આચમની/૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આપણે ત્યાં કહેવાય છે કે : અંતે યા મતિ, સા ગતિ. અંતિમ વેળા મનમાં જે વિચાર હોય તે મુજબ જીવની ગતિ થાય છે. કોઈને પ્રશ્ન થાય કે જીવનમાં સારા વિચારો સેવ્યા હોય, સારાં કાર્યો કર્યા હોય પણ અંતિમ પળે હલકો કે નબળો વિચાર આવી જાય તો શું પેલા સેવેલા વિચારો ને સદ્ભાવો નિરર્થક બની જાય? અને અંત ક્યારે, કેવી રીતે આવશે તે કોણ કહી શકે? અકસ્માત થાય ને અચાનક પ્રાણ ઊડી જાય. લાંબી કષ્ટપ્રદ બીમારીમાં તો દેહની પીડા અને સ્વજનોની ચિંતા મન પર સવાર થઈ જાય. ત્યારે પેલા સદુપયોગ કરેલા સમયનું શું? આવા વિચારો આવે તે સ્વાભાવિક છે. એટલા માટે જ સદ્ભાવ અને સત્કાર્યને માત્ર પ્રાસંગિક નહીં પણ રોજના જીવન સાથે વણી લેવા પર સંતો ભાર મૂકે છે. છેલ્લો વિચાર એ અચાનક આવી જતો તરંગ નથી પણ નિત્ય પ્રવાહિત જીવનનો જ ભાગ છે. એ જાણે પળેપળ પસાર થતી માળાનો મેર છે. એ સર્વોચ્ચ બની અંતકાળે સૂત્રને શિખરે આવી જાય છે. એની દ્વારા જે સંસ્કારની છાપ પડતી જતી હોય તે સ્વભાવ બની જાય છે. રોજબરોજના કાર્યનો કેટલો પ્રબળ પ્રભાવ હોય છે તે ગુણાતીતાનંદ સ્વામીના એક પ્રસંગમાં સ્પષ્ટ થાય છે. સ્વામી એક વાડીના કૂવા પર સ્નાન કરવા ગયા હતા. કૂવા પર કોસ ચાલતો હતો. તેના આંકા પથ્થર પર પડી ગયા હતા. સ્વામી ક્યાંય સુધી આ ઊંડા આંકા તરફ જોઈ રહ્યા. કોઈએ પૂછ્યું: ‘સ્વામી, શું જોયા કરો છો?’ સ્વામીએ કહ્યું: ‘આ પથ્થર પર કોસનું દોરડું રોજ ઘસાય છે તો પથ્થરને કોરીને પણ પોતાના આંકા પાડે છે. તો રોજેરોજ હરિભજન થતું હોય એની અસર હૃદયમાં કોતરાયા વિના કેમ રહે? પથ્થર પણ ભેદાય તો હૈયું ન ભેદાય? આવી ભેદક ઉપાસના, શારીરિક પીડા, માનસિક સંતાપ કે હલકા-નબળા વિચારને ભેદી પોતાનો પ્રભાવ અંતકાળે પણ જાળવી રાખે છે. એટલે જ શ્વાસોચ્છવાસની આવન-જાવન સાથે પેલા કોસના દોરડાની જેમ પ્રભુસ્મરણ વણી લેવાની જરૂર છે. મનુષ્યનું ચિત્ત મતિભ્રષ્ટ થવા માંડે ત્યારે પેલું ચૈતન્ય તેને અધ્ધર ઊંચકી, દેહ અને મનના વ્યાપારમાંથી મુક્ત કરે છે. મૃત્યુની પળે અંતિમ વિચાર આવે તે જીવનનો સાર ને સરવાળો જ બની રહે છે.

***