આમંત્રિત/૨. સચિન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨. સચિન

અત્યાર સુધી તો અઠવાડિયાના બધા દિવસો ક્યાંતો ઑફીસમાં જઈને, ક્યાંતો ઘેર બેસીને કામ કરવામાં જતા. બધા દિવસો જાણે સરખા જ હતા. પણ હવે શુક્રવારની રાતથી જ સચિનને હાશ થવા માંડે, કે કાલે શનિવાર છે. નિરાંતે ઊઠી શકાય એટલે જ નહીં, પણ નિરાંતે ઘણા કલાકો પાપા સાથે ગાળી શકાય એટલે. બંનેની વાતો મિનિટે મિનિટ સળંગ ચાલતી જ હોય, એવું નહીં, પણ પાપાની આસપાસ હોવામાં જ સચિનને હવે સંપૂર્ણ સંતોષ થતો. છએક વર્ષ થયાં હશે જ્યારે પાપાની હાલત વિષે, પહેલવહેલું, જરાક જાણવા મળ્યું હતું. સચિનને હજી બરાબર યાદ હતો એ સમય. પોતે તો હાઈસ્કૂલથી જ ઘરની બહાર નીકળી ગયો, સ્કોલરશિપ પર ભણ્યો. શરૂઆતમાં પાપાને એના ઘરની બહાર જઈને ભણવા માટે વિરોધ હતો, પણ પછી કેવા ખુશ થતા, ને ગર્વ કરતા - સચિનની હોંશિયારી માટે. એણે ઘર છોડ્યું તે છોડ્યું - શરીરથી તો ખરું જ, પણ મનથી યે ખરું. એને તે જ વખતથી સ્વતંત્રતાનો સ્વાદ લાગી ગયો હતો. અને કૉલેજની બાબતે તો - ભણવાનું પૂરું થયું ના થયું, ત્યાં તો એને સારી નોકરીની ઑફર મળી ગઈ હતી. તે પણ ન્યૂયોર્ક જેવા શહેરમાં. એને તો આ શહેર પહેલેથી જ અદ્ભુત અને અસાધારણ લાગતું. અહીં રહેવાનું, અહીં કામ કરવાનું - વાહ. વળી, એનો ખાસ મિત્ર ખલિલ પણ ન્યૂયોર્કમાં જ નોકરી કરવાનો, અને રહેવાનો હતો, એટલે બંને પોતપોતાને નસીબદાર ગણવા લાગેલા. એ બધાં વર્ષો દરમ્યાન સચિન ક્યારે ગયો ઘેર? ક્યારે મળ્યો મા-બાપને, નાની બહેનને? પોતાના જીવનમાં એવો મસ્ત થઈ ગયો હતો કે પોતાના કુટુંબના જીવન વિષે, એમના સંઘર્ષ વિષે એને જાણ તો નહતી જ, પણ એ વિષે એણે વિચાર પણ ક્યાં કર્યો હતો? છેલ્લે એક વાર એ ઘેર ગયો ત્યારે ઘર ખાલી જેવું હતું. પાપા ક્યાં?, અંજલિ ક્યાં? કેમ રાત પડી તોયે એ બે જણ ઘેર પહોંચ્યાં નથી? એને મૂંઝવણ થઈ, ચિંતા થઈ. ઘરમાં જાણે કશું ખાવાનું પણ નહતું. એની મૉમ કેતકી દોડાદોડ સ્ટોરમાં જઈ આવી. “અરે, તું બેસ તો ખરો, બાબા, સંગીત સાંભળ, જો, આ મૅગૅઝીન જો, એટલાંમાં હું જમવાનું બનાવી દઉં. કાલે તને ભાવતા નારકોળના નાડુ બનાવીશ, હોં, ચોક્કસ,” એવું એવું એ બોલતી રહી. સચિનને લાગ્યું કે મૉમ સાચી વાત કહેવાનું ટાળતી હતી. સચિન જમવા તો ના જ બેઠો. કહે, “ના, પાપાને અને અંજલિને આવવા દો. હું એમને આટલા વખતે મળવાનો. એકલો જમવા શા માટે બેસું?” હવે કેતકી વધારે વખત સચિનથી સત્ય સંતાડી શકે તેમ નહતી. છતાં કેતકી દરેક ઝીણી વિગત કહી ના શકી. કઈ રીતે કહે? ત્યાં સુધીમાં તો એ પોતાને જ સચિન-અંજલિના પાપા સુજીતની અપરાધી ગણવા માંડી હતી. સુજીતને ઘર છોડવાની કાનૂની ફરજ પાડવા માટે એ જ જવાબદાર હતી. કેતકીનાં મા-બાપે, અને સુજાતા-મહેશ જેવાં ખાસ મિત્રોએ એને કેટલી સમજાવી હતી. અને સુજીત? એ તો કેટલીયે કાકલુદી કરતો રહેલો. એ માથું કૂટીને બોલતો હતો, ‘હું ગાંડો થઈ જઈશ. હું કેવી રીતે જીવીશ? કાંઈ કર, મહેશ. એને સમજાવ, ભાઈ. હું કેવી રીતે ટકીશ?’ પણ એ કશાની અસર કેતકી પર થઈ નહતી. એ કશા પર એણે સહેજ પણ ધ્યાન આપ્યું નહતું. ઘણા વખત પછી, મહેશે એને કહેલું કે સુજીતે આખું ઘર, બધી જ સંપત્તિ કેતકીના નામે કરી દીધી હતી. સાવ બિનશરતી રીતે. એનો અડધો ભાગ તો શું, એમાંનું કશું જ એ રાખવાનો નહતો. ત્યારે એ કેટલી પસ્તાવા માંડી હતી. મહેશની મદદથી સુજીતને શોધવા એણે પ્રયત્ન કર્યો હતો. “પણ સાવ થોડો જ પ્રયત્ન કર્યો હશે, મૉમ, નહીં તો કેમ એમને શોધી ના શકાયા?”, હવે સચિને પ્રશ્ન કર્યો. કેતકીને તીરની જેમ વાગે એ જ ઉદ્દેશ હતો. “ને અંજલિ? તેં એને શું કામ હેરાન કરી, મૉમ?” અંજલિ કેવી ઉદ્ધત, કેવી ઉદ્દંડ થઈ ગઈ હતી, જુદા જુદા છોકરાઓ સાથે ફર્યા કરતી હતી, કશું સાંભળતી નહતી, ધાર્યું જ કરતી હતી, ને એ જ ઘર છોડીને જતી રહી છે, વગેરે કેતકી કહેતી ગઈ, પણ સચિનને એની વાતો પર વિશ્વાસ ના પડ્યો. “મને ખબર નથી કે તારો ઇરાદો શું હતો, મૉમ, પણ લાગે છે કે તને અમારા કોઈ માટે કશી લાગણી જ નહતી. તારે એકલાં જ શાંતિથી રહેવું લાગે છે. અરે, તારે જ તારું ધાર્યું કરવું લાગે છે.” સચિનના શબ્દો કઠોર હતા. “કોઈએ ક્યારેય નહીં જોઈ હોય આવી મા. કોઈ ઈન્ડિયન કુટુંબમાં, પત્નીના હાથે પતિ પોતે, અને માના હાથે છોકરાંઓ સુદ્ધાં આવાં હેરાન થયાં હોય- એવું ક્યાંયે નથી જોયું. તારો એકલીનો જ સ્વાર્થ જોયો તેં, મૉમ?” કેતકીની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં. “ના, બાબા, એવું નથી”, એ કહેતી ગઈ. સચિનના અવાજમાં પણ હવે કઠોરતા હતી. “મને બાબા, બાબા, કરવાનું ક્યારે બંધ કરીશ? મારું નામ સચિન છે, એટલું પણ યાદ રાખી નથી શકતી?” રાતે મોડું થઈ ગયું હતું, પણ સચિન ત્યાં રાત ગાળી શક્યો નહીં. એ નહતું એનું ઘર, ને જાણે એ નહતી એની મૉમ. કેતકી સાથેની આ મુલાકાત પછી સચિને કોઈ સંપર્ક એની સાથે રાખ્યો નહીં. પોતાના પાપાની મુસીબતોના વિચારે એનો જીવ દુભાતો રહ્યો. કોઈક રીતે એ પોતાને પણ દોષી ગણવા લાગ્યો. એક ખલિલ જ હતો જેની સાથે એ પોતાના કુટુંબની, પોતાના નિસ્તેજ જીવનની કશી પણ વાત કરી શકતો. એ જ અરસામાં ખલિલ પાસેથી જાણવા મળ્યું કે સુજીત વકિલાત છોડીને, કોણ જાણે કઈ આપત્તિને કારણે, ભાડાની લિમોઝિન ગાડી ચલાવવાની નોકરી કરતા હતા. બનેલું એવું કે ખલિલને એક મીટિન્ગમાં લઈ જવા માટે જે લોમોઝિન એની ઑફીસ પર આવી એના ડ્રાયવર સચિનના પાપા હતા. કાચમાં મોઢું દેખાતાં ખલિલ સુજીત અંકલને ઓળખી ગયો. એમ ઓળખાઈ જવાથી એ ખૂબ સંકોચ પામી ગયેલા લાગ્યા. આટલું સાંભળતાં જ સચિને તરત એમને શોધવાનો પ્રયત્ન કરવા માંડ્યો. લિમોઝિન કંપનીમાં ફોન કરીને, એ ક્યાં રહેતા હતા તેની પૂછપરછ કરી. આખરે, ક્વીન્સ વિભાગમાં ક્યાંક ભોંયતળિયાની નાની જગ્યામાં એ ભાડે રહેતા હતા, તે જાણ મળી. સચિને કોઈ વિલંબ વગર એ સરનામે કુરિયરથી એક કવર મોકલી આપ્યું. બે દિવસ પછી, સચિનને ઘણો આઘાત લાગ્યો જ્યારે એ કવર એની ઑફીસમાં એના ટેબલ પર પડેલું જોયું. દેખાતું હતું કે પાપાએ એ ખોલ્યું તો હતું, પણ રાખ્યું નહીં. એમણે પણ કોઈ વિલંબ વગર બીજા કુરિયર સાથે એ પાછું મોકલાવ્યું હતું. ઊંડો ઘા થયો હોય એમ સચિનને મનમાં અત્યંત પીડા થઈ આવી. અરે, આ શું કર્યું મેં? પાપાને મદદ કરું છું, એમ માનીને મેં એમને મોટી રકમનો એક ચેક મોકલ્યો - જાણે ભીખ આપી. સાથે એક ચીઠ્ઠી નહીં - સાંત્વનના કોઈ શબ્દ નહીં, મળવાની કોઈ વાત નહીં. એવું અંગત કશું નહીં, બસ, ફક્ત દયા. એના પાપા કેવા સ્વમાની હતા, તે પણ એ ભૂલી ગયો હતો? ‘જાણે મારી પાસે બહુ પૈસા હતા, તે થોડા મોકલી આપ્યા, પણ મારી પાસે એક કાગળ લખવાનો - મળવાની આજીજી કરવાનો, વિનંતી કરવાનો, એમની તબિયતના ખબર પૂછવાનો - સમય નહતો. ના જ રાખે ને પાપા એ કવર, કે એ પૈસા.’ એણે તરત ફરી એ લિમોઝિન કંપનીને સંપર્ક કર્યો. ખબર મળ્યા કે સુજીતે એ નોકરી છોડી દીધી હતી. જ્યાં રહેતા હતા ત્યાં તો મળશે જ, એમ માનીને ખલિલની સાથે સચિન દૂરના ક્વીન્સ વિભાગમાંનું એ ઘર શોધતો પણ ગયો. સાવ નાનું અને સાધારણ હતું એ ઘર. તો એનું ભોંયતળિયું તો વળી કેવુંયે હશે. ઘરની માલિક વૃદ્ધ સ્ત્રીએ બારણામાં ઊભાં રહીને એમને કહ્યું, કે “એ ઇન્ડિયન ભાઈ તો ઉતાવળે જગ્યા છોડી ગયા. કશો સામાન જ નહતો, એટલે એક નાની બૅગ ભરીને નીકળી જતાં વાર ક્યાં લાગે?” સચિને તરત ભાડું બાકી હોય તો ભરપાઈ કરી દેવાની તૈયારી બતાવી. વૃદ્ધાએ કહ્યું, “અરે, એ તો ભાડાના હતા એનાથી વધારે પૈસા આપતા ગયા. કોણ જાણે શું થયું. ત્રણ દિવસ પહેલાં એમના નામનું કવર મેં આપ્યું ત્યારે તો જોઈને બહુ ખુશ થયા હતા. કહે, ‘મારા બાબાનો કાગળ છે.’ પણ બીજી સવારે મને લાગ્યું કે એ આખી રાત ઊંઘ્યા નહીં હોય. આંખો પણ લાલ હતી. કદાચ રડતા રહ્યા હશે? એમના હાથ પણ ધ્રૂજતા હતા. મને કહ્યું નહીં કે શું થયું હતું. ‘મારે હમણાં જ નીકળી જવું પડશે, સૉરિ’, કહીને ચાલી ગયા.” સચિનને પોતે સાવ અક્કલ વગરનો લાગ્યો. એને પાપા સાથે સંપર્ક કરતાં પણ ના આવડ્યું. એ ખૂબ જીવ બાળતો રહ્યો. ફરી પાછા પાપા ક્યાંક ખોવાઈ ગયા, હવે ક્યાં શોધવા એમને? આ પછી પણ બે-અઢી વર્ષ તો નીકળી જ ગયાં હશે. સચિનનો પસ્તાવો ઓછો થયો નહતો. ઑફીસનું કામ સાવ ના કથળે એનો કૈંકે ખ્યાલ એ રાખતો હતો, બાકી એની ઊંઘ અને ભૂખ ઘટી ગઈ હતી. એ મનમાં સતત કહ્યા કરતો હતો, હવે પાપાને હું જ સાચવીશ, મારી સાથે જ રાખીશ. મૉમને એમની નજીક પણ આવવા નહીં દઉં. મૉમને લીધે જ આ હાલત થઈ એમની. બધું ગુમાવી બેઠા એ મૉમના જ સ્વાર્થીપણાને કારણે. બસ, એક વાર પાપા મને મળી જાય. કેતકીને માટે એનો ગુસ્સો સ્હેજ પણ ઓછો નહતો થતો. એને માટે તિરસ્કારનો ભાવ સ્થાયી થઈ ગયો હતો. લાંબા ગાળે, બનવાજોગે, આખરે સચિનને જાણ થઈ કે રૉબર્ટ અંકલ અને વામા આન્ટી પાસે પાપાનો ફોન નંબર છે. એમની સાથે વાત થાય, કે પાપાનો નંબર મળે, તે પહેલાંથી જ મનોમન સચિન એમનો આભાર માનવા માંડ્યો. રૉબર્ટ અને વામા પાસે સુજીતનો ફોન નંબર છે, એ જાણ એને કરી હતી તો કેતકીએ, પણ મૉમનો આભાર માનવાનો તો ખ્યાલ પણ સચિનને આવ્યો નહીં. વામા મૉમની મિત્ર હતી, અને એની સાથેની વાતચિતમાં કેતકીને ખબર પડી હતી કે રૉબર્ટ પાસે સુજીતનો સંપર્ક-નંબર છે. કેતકી સુજીતને ફોન કરી શકે તેમ નહતી. વામાએ એને કડક શબ્દોમાં ચેતવી હતી કે સુજીતનું મન સહેજમાં ભાંગી જઈ શકે એમ છે, અને એને હવે કોઈ બીજો આઘાત ના પહોંચવો જોઈએ. વામાના કહેવાનો અર્થ એ થતો હતો કે હવે સુજીતને સંપર્ક કરવાનો હક્ક કેતકી પાસે રહ્યો નહતો. એટલેકે શું સુજીતને હવે કેતકી સાથે કોઈ સંબંધ રાખવો નહતો? કેતકીએ ઉતાવળે, અને જરાક અવિચારીપણે જે કાનૂની પગલાં લીધેલાં તે હવે એને જ સજા કરી રહ્યાં હતાં. પોતાના દીકરા સાથે વાત કરવાનું પણ સહેલું નહતું. સચિન ગુસ્સો જ નહીં, અપમાન પણ કરી શકે. છતાં કેતકીએ હિંમત કરીને સચિનને ફોન કર્યો. સદ્ભાગ્યે ઘણા વખત પહેલાંનો સચિનનો ફોન નંબર બદલાયો નહતો. કેતકીને ડર હતો તેમ, સચિન તરત વાંકું જ બોલવા લાગ્યો હતો, પણ એ ફોન મૂકી દે તે પહેલાં, કેતકીએ જલદીથી એને સુજીતના ફોન નંબર વિષેની માહિતી આપી હતી. ત્રણ-ચાર વાર ફોન કર્યા પછી રૉબર્ટ અંકલ મળેલા. એમની પાસેથી પાપાનો નંબર તો જાણે મહામુશ્કેલીએ મળેલો. રોબર્ટે ફોન નંબર આપતાં પહેલાં સચિનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી, કે સુજીતને જરા પણ દુઃખ પહોંચવું ના જોઈએ. માંડ માંડ નિરાશાની ખાઈમાંથી એ બહાર આવી રહ્યો હતો. રોબર્ટની જ મદદથી એને માટે એક નાની નોકરીની વ્યવસ્થા થઈ શકી હતી. કંઇક પણ આવક હોય તો માણસ ટકે ને. સચિને ખાતરી આપી કે એ ખૂબ સાવધાન રહેશે. પાપાને પૂરેપૂરા સાચવવા માટે એ તૈયાર હતો. એટલું જ નહીં, મૉમને તો એ પાપાની પાસે પણ નહીં આવવા દે. પણ હવે એ જોવાનું હતું કે પાપા એની સાથે ફોન પર વાત કરશે કે નહીં, અને સાથે રહેવા આવવાની સચિનની વિનંતી પાપા માનશે કે નહીં. કદાચ પહેલી જ વાર સચિને ઈશ્વરને યાદ કર્યા હશે. એણે ઘણા અચકાટ અને ગભરાટ સાથે ફોન કર્યો હતો. અરે, પાપાએ ફોન ઉપાડ્યો, એ ઈશ્વરની કૃપા જ ને. જલદી જલદી એ બોલવા લાગ્યો. “પાપા, મને માફ કરો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ફોન મૂકી ના દેતા, પાપા. એ ભૂલ સુધારવાની મને તક આપો. પાપા, મને માફ કરો.”