આત્માની માતૃભાષા/21

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વાન્ત: સુખાય વાંસળી વેચનારો

પ્રવીણ ગઢવી

વાંસળી વેચનારો

— ‘ચચ્ચાર આને!
હેલી અમીની વરસાવો કાને!
ચચ્ચાર આને!
હૈયાં રૂંધાયાં વહવો ન શાને?’
— મીઠી જબાને લલચાવી હૈયાં
રસે પૂરા કિંતુ ખીસે અધૂરા
શ્રમીણ કોને અમથું રિબાવતો
બરાડતો જોસથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ન પામે
વેગે જતી ગાડી મહીં લપાઈ જે
બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.
‘ચચ્ચાર આને!’
ના કોઈ માને
અને ખભે વાંસળી-જૂથ એનું
થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં.

‘ચચ્ચાર આને!
લો, ને રમો રાતદી સ્વર્ગ-તાને!’
— ‘ચચ્ચાર આને?’
— ‘દે એક આને!’
‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,
છો ના ખપી! ઇંધણથી જશે નહીં.
ચચ્ચાર આને! બસ ચાર આને!!’

પાછાં વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી,
આષાઢની સાંજની ઝર્મરોમાં
સુરો તણાં રંગધનુ ઉડાવતી
એણેય છેડી ઉરમાંથી ઝર્મરો.

જીવંત આવી સુણી જાહિરાત, કો
બારી મહીંથી જરી બ્હાર ઝૂકતી,
બોલાવતી તાલીસ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,
ઘરાકનું લેશ રહ્યું ન ભાન.
મુંબઈ, ૨૨-૬-૧૯૩૫


ઉમાશંકર આપણા રવીન્દ્રનાથ છે. એમના વિશે એટલું બધું બોલાયું છે, લખાયું છે કે હવે વધુ શું બોલવું અને લખવું? સૂઝતું નથી. શ્રી ભોળાભાઈ પટેલે કવિને ‘અખિલાઈ’ના કવિ ગણાવ્યા છે. તે સર્વાંશે સાચું છે. ઉમાશંકર કવિતાના વિષય અને સ્વરૂપમાં એકાંગી રહ્યા નથી. ગઝલ સિવાયનાં કાવ્યનાં બધાં રૂપોમાં કવિ વિહર્યા છે. છાંદસ, અછાંદસ, ગીત, સૉનેટ, લોકગીત, સંવાદકાવ્ય, પદ્યનાટ્ય એમ અનેકવિધ કાવ્યસ્વરૂપો, ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, વનવેલી જેવા છંદો સાથે કવિએ કામ પાડ્યું છે. કવિને વિષયોની પણ કોઈ છોછ નથી. પ્રેમ, પ્રકૃતિ, પ્રભુ તો કવિતાના શાશ્વત વિષયો જ. એમાં કવિએ પ્રજાનો વિષય ઉમેર્યો છે. ગુલામ, જઠરાગ્નિ, એક ચૂસાયેલા ગોટલાને, બુલબુલ અને ભિખારણ, દળણાના દાણા, ઉકરડો, મોચી અને વાંસળીવાળો જેવા સામાજિક પ્રશ્નોને સ્પર્શતાં કાવ્યો કવિએ ભેટ આપ્યાં છે. આજની આપણી અનુઆધુનિક કવિતા વિષયોમાં એકાંગી બની ગઈ છે, સંકીર્ણ બની ગઈ છે, ત્યારે કવિના શબ્દો સ્મરણે ચઢે છે. ‘સ્વાતંત્ર્ય, સામાજિક, ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં, તે પણ ભૂમિકા જેવું રહ્યું છે.’ કવિ, કવિતા, રાજકારણ, ધર્મને જુદાં માનતા નથી. કવિએ જાણે દલિત કવિતાની નાન્દી ભાખી ન હોય એમ લાગે છે. ૧૯૩૩માં રચાયેલી કવિની ‘મોચી’ રચનામાં કૉલેજ જતાં કવિની સ્કૂલબૅગ માક્સ અને કીટ્સની ચોપડીઓ સાથે મ્યાન થયેલી છે! ‘વાંસળી વેચનારો’ કવિના પ્રિય વિષય દલિત-પીડિતજનનું એક પાત્ર છે. ‘હલકા વરણના પ્રેમની તે વાર્તા હોય?’ એવા ન્હાનાલાલીય યુગમાં કવિએ આવા વિષયો પર કાવ્યરચના કરવાનું સાહસ કર્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે!

‘ચચ્ચાર આને!
હેલી અમીની વરસાવો કાને’

વાંસળીવાળો કહે છે, ‘ફક્ત ચાર આનામાં તમારા કર્ણપટે અમૃતની હેલી વરસાવો.’ આ શબ્દો વાંસળીવાળાના નહીં, પણ કવિના છે. કવિ જાણે વાંસળીવાળો બની ગયા છે. પ્રથમ પંક્તિથી જ કવિનું પાત્ર સાથે અદ્વૈત રચાયું છે. હજી કવિ આગળ વધે છે. ‘હૈયાં રૂંધાયાં વહવો ન શાને?’ ફક્ત ચાર આનાની વાંસળી લઈ તમારાં અવરોધાયેલાં હૈયાં વહેતાં કરો! કેવી સરસ કાવ્યમય ઑફર! પરંતુ લોકલ ટ્રેનમાં બેઠેલા ગ્રાહકોય અર્ધાપર્ધા વાંસળીવાળા જેવા જ છે દરિદ્ર! ‘રસે પૂરા’ પરંતુ ખિસ્સાખાલી! જોસથી બરાડતો વાંસળીવાળો બિચ્ચારા લોકોને અમથું-અમથું રિબાવે છે. ‘શ્રમીણ કોને અમથું રિબાવતો’ અહીં પાઠમાં કંઈક ગરબડ જણાય છે. ‘શ્રમિકોને અમથું રિબાવતો એમ બેસે છે પરંતુ શ્રમીણ કોને અમથું રિબાવતો’ સંદિગ્ધ રહે છે. સંસ્કૃત કોશ પ્રમાણે ‘શ્રમણ’ એટલે પરિશ્રમી સ્ત્રીલિંગ શ્રમણા-શ્રમણી છે. પંરતુ ‘શ્રમીણ’ શબ્દ નથી. વેગે ધસી જતી ટ્રેનમાં લોકની વચ્ચે સાચા ગ્રાહક બેઠા છે, પણ લપાઈને પ્રેમી-પ્રેમિકા. પરંતુ તેઓ તો પ્રણયઊર્મિ-ગોષ્ઠિની બંસી સાંભળી રહ્યાં છે. તેમનાં હૃદયોમાં જ વાંસળી વાગી રહે છે, ત્યાં આ પોલા વાંસની વાંસળી કોણ લે? કોઈ વાંસળી લેતું નથી. વાંસળીના ભારામાંથી ભાર ઓછો થતો નથી. વાંસળીવાળો કવિની જબાનમાં હજી લલચાવે છે.

‘ચચ્ચાર આને’!
લો, ને રમો રાત-દી સ્વર્ગ-તાને’!

— કોઈ તો વાંસળી લો અને સ્વર્ગના રાગે રમો તો ખરા! કોઈ લાભીનો જીવ જરા સળવળ્યો કહે, દે એક આને ‘આ તો ભાઈ, અમદાવાદીથીય ગયો.’ ચાર આનાના સીધા બે-ને બદલે ફક્ત એક આનો! વાંસળીવાળાએ અર્થશાસ્ત્ર પચાવી જાણ્યું છે. એક આનો તો પડતરભાવ પણ નથી, કેવી રીતે વેચાય? એના કરતાં તો ઘરે જઈ ચૂલામાં નાખું તોય પોષાય કંઈ નહીં તો ઈંધણનું ખર્ચ બચે અને દાલ-રોટી તો પાકે! વાંસળીને બાળી મૂકવાની વાતથી એને કેટલું દુ:ખ થયું હશે, તે તો કવિ જ જાણે, કેમકે કવિને કવિતા બાળવી પડે અને દલપતરાયને કંજૂસ શેઠ સમક્ષ સાંબેલું વગાડવું પડે ત્યારે જે દુ:ખાનુભૂતિ થઈ હશે, તે જ વાંસળીવાળો અનુભવી રહ્યો છે. હારી-થાકીને ટ્રેનના છેડે જઈ પાછો વળ્યો, એક પણ વાંસળી વેચાઈ નહીં.

‘પાછાં વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી’

— એક વાંસળી ભારામાંથી ખેંચી આષાઢની સાંજની ઝરમર વરસી રહી છે ત્યારે ‘સૂરો તણાં રંગધનુ ઉડાવતી, એણેય છેડી ઉરમાંથી ઝર્મરો.’ વાંસળીવાળાએ પોતે જ વાંસળી વગાડવા માંડી અને વાંસળીના સાત સૂરોના ઇન્દ્રધનુમાં એવો તો તન્મય થઈ ગયો કે:

‘જીવંત આવી સુણી જાહિરાત, કો
બારી મહીંથી જરી બ્હાર ઝૂકતી,
બોલાવતી તાલીસ્વરેથી બાલા’

— કોઈ બાળા બારી બહાર ઝૂકી તાલી પાડી એને બોલાવે છે કે, એક વાંસળી આપ, ભલે તારો ભાવ ચાર આના હોય. પરંતુ વાંસળીવાળાનો ‘ભાવ’— Price ‘ભાવ’ — Emotionમાં પરિવર્તિત થઈ ગયો છે. ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન.’ — હવે એ તો લીન થઈ ગયો છે વાંસળીના સૂરોમાં, એને હવે ગ્રાહકની તમા નથી. સ્વાન્ત: સુખાય અવસ્થા તે ભોગવી રહ્યો છે. એ હવે વેપારી રહ્યો નથી. એ વેપારને પાર કરી આનંદલોકમાં વિહરી રહ્યો છે. મેઘાણીએ લખ્યું છે, ‘કર મન શબ્દનો વેપાર જી…’ આ શબ્દનો, સૂરનો વેપાર, સુરાનો વેપાર, અનાજ-કરિયાણાના વેપાર જેવો વેપાર નથી. કવિની કવિતા પ્રતિષ્ઠા પામે કે ન પામે, કવિને તો આનંદ આપે છે. કવિનો વેપાર અનુભવાતીત (Transcendental) છે. સંગીતનો વેપાર પણ નફા-નુકસાનથી પર છે. સંગીત કોઈને નહીં, તો સ્વને તો આનંદ આપે જ છે. મયખાનામાં મય ના વેચાય તો પીને તો આનંદ માણી શકાય છે. કવિએ ‘વાંસળીવાળો’ જેવા ક્ષુલ્લક વિષય લઈ કાવ્યનું વિરાટ દર્શન કરાવ્યું છે. સંકીર્ણતા છોડી અખિલાઈ પ્રાપ્ત કરવા કવિ ઉમાશંકર કવિઓને આહ્વાન કરે છે. અંતે એક ઉર્દૂ શેયરથી સમાપન કરીએ! ‘ક્યા પૂછો કારોબારકા, આયને બેચતા હૂં અંધો કે શહેર મેં! આમીન