આમંત્રિત/૧. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧. જૅકિ

ન્યૂયોર્ક જેવું શહેર. હડસન જેવી નદી. અહીંની પાનખર જેવી ઋતુ. સુંદર ચિત્ર જેવી આ સવાર. અને વળી, પોતાની આ જિંદગી. આંખો ખુલી અને મન જાગૃત થયું કે તરત આવો ભાવ જૅકિના હૃદયમાં ઊભરાઈ આવેલો. આ શહેર અને આ સવાર માટેનાં આ વાક્યો, એમાં સ્પષ્ટ કોઈ વિશેષણ નહીં, પણ તોયે ઓહો, વખાણનો પાર નહીં. એક તો એમ, કે ન્યૂયોર્ક શહેરને વળી વિશેષણોની જરૂર જ ક્યાં હતી?, ને બીજું, સુયોગ્ય વિશેષણો મેળવવા જેવી આવડત જૅકિમાં ક્યાં હતી? ઊઠતાંની સાથે જૅકિ એટલા આનંદમાં હતી કે પોતાની બિનઆવડત જેવી વાત પર એ હસી શકી. અત્યારે સાથે સચિન હોત તો આનંદ તો વધત જ, પણ જાણે દૃશ્યનું રૂપ પણ વધ્યું હોત. સચિનને જૅકિના અપાર્ટમેન્ટમાંથી દેખાતાં દૃશ્ય બહુ ગમતાં. કદાચ એની પાસે જ જૅકિએ આ શબ્દો પહેલી વાર સાંભળ્યા હતા - ન્યૂયોર્ક જેવું શહેર. હડસન જેવી નદી. એને અર્થ તરત સમજાયો નહતો. જેવું એટલે કેવું? ને જેવી એટલે કેવી? પછી સચિને સમજાવેલું, એટલેકે એક વ્યાખ્યાન આપેલું, એમ જ કહી શકાય! કેટલું વર્ણન કરેલું શહેરનું ને આ નદીનું, કેટલો ઇતિહાસ જણાવેલો. શહેરનું નામ કઈ રીતે પડ્યું, આ નદીનું નામ કોના પરથી પડ્યું વગેરે. સચિન પાસે જાણે બધી બાબતની જાણકારી હતી. જૅકિએ બાલ્કનિમાં જઈને જોયું તો સરસ ભૂરા આકાશને લીધે એ સવારે હડસનનું પાણી પણ સરસ ભૂરું લાગતું હતું. ઝાડપાનના બદલાતા ગયેલા રંગોની શોભા નીચેના ઉદ્યાન-પરિસરમાં થયેલી હતી. આ ઋતુમાં અહીં અમુક પ્રમાણમાં તડકો અને ઠંડી મળતાં જાય તેમ લીલાં પાંદડાં રંગ બદલતાં જાય. લીલાંમાંથી પીળાં, ગુલાબી, કેસરી, લાલ, મરૂન, જાંબલી, ને શિયાળો બેસવા માંડે ત્યારે, નહીં ખરેલાં પાંદડાં છેલ્લે કાળાશ પડતાં થતાં જાય. એને તો હજી વાર હતી. પાનખર અને શિયાળાનો આ સંધિનો સમય છે, એમ કહેવાય છે, તે જૅકિને ખબર હતી. પણ ઠંડી શરૂ થઈ જાય, ને તે પછી ફરી સરસ ઉષ્માના દિવસો આવે, તેને માટે ‘ઇન્ડિયન સમર’ જેવો શબ્દપ્રયોગ હોય છે, તે જૅકિ નહતી જાણતી. એનો અર્થ પણ એક વાર સચિને જ એને સમજાવેલો. એ વાતને એક વર્ષ થયું એટલાંમાં એ સમજૂતી જૅકિ જરા ભૂલી ગઈ હતી. ‘ઇન્ડિયન’ એટલે ઇન્ડિયાનાં ઇન્ડિયન નહીં, એટલું જ એને યાદ હતું. ફરીથી સચિનને પૂછવું પડશે. એ જ ઘડીએ સચિનને ફોન કરવાનું જૅકિને મન થઈ ગયેલું. પણ ફોન કરાય તેમ નહતો. આજે શનિવાર થયો હતો. શનિવારની સવાર જ નહીં, પણ મોડી બપોર સુધીનો સમય સચિને પોતાના પિતા માટે રાખેલો. બસ, એ નક્કી જ હતું. આ નિયમ નહી જ બદલવા માટે એ મક્કમ હતો. સચિનના પાપાની તબિયત બહુ સારી નહતી રહેતી, એ જૅકિ જાણતી હતી. એ તો ઉંમર પ્રમાણે હોય. પણ એ સિવાયની પણ કોઈ ચિંતાજનક બાબત હોય, એવું એને લાગતું. ઉપરાંત, એની મમ્મીનું નામ એ કેમ કદિ લેતો નહતો? પણ એ હજી સુધી સચિનને પૂછી નહતી શકી. હડસન નદીના પહોળા પટના અલભ્ય જેવા દર્શનનો લાભ જૅકિના અપાર્ટમેન્ટની કાચની દીવાલોની આરપારથી આખો દિવસ મળતો. ને રાતે, નદીની પેલી બાજુ બનેલી બહુમાળી ઇમારતોમાંની બત્તીઓ આકર્ષક લાગ્યા કરતી. આ અપાર્ટમેન્ટમાં સમય પસાર કરવો સચિનને બહુ જ ગમતો. એક વાર એ કહી બેઠેલો, “એમ થાય છે કે હું અહી રહેતો હોત તો.” જૅકિએ ઉતાવળે જવાબ આપી દીધેલો, “તે આવી જા ને. તને આપ્યું આમંત્રણ, ક્યારેય પણ આવી શકે છે. અહીં બે બેડરૂમ પણ છે. એક હું તારે માટે રાખીશ, બસ?” પણ આ પછી આગળ કશું નહીં, પછી ફરી ક્યારેય નહીં. સચિનને એમ હશે કે જાણે એ બોલ્યો, ને પછી એ શબ્દો ભૂલી જવાના હતા? પણ જૅકિ ભૂલી નહતી. એ વાત વારંવાર તો શું, જાણે ક્યારેય કાઢી શકાય તેમ નહતું. એક તો એટલે, કે સાથે રહેવા માંડવા જેવો સબંધ ક્યાં થયો હતો?, ને એને માટે કોઈ ચોખવટ ક્યાં થઈ હતી? ને બીજું, સચિને શરૂઆતમાં જ કહેલું, “જૅકિ, મારા જીવનમાં એક જ બાબતની કશી પણ કિંમત છે, ને તે મારા પાપાની હાજરી છે. જો પાપા મારી સાથે ના હોય, તો મારી પાસે કશું જ નહીં હોય.” બાકીનું કહેવાની જરૂર નહતી - કે સચિન પાપાને લઈને જૅકિને ત્યાં રહેવા ના આવી શકે, અને એમને મૂકીને આવવાનું તો વિચારાય તેમ જ નહતું. ધીરજ જૅકિએ જ રાખવાની હતી. રાહ એણે જ જોવાની હતી. અત્યારે તો સચિન સાથે બિનશરતી સંબંધનો આગ્રહ રાખી શકાય તેમ નહતો. “તો કાંઈ નહીં”, જૅકિ વિચારતી. “આટલું તો છેને. સચિન મળે તો છેને. અરે, એ મને જ મળે છેને? બીજી કોઈ છોકરી સાથે એ ક્યાં મળે છે કે બહાર જાય છે? કે પછી એવું લાગતું નથી?” આવા બેવડા વિચારો એને મુંઝવતા રહેતા. સચિન જેવા છોકરા - અરે, યુવાન - સાથે એને ઓળખાણ થઈ હતી, તે માટે પોતે કેટલી નસીબદાર હતી. જૅકિને સચિન પહેલેથી જ ખૂબ ગમી ગયેલો, એની લીલી-ભૂખરી આંખો તરફ તરત જૅકિનું ધ્યાન ગયું હતું. ત્યારે તો ટીકીને નહતું જ જોવાયું એ આંખોમાં, પણ પછી યે નહતું જોવાયું. બંને મળતાં જ કેટલું? જૅકિને તો સચિનની સાથે જિંદગીભર રહેવાના વિચાર પણ આવતા હતા, પણ સચિન આ વિષે શું વિચારે છે તેનો ખ્યાલ જૅકિને આવતો નહતો. ‘આ તો પશ્ચિમનું જીવન છે, એમાં વર્ષો સુધી છોકરો-છોકરી સાથે હર્યાં-ફર્યાં હોય, અરે, સાથે રહ્યાં પણ હોય, ને બસ, છૂટાં પડી જાય. તું તારે રસ્તે, હું મારે રસ્તે.’ બધે આવું જ બનતું જૅકિને દેખાતું હતું. ને બધાં પાછાં આ સ્વીકારી પણ લે. છૂટાં પડી જવામાં ભાગ્યે જ કોઈનો વાંક ગણાય. એ તો જાણે આ જમાનાની જીવન-રીતિ જ થઈ ગઈ હતી. ક્યારેક જૅકિ મનમાં ફફડી જતી, પણ હજી તો સચિન સાથે થોડી મૈત્રી જ થયેલી ગણાય. હજી સાથે તો નહતાં જ રહેતાં, પણ કાંઈ બહુ જ વાર, વારંવાર મળતાં પણ નહીં. કોઈક અઠવાડિયે બે વાર, કોઈક અઠવાડિયે તો માંડ એક જ વાર. શનિવારની સાંજે મળવું સચિનને ફાવતું. આજે શનિવાર, આજે સાંજે સચિન મળશે, જૅકિ ફરી એકલી એકલી હસી. જૅકિ હતી તો ફ્રેન્ચ મા-બાપની દીકરી, પણ ઇન્ડિયાની જીવનસરણીનો પ્રભાવ એના પર પડ્યો હતો. એના જીવનની વાત બહુ રસપ્રદ હતી, ને તે એ કારણે, કે એનાં માતા-પિતા પહેલેથી, પોતપોતાનાં ફ્રેન્ચ કુટુંબો સાથે પોંડિચેરીમાં રહેતાં હતાં. એમ તો છેક સત્તરમી સદીથી વીસમીનાં વચલાં વર્ષો સુધી ફ્રેન્ચ સરકારે ત્યાં કૉલૉનિ સ્થાપેલી, ને તેથી ઘણાં ફ્રેન્ચ નાગરિકો સરકારી અને ધાર્મિક કામકાજ માટે ત્યાં જઈને વસેલાં. જૅકિનાં મા-બાપનાં કુટુંબો પણ ફ્રેન્ચ સરકારી કાર્યાલયમાં કામ કરતાં હતાં. એમનાં બાળકો સિમોન અને માર્સેલ પોન્ડિચેરીમાં સાથે જ મોટાં થયાં, ત્યાંની ફ્રેન્ચ સ્કૂલમાં ભણ્યાં, અને પરણ્યા પછી પણ ત્યાં જ રહ્યાં. જોકે સિમોનની ડિલિવરી માટે ફ્રાન્સ જવાનું એમણે નક્કી કરેલું, જેથી બાળક ફ્રાન્સનું નાગરિક બને. બેબીનું નામ તો પાડ્યું, પણ માતા એને ‘જ્ઝૅક્લિન’ કહેતી, અને પિતાને ‘જાકાલિન’ કહેવું ગમતું હતું. જાહેરમાં ‘જાકાલિન’ નામ જ વપરાતું થયું. એણે હાઈસ્કૂલ પૂરી કરી ત્યારે સિમોન અને માર્સેલને લાગ્યું કે હવે ફ્રાન્સ પાછાં જવું જોઈએ, કે જેથી જાકાલિનને પૅરિસની યુનિવર્સિટીમાં ભણવાનો લાભ મળે. વળી, ઘણાં ફ્રેન્ચ કુટુંબો પોન્ડિચેરી છોડી જવા માંડ્યાં હતાં. ફ્રેન્ચ સરકારને લગતું તો ત્યાં ક્યારનું કશું રહ્યું નહતું. જેમ જૂની પેઢીનાં સદસ્યો ઓછાં થતાં ગયાં, તેમ એમનાં સંતાનો-સ્વજનો ફ્રાન્સ પાછાં જવાનું પસંદ કરવા લાગ્યાં હતાં. જાકાલિનને પણ આગળ ભણવા માટે, ફ્રાન્સ પાછાં જવાનો નિર્ણય યોગ્ય જ લાગ્યો. પૅરિસની સર્બૉન યુનિવર્સિટીમાં એણે ચાર વર્ષ અભ્યાસ કર્યો, અને આંતરરાષ્ટ્રીય કાનૂનના વિષયમાં ડિગ્રી લીધી. પછી નોકરી શોધવા એને જવું જ ના પડ્યું. એના તેજસ્વી પરિણામને કારણે, એનું નામ ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યૂયોર્ક શહેરના ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં સૂચવાયું. એ માટેનો ઇન્ટરવ્યૂ પૅરિસમાં જ થયો, અને તરત જ સારી પોઝિશન માટે એની પસંદગી થઈ ગઈ. જાણે આમંત્રણ જ મળ્યું અમેરિકામાં રહેવાનું. જરૂરી વિસાની ગોઠવણ કોન્સ્યુલેટ તરફથી તાત્કાલિક કરી લેવામાં આવી. બધાં જ એની આવી સફળતાથી ખુશ થયાં હતાં, પણ જાકાલિનને અમેરિકામાં આવતાંની સાથે જ એક મુશ્કેલી થવા માંડી. તે હતી એના નામ માટેની. એને કે એનાં મા-બાપને ખ્યાલ નહતો કે ‘જાકાલ’ નામનું એક નિશાચર પશુ હોય છે, ને એ હિંસક પણ હોઈ શકે છે. જાણે એના પરથી જ ‘જાકાલિના’ નામ ના બન્યું હોય. અમેરિકામાં તો જે સાંભળે તે હસે, અથવા એની મશ્કરી કરે. એમાંથી ફક્ત ‘લિના’ નામ તરીકે વાપરવાનું વિચાર્યું, પણ એ એને ગમ્યું પણ નહીં, અને ફ્રેન્ચ જેવું લાગતું પણ નહતું. ‘જ્ઝૅક્લિન’ નામ વાપરે તો પણ ભાગ્યે જ કોઈ ઉચ્ચાર સરખો કરી શકતું. છેવટનો ઉપાય હતો નામને સાદું, અમેરિકન જેવું કરી નાખવાનો. ને એમ, લગભગ પરાણે, એનું નામ બન્યું ‘જૅકિ’. કામ સારું હતું, કામ કરવાની જગ્યા સારી હતી ન્યૂયોર્ક શહેરના ફૅન્સી ગણાય તેવા ફિફ્થ ઍવન્યૂ પર ઑફીસ હતી. બે વર્ષ ક્યાંયે પસાર થઈ ગયાં. એ પછી એને નોકરીમાં પર્મેનન્ટ બનાવવામાં આવી. ત્યારે સિનિયર કલીગ રૉલ્ફે એને હવે ભાડું આપ્યા કરવાને બદલે સારો એક અપાર્ટમેન્ટ ખરીદી લેવાની સલાહ આપી. એ માટે તો પર્મેનન્ટ વિસા પણ જોઈએ, ને એ પણ કોન્સ્યુલેટની લાગવગને લીધે કોઈ જ વિલંબ વગર મળી ગયો. આટલી બધી પ્રગતિ, ને આટલી ઝડપથી? એનાં મા-બાપને ચિંતા થઈ ખરી, કે તો પછી હવે જૅકિ પાછી કદિયે ફ્રાન્સ આવશે જ નહીં? અમેરિકામાં રહી જવાનો એનો નિર્ણય ખોટો નથી, તેની ખાતરી કરવા એનાં પૅરન્ટ્સ સિમોન અને માર્સેલ ન્યૂયોર્ક આવ્યાં. જૅકિનાં બધાં કલીગને મળ્યાં, કોન્સુલ જનરલે એમને ખાસ જમવા બોલાવ્યાં, જૅકિના કામનાં અને એની હોંશિયારીનાં ઘણાં વખાણ કર્યાં. જૅકિને જે બે-ત્રણ અપાર્ટમેન્ટ ગમ્યા હતા, તે જોવા એ એનાં મમા અને ડૅડને લઈ ગઈ. હડસન નદીના સુંદર દૃશ્યને દિવસ અને રાત પ્રદર્શિત કરતો આ અપાર્ટમેન્ટ એ ત્રણેને સૌથી વધારે ગમ્યો. સૌથી મોંઘો પણ હતો, પણ કોન્સ્યુલેટ તરફથી ભથ્થું મળવાની વાત થઈ ગઈ હતી. મમા અને ડૅડની હાજરીમાં જૅકિએ પોતાની સંપત્તિ માટે સહીઓ કરી. ન્યૂયોર્ક શહેરનું કેન્દ્ર ગણાતા મૅનહૅતન વિભાગના વૅસ્ટ સાઇડ કહેવાતા વિસ્તારમાંનું એ બિલ્ડિન્ગ નદીની નજીક, અને સળંગ બનેલા રિવરસાઇડ પાર્ક પર જ આવેલું હતું. જાણીતી કોલમ્બિયા યુનિવર્સિટી બે માઇલ જેટલે જ દૂર હતી. જૅકિએ તો તરત ત્યાં ઇન્ટરનૅશનલ લૉ વિષયમાં માસ્ટર્સ કરવા જવાનું વિચારવા માંડેલું. એ શક્યતા આ જગ્યાએ રહેવાના એક વધારાના લાભ જેવી હતી. નવા અપાર્ટમેન્ટમાં રહેવા ગયા પછી જૅકિએ એક નાની પાર્ટી રાખી. એટલું સારું, કે અહીંની જિંદગીમાં, બહુ મોટું ભોજન બનાવવાની જરૂર જ નહીં. એવી અપેક્ષા જ ના હોય કોઈની. નાસ્તા જેવી બે-ચાર વસ્તુઓ ખરીદી લાવવાની. મુખ્ય તો પીણાં હોવાં જોઈએ. જોકે આમંત્રિતો પણ વાઇન ને બિયર લેતાં જ આવે. આ જ રિવાજ. ભેગાં થવાની જ અગત્ય હોય બધાંને. ઑફીસમાંથી સાતેક જણ આવ્યાં. બીજાં બેએક જણને મળવાનું થયેલું, એમને પણ બોલાવેલાં. એમાં ખલિલ નામનો એક યુવાન પણ હતો. જૅકિને કોન્સ્યુલેટની એક પાર્ટીમાં એની ઓળખાણ થયેલી. એ આમ તો આઈ.ટી. પ્રોફેશનમાં હતો, પણ એની ઑફીસને ફ્રાન્સ સાથે કામ કરવાનું થતું. સંયોગ એવો થયો કે ખલિલ એના એક ખાસ મિત્રને સાથે લેતો આવેલો. “વાંધો નથીને?”, એણે જેકિને પૂછી લીધેલું ખરું. એ મિત્ર જ હતો સચિન. જૅકિને હવે તૈયાર થવાની ઉતાવળ હતી. આજે શનિવારની સાંજે સચિન સાથે મળવાનું હતું.