આચમની/૧૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫

ઈસુના બાર શિષ્યોમાં એક હતો થોમસ. તે ઈસુને મહાપુરુષ તરીકે, સંત તરીકે માન આપતો પણ ઈસુમાં કશી દિવ્યતા છે કે તે ઈશ્વરનો અવતાર છે એમ માનતો નહીં. તેને ઈસુના દિવ્યત્વ વિશે શંકા થયા જ કરતી એટલે તેને ‘ડાઉટિંગ થોમસ’– શંકાળુ થોમસ કહેવામાં આવતો. મનુષ્યની પ્રામાણિક શંકા એ કાંઈ અપરાધ નથી પણ અંતે પૂરેપૂરા નિઃશંક થવાનું બારણું છે. જે અનુયાયીઓ માત્ર મનની માન્યતાની દીવાલો ખડકે છે તેને શબ્દોનાં પ્રાણહીન ખોખાં સિવાય કશું મળતું નથી. આશ્ચર્ય અને આનંદની ઘટના છે કે આ શંકાશીલ થોમસને જ ઈસુએ સહુથી પ્રથમ પોતાનાં દિવ્ય દર્શન આપ્યાં. ઈસુના પુનરુત્થાનનો એ પ્રથમ સાક્ષી. કહેવાય છે કે થોમસે ઈરાન અને ભારતની યાત્રા કરી હતી. સિરિયાની જૂની ભાષામાં લખાયેલા પ્રાચીન પુસ્તકનો અનુવાદ ‘ધ એક્ટ્સ ઓફ થોમસ’ પ્રગટ થયો એ પહેલાં તો થોમસ અને તેને અનુસરતા ‘ગ્નાસ્ટિક્સ’ વિષે રૂઢિચુસ્તોએ કરેલા આક્ષેપોમાંથી જ જાણવા મળતું હતું. બાહ્ય રૂઢિઓ, ક્રિયાકાંડો અને સાંપ્રદાયિક માન્યતાઓને આ ‘ગ્નાસ્ટિક્સ’ ફગાવી દેતા હતા. સ્થાપિત ફિરકાઓ તે શાના માન્ય રાખે? આટલા ઉપવાસ કરો, આવો જ ખોરાક ખાઓ અને સંસ્થાને આટલું દાન આપો એ જ મહત્ત્વનું હોય ત્યાં આંતરિક શુદ્ધિ અને આત્મિક સ્વતંત્રતાને સ્થાન ક્યાંથી મળે? પોતાના શિષ્યોના સવાલમાં ઈસુએ મુખ્ય કર્તવ્ય શું તે દર્શાવ્યું હતું :

‘જૂઠું ન બોલો અને તમે પોતે જેને ધિક્કારતા હો એવું કામ ન કરો. કારણ કે ઈશ્વરી રાજ્ય સમક્ષ બધું જ ખુલ્લું છે. કારણ કે જે છુપાવેલું છે તે પ્રગટ થયા વિના નહીં રહે, જે ઢાંકી રાખ્યું છે તે ઉઘાડું પડ્યા વિના નહીં રહે.’

બાહ્ય સાધનો તો અંતરની આરત જગાડવા માટે છે. એ દિલની વસ્તુ છે. દેખાડવાની વાત નથી. થોમસ અને તેના સાથીઓ આવા આંતરિક અનુભૂતિના પ્રવાસી લાગે છે. ઈકબાલે આ મનોભાવ સુંદર રીતે વ્યક્ત કર્યો છે :

રંગો મેં વહ લહુ બાકી નહીં હૈ,
વહ દિલ, વહ આરઝૂ બાકી નહીં હૈ.
નમાઝો, રોજાઓ, કુરબાનીઓ, હજ
યે સબ બાકી હૈ, તૂ બાકી નહીં હૈ.

***