યો. અહેમદને બદલે એનો પત્ર આવ્યો. સત્ય છોટે અહેમદનો ‘કાકો’ બન્યો છે–એવા સમાચાર હતા. ઘરડી નર્સે પેંડા માગ્યા. મિત્રને ઘેર છોકરું આવ્યું એટલે પોતાને ઘેર જ આવ્યું ગણાય એમ ઘરડી નર્સ કહેતી હતી. એ ક્રિશ્ચિયન હતી. ભૂરીને ગલૂડિયાં આવ્યાં ત્યારે પણ સત્યે એકશેર પેંડા વહેચ્યા હતા. નર્સ પૂછેલું :

‘તને કયું ગમે છે, સત્ય?

ત્યારે એણે બતાવેલું, ‘પે…લું આંચળે વળગ્યું છે, સફેદ. માથામાં તિલક છે તે.’

ત્યારે એનું મોં કેટલું ભરાઈ ગયું હતું. બિચારુ સર્વદમન લંગડું થઈ ગયું! નલિનીએ અહેમદના પત્રને જૂઠો ઠરાવવાનો પ્રયત્ન કર્યો ‘ટીનો હોય જ નહીં. બધીઓને કંઈ ટીના ન હોય કંઈ! પેંડા નામ સાંભળીને નં. 9’ નામ રહેતાં ઠાકરાં નાણાં નહીં રહંત’ એવોતેવો દોહરો લલકારવાના મૂડમાં આવી ગયો, પરંતુ ડૉક્ટરના રાઉન્ડનો સમય થઈ ગયો. આજે X-Ray day હતો. નવા દર્દીઓને આણંદમાં કિલનિક પર લઈ જવાના હતા એટલે કેટલાક જૂના દર્દીઓ સાજા થયાનો ઢોંગ કરતા હતા. નંબર 11ને લલિતા તૈયાર કરાવતી હતી. એની મુખરેખાઓ સચિંત બની ગઈ હતી. નં. 11ને કિલનિક પર લઈ જવાનો હતો. નં. 9ને ડૉક્ટરે એની ભાળવણી સોંપી હતી. એ લલિતાના ખાટલા પાસે જઈ, આશ્વાસન આપતો હતો.

‘જરીક્કેય ફકર્ય ના કરતાં બોન તમે. એમને અજાય નૈ આવે. તમે આયા એને આગલે મહીને જેંણાને હું જ ક્લિનિક પર લૈ ગયેલો. જેંણાની બીડી હરખીય મેં લીધેલી.’ ને બીડીની વાત પોતાથી આમ પ્રકટ થઈ જતાં એના મોંમાંથી સવા ઇંચ જીભ બહાર નીકળી આવી અને ખાટલા નીચે થાળીમાં એંઠ ચાટતી ભૂરીને ‘હંડહે તારી જાતની. આખો દિ’ અહીં તને વાવડ આવે’ કહીને હાંકી, પછી લલિતા સાથે પોતાની વાતનું અનુસંધાન કર્યું :

‘તે તમ તમારે બેફિકર્યરો’ બોંન. આજ તો સતિભૈ પેંડા ખવડાવવાના છે તે લાવવાના છે પાછા. ને ગઈ વખતે ‘જેતાની મા’ આયેલી તે કરશી કકળાટ કરી ગઈ એને વાવડ આવે. અહીં ટીબલામાં હપડાયા છીએ ને એને કંકુની ડાબલી જોવે છે. મેં કહ્યું હવે તો જેતાનેય દહમું ઊતરીને અગિયારમું બેહે છે. તને ચાંદલા ચોપડવાના શેના ભસકા થાય છે તો કે’ હજી તો કુંવારસી હોઉં એવી લાગું છું. આ સતિભૈ ‘જેતાની મા’ ‘કંઈ કુંવારસી લાગે છે?’

ને નંબર 9 હસી પડયો. સત્યને મશ્કરી કરવાનું મન થઈ ગયું. ‘ગોબરકાકા, એ તો હજી ઘોડિયામાં ઝૂલે છે. પણ તમે કોની પાછળ પડયા છો? ગનુડી કોણ છે?’

‘જાવ મારા ભૈ, નાહૈના મશગરીઓ શેના કરો છો?’ ને બાંડિયાની દોરીઓ બાંધતા બાંધતા એ આઘાપાછા થઈ ગયા. થોડી વાર પછી આવીને સત્યને કહે :

‘હેં સતિભૈ તે તમે કેમ કરીને જાંણ્યું પેલું?’ ત્યારે લલિતા એના મોં પર નક્ષત્રને ઝૂલવતી હતી. સત્ય એને ન કળી શક્યો.

‘લલિતાબેન ખુશમાં છો આજે. તમારા એમને ઈશ્વર જલ્દી સાજા કરે.’ સત્ય લલિતા સાથે વાત કરવા મંડયો જોઈને નંબર 9 ગૂંચવાયો.

‘જેતાની માએ’ સતિભૈને કદાચ કહી દીધું હશે.

એમ્બ્યુલન્સ દર્દીઓને ક્લિનિક પર લઈ ગઈ એટલે સત્ય આંબા નીચે આવી બેઠો, ભૂરીએ ફાડી નાખ્યું હતું તે શર્ટ સાંધતો હતો. નવું ખમીશ ધોયું હતું એટલે ઉઘાડે ડિલે એ સુંદર લાગ્યો. લલિતાને થયું પૌરાણિક પાત્રો માત્ર ધોતિયાભેર રહેતાં. રામનો ફોટોગ્રાફ એણે જોયો ત્યારે રામ એને સ્વરૂપવાન લાગેલા.

શર્ટ સાંધવાનું કામ અરસિક તો ખરું જ, પણ શું થાય? બબલભાઈ કહેતા હતા ગાંધીજી એમની પોતડી સ્વયં સાંધી લેતા. આમ જ પોતે મામીને ઘેર એક દિવસ બેઠેલો. પ્રોફેસર મૅયો પોતાને મળવા આવી ચડેલા. ત્યારે પોતાનું ઉઘાડું ડિલ જોઈને તેમણે કહ્યું હતું :

‘કેમ આ રીતે બેઠો છે?’

‘સર આ મારા મામાનો ફ્લેટ—’ કહીને પોતે એમને રૂમરૂમમાં ફેરવી આવેલો. પણ એ ડ્રોઈંગરૂમમાં પોતાની જગ્યા લેતાં પાછો એ જ પ્રશ્ન ઉચ્ચારી રહ્યા.

‘તેં શર્ટ પહેર્યું નથી એ તો કહ્યું જ નહીં. શરીર ગંદુ લાગે છે.’

‘સર હમણાં જ સ્નાન કર્યું છે.’

‘તોય શું, શરીર ઢાંકવા મનુષ્યોએ વસ્રનિર્માણ કંઈ અમથું નથી કર્યું!

ત્યારે પોતે એમના ગુજરાતી વિષે અભિપ્રાય આપી રહેલો :

‘સર તમારું ગુજરાતી ઉચ્ચારણ અતિ શુદ્ધ છે.’

‘પણ તું મને શુદ્ધ નથી લાગતો.’

એમને શી રીતે સમજાવું કે એવડા મો…ટા આધુનિક નિવાસસ્થાનમાં પોતે પોતાના વસ્રનો પણ માલિક નથી. ને હજીય વોહી રફતાર ચલી જા રહી હૈ. મા મોટાભાઈની સાસરીમાંથી ખર્ચ માટે સવડ કરે છે. રમેશના લગ્ન પર એમની આશા છે. નાના પુત્રનો ચેક જલદી વટાવાય એવો છે….પાટીદાર લોક છોકરો જન્મતાં કેમ અનહદ રોપહર્ષ અનુભવતા હશે તેનું કારણ પૈઠણપદ્ધતિ છે.

પાછળથી લલિતાનો મુલાયમ અવાજ આવ્યો :

‘લાવો હું સાંધી આપું.’

સત્યને ખમીશ આપવું ન પડયું, એના હાથમાંથી એ ખેંચાઈ ગયું.

‘કેમ બોલતા નથી? તમે મને બૂમ પાડી તે ન આવી એટલે ખોટું લાગ્યું?’

સત્યનું મૌન આ ઉત્સુકા માટે અસહ્ય થઈ પડયું. પોતાની નિરાધારીને ભૂંસી નાખવા તે કેવી કેવી રીતે વર્તી પડે છે, ને પાછી એ વર્તનમાંથી ફૂટી નીકળતી વ્યગ્રતાનો તો એને સામનો કરવો પડે છે, સત્યના મૌનને અડીઅડીને પોતાના તરફ વહી આવતી આછી હવાના સંસ્પર્શથી મહુડીની શાખા પરથી મહુડાં ખરી જાય એમ ખરખર કરતાં આંસુને એ રોકી ન શકી. એની આ અશ્રુસ્થિતિને જોઈને સત્યને પોતાના X-Ray dayનું પરિણામ સાંભર્યું. નં. 11ને આજે ક્લિનિક પર લઈ જવામાં આવ્યો છે. સત્યે લલિતાને આશ્વાસન આપવાનો યત્ન કર્યો.

‘જુઓ લલિતાબેન, અશ્રુથી કંઈ આવી પડેલી પરિસ્થિતિ પાછી ન હઠી જાય. તમારે ડૉક્ટરનાં સૂચન અનુસાર સેનોટોરિયમની ચાલુ સારવારમાં મદદ કરવી જ રહી. એમને સંપૂર્ણ આરામ કરાવવો, ચિંતારહિત આરામ. પછી જોઈલો…’

સત્યના ભોળા મોં પર રૂપાળું આશ્વાસન ઝલમલતું જોઈ લલિતાએ પાછું સાંધવામાં મન પરોવ્યું. સાંધતાં સાંધતાં ભીની દૃષ્ટિને સહેજે ઊંચકી પુરૂષના અસ્પૃશ્ય ચહેરાની નિષ્પલક નોંધ લીધી ન લીધી ને પાછી આંખો લૂછી.

‘તમે બહુ મોટા મોટા ટાંકા લીધા છે. નજીક નજીકના લીધા હોત તો! મારે આ ચીરો ઉકેલવો પડશે.’ પોતે હવે હળવી થવાનો પ્રયત્ન કરવા લાગી. સત્ય બેધ્યાન લાગ્યો. બગીચામાં માળી ક્યારી ખોદતો હતો. પરસેવાથી એનું કાળું શરીર સીસમના કાષ્ટ જેવું ચગતું હતું. કોદાળીને માથા ઉપર જમીનથી એવો આંચકો મારીને લઈ જતો કે તે કોદાળીથી જાણે ખોદતો જ નથી; એવું લાગે! એની શક્તિ કોદાળી જેવી સામાન્ય વસ્તુને વાપરે કે અડકે જ નહીં, હૃષ્ટપુષ્ટ સાથળ જેવડાં ઢેફાં પાડે છે એ તો, એના મોંમાથી પ્રતિક્ષણ નીકળતા બળદની ખરીઓ જેવા ‘હિસ્સોય હિસ્સોય’ના ઉદ્ગારોથી! સત્ય એને જોતાં જોતાં જ થાકી ગયો. લલિતાએ નોંધ લીધી કે એણે પોતાને સાંભળી ન સાંભળી કરી છે. પોતાની પાસે સત્ય ચૂપ રહે એ એને ન ગમ્યું.

‘તમે એ મજૂર ભણી કેમ જોઈ રહ્યા છો?’

‘કેમ ન જોઉં?’

લલિતા અનુત્તર થઈ. દોરાને આંગળી પર વીંટાળતાં કશાક વિચારમાં ઊતરતી ગઈ.

‘લલિતાબેન, લાવો તમારો હાથ.’

એના મોં પર લજ્જા ઉમટી આવી. ગાલ પરથી હમણાં એ સુરખી પતંગિયાનું સ્વરૂપ લઈને ફરકશે, ક્યાંક ફૂલ પર ક્યાંક સત્યના – સત્યને લલિતાનો હાથ જોવો હતો.

‘તમારો હાથ લાવો જોઈ.’

‘મને લલિતા કહો તો?’ હાથ ધરતાં એણે કહ્યું.

મારાથી એવું એકવચનમાં સંબોધન થાય?

‘એમાં શું? મારી ફ્રેન્ડ મને લલિતા કહે છે.’

‘ટેવનો પ્રશ્ન છે.’

‘તે એવી ટેવ તમેય –’ ને પાછી એ સભાન થઈ. ક્ષણમાત્ર.

‘તમને એકલાએકલા વાત કરવાની ટેવ ક્યાં નથી? આ ખમીસ સાંધવા અહીં બેઠા ત્યારે તમે શું કરતા હતા? કોક સાંભળે તો ગાંડા ન ધારે? એ તો ઠીક છે કે હું…’

સત્યે એનો હાથ જોવા માંડયો, એને થયું :

ડૉક્ટરનો હાથ પણ આવો તંદુરસ્ત નથી.

‘સરસ હાથ છે!’ એના મોંમાંથી પ્રસંશનીય ઉદ્ગાર નીકળી ગયો.

‘જો જો…’ લલિતાને સમજાયું નહિ-આજ આવું કેમ થઈ જાય છે. એક સ્નેહલ પુરૂષના હાથમાં સ્વયં બેઠી હોય એવી લાજુલ અનુભૂતિ એને થઈ આવતાં પોતાનું કેશલ સંપત્તિથી ભર્યુંભાદર્યુ મસ્તક બે ઢીંચણ વચ્ચે સંતાડી દીધું. સત્ય જોષીની માફક જોતો હતો, જોષીની માફક…

‘આ લાઈન છે ને તે હૃદયરેખા છે.’

અને તે વખતે અપક્વ ફલ જેવાં સ્તનોની પાછળ કોક કીડો પ્રવેશી ગયો હોય એવી અવળસવળ થતી લાગી. સત્ય બોલતો જ હતો :

‘તમારું હૃદય ખૂબ સંવેદનશીલ છે.’

લલિતાએ લજ્જાને ઊંચકી. સુખને અનુભવતી હતી છતાં પ્રશ્ન કર્યો. પ્રતીતિ અર્થે તો નહિ હોય!

‘સુખ કેટલું છે? મહારાજ.’

‘સુખ?’ પોતાને માત્ર એકબે રેખાઓનું જ જ્ઞાન હતું. સુખરેખા કઈ હશે? એને વાર થઈ એટલે ‘નથી કે શું?’ લલિતાએ પૂછયું.

‘સુખ તો અપરંપાર છે. તમારા પતિ તમને ઘણું સુખ આપશે.’

‘એય…’ નલિની અચાનક આવી ચડી.

‘એય…સત્યભાઈએ તમારો હાથ ઝાલ્યો. હું સમજી ગઈ.’

‘નલિની, લાવ જો તારો હાથ.’ સત્યે લલિતાનો હાથ મૂકી દીધો.

‘જાવ જાવ હવે.’ ને એણે અંગૂઠો બતાવ્યો. ‘એંહ તમે જનકને જોયો નથી. એ…એ તમે લલિતાબેનનો હાથ ઝાલ્યો હીહીહી…’ને હસતી હસતી એ બગીચા ભણી જતી હતી, પણ માળીને જોયો કે તરત પાછી વળી ગઈ.

લલિતાની શરમને છાક ચડયો હતો. એને કશોક અધિકાર હોત તો તે સત્યની સાથે કેવી આનંદી મનોવૃત્તિથી વર્તી બેસત પણ…સત્ય પાછો પેલા મજૂરના કાળા ડિંબાંગ શરીરને જોવામાં લીન થઈ ગયો હતો.

‘હૃદયહીન’ બબડી જવાને બદલે એનાથી બોલી જવાયું. સત્ય એની સામે આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યો. એ કંઈ સમજે કે બોલે તે પહેલાં તો લલિતા ત્યાંથી જતી રહી હતી. સર્વદમન વાડ તરફ કૂદતી જતી દેડકી પાછળ ભસતું ભસતું દોડતું હતું.