આમંત્રિત/૨૩. અંજલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૩. અંજલિ

ન્યૂયોર્કમાં સદ્ભાગ્યે બહુ જ બરફ નથી પડતો, એટલે બહાર નીકળવામાં જોખમ એટલું ઓછું. આવા બહુ મોટા શહેરમાં રહેવાના લાભ તો ઘણા હોય છે, ને ગેરલાભ પણ ખરા જ. એમાંનો એક તે સમયનો અભાવ. ન્યૂયોર્કમાં રહેનારાંને હમેશાં એમ જ થયા કરે, કે સમય જ નથી હોતો. કોઈની પાસે મળવાનો ટાઇમ નહીં, ને ફોન કરવાનો ય નહીં. સચિનને અચાનક ખ્યાલ આવ્યો હતો કે અંજલિની સાથે વાત થયે કેટલા દિવસો થઈ ગયા. એવી કેવી બિઝી થઈ ગઈ છે? એણે ફોન કર્યો ત્યારે અંજલિ ઉતાવળમાં જ હતી. “સૉરિ, ભાઈ, હમણાં સમય જ નથી હોતો.” પોતાના જ શબ્દો - સચિનને હસવું આવી ગયું. “મારા ક્લાસિઝ શરૂ થઈ ગયા છેને, એટલે. પાછાં હોમવર્ક પણ આપે. મોડી રાત થઈ જાય, ને જાણે કામ ના પતે. સાંભળ, હું શુક્રવારે સાંજે મળવા આવું તો ફાવશે?” “હા, કેમ નહીં? પાપા પણ ચિંતા કરતા હતા, કે તારો ફોન પણ નથી. સાથે જમીશું.” જૅકિને તો આ અઠવાડિયે ટાઇમ જ નહતો. સચિને પૂછ્યું ત્યારે એણે કહેલું, કે “જો, એમ કરીએ, કોન્સ્યુલેટમાં ગુરુવારે સાંજે કૉકટેલ પાર્ટી છે, એમાં તું આવજેને.” “ખલિલને લેતો આવું તો ચાલશે? મને કંપની રહેને.” પણ ખલિલને એ સાંજે ફાવે એવું નહતું. એકલાં જવાનું સચિનને જરા પણ મન નહતું. ફરી એણે જૅકિને ફોન કર્યો, “લંચમાં તો મળીએ. બુધવારે ફાવશે?” જવાબ આપવામાં જૅકિએ થોડી વાર કરી. એનું ઍપોઈન્ટમેન્ટ કૅલૅન્ડર જોતી હશે, સચિનને લાગ્યું. ફાવે તેમ હતું, એટલે ક્યાં મળવું તે નક્કી કરી દીધું. માર્ચ મહિનાના દિવસો સારા લાગે, કારણકે સૂરજ પાછો થોડો વધારે તપવા માંડ્યો હોય. ઓવરકોટ તો પહેરવો જ પડે, પણ બપોરે તો બટન બંધ કર્યા વગર પણ ચાલી જાય. જૅકી તો ઑફીસના ફૉર્મલ પહેરવેશમાં હતી - ગરમ સ્લૅક્સ, ટર્ટલનૅક સ્વેટર અને મૅચિન્ગ જૅકૅટ. એણે તો ઓવરકોટ પહેર્યો જ નહતો. એના મનમાં છે તેવી જ ઉષ્મા એના શરીરમાં છે, સચિન મનમાં કહેતો હતો. “કેમ હસે છે? મારી મજાક કરે છે?”, એને ગાલે ટપલી મારતાં જૅકિએ પૂછ્યું. “અંહં, તને આટલી રૂપાળી જોઈને ખુશ થતો હતો! ” જૅકિએ તો સૂપ જ મંગાવ્યો. સચિને સૅન્ડવિચનો ઑર્ડર આપ્યો. પછી જકિએ, જરાક અચકાતાં કહ્યું, કે “આવતા મહિને મારે ફ્રાન્સ જવું પડે તેમ છે.” “ફરી? હમણાં તો ત્યાં જઈને આવી.” “મને ખબર હતી કે તને નહીં ગમે. પણ તું જો સંમત થાય તો એક સરસ આઇડિયા છે.” “ઓહો, હવે તને પણ આઇડિયા આવવા માંડ્યા, એમ ને?” જૅકિનો આઇડિયા હતો તો ખરેખર સરસ. એ એમ કહેતી હતી, કે સચિન પણ સાથે ફ્રાન્સ આવે તો કેવું? “આપણે પૅરિસમાં ફરીએ, મારાં પૅરન્ટ્સને મળીએ. અરે, તને મળશે એટલે એ લોકો તો ભલભલા ફ્રેન્ચમૅનને ભૂલી જશે. તારી આંખો જોઈને તો કહેશે, તંુ ઇન્ડિયન છે કે ગ્રીક?” એને ઍલા ફિત્ઝજૅરાલ્ડે ગાયેલું ગીત ‘એપ્રિલ ઈન પૅરિસ’ યાદ આવતું હતું. એમાં કહે છે, કે વસંત આવી સરસ હોય છે તેની ખબર મેં એપ્રિલમાં પૅરિસ જોયું ત્યારે જ પડી. સચિનને સંભળાવવું પડશે, એ વિચારતી હતી. સચિને પૂછ્યું, “કોઈ કાવતરું વિચારે છે?” “અરે, હોય કાંઈ?”, એ બોલી, ને પછી વાત બદલી નાખી. “તું શનિવારે તો આવીશ ને? ત્યારે વધારે વાત કરીએ.” વધારે શું વાત કરીશું?, સચિન વિચારતો હતો. જૅકિ સાથે ફ્રાન્સ જવાની તક તો વન્ડરફુલ હતી. પણ પાપાને એકલા મૂકીને કઈ રીતે જાઉં? એના મનની એ જ મુંઝવણ હતી હંમેશાં. તો બીજી બાજુ, ખલિલને તો હમણાં સમય નથી, પણ દિવાન અંકલને નજર રાખવા કહી શકાય. લિરૉય અંકલને પણ પૂછી શકાય. ને એમ તો માલતીબહેને કહેલું છે, કે એમના વર જીતુભાઈ પણ જરૂર પડ્યે આવી જશે. અંજલિ પણ છે જને. જોકે એ દિવસ-રાત કામમાં રહે છે, ને એને પાપાની જવાબદારી ફાવે કે ના પણ ફાવે હમણાં. અરે, સૌથી પહેલાં તો પાપાને પૂછવું પડે. હું બે-અઢી અઠવાડિયાં ના હોઉં તો એમને ફાવે?, કે ગમે ખરું? એ મારી સાથે રહેવા આવ્યા ત્યારથી, એ એક જ રાતે એવું બન્યું હતું જ્યારે હું જૅકિને ત્યાં રહ્યો હતો. એ તો કદાચ એવું કાંઈ કહે જ નહીં, પણ એમના ભાવ પરથી મારે સમજી જવું પડે. ખેર, પહેલાં જૅકિની સાથે ફરી વાત તો કરું. ક્યારે જવાનું છે, કેટલા દિવસ માટે, ત્યાં એ કેટલી બિઝી હશે- એ બધું જાણું, પછી જ પાપાને માટેની વ્યવસ્થાનો વિચાર કરી શકાય. સચિન કામની વખતે તો કામમાં જ ધ્યાન આપતો હતો, પણ એ સિવાય ફ્રાન્સ જવા વિષેના વિચારો એના મનને જકડી રાખતા હતા. શુક્રવારે કામ જરા વધારે હતું. એને ઘેર પહોંચતાં રોજ કરતાં મોડું થયું. અંજલિ આવી ગઈ હતી, તે જોઈને એ ખુશ થયો. “કેમ છે, સિસ? બહુ બિઝી રહે છે ને કાંઈ. ને શેના ક્લાસિઝ લીધા છે? તું ક્યારની વિચારતી હતી કોઈ કોર્સ કરવાનું, રાઇટ?” “હા, ભાઈ. મેં બહુ વિચાર કર્યા, કે શું કરું. કોઈ કૉલૅજમાં જોડાઉં, તો ડિગ્રી માટે ચાર વર્ષ લાગે. એ બહુ લાંબું લાગે છે. મારી ધીરજ યે ના રહે કદાચ. ને ફીના પૈસા પણ બહુ થાય. ને એ પછી નોકરી મળે કે નહીં, કેવી મળે - એ બધું કોણ જાણે છે. મારે દોલા સાથે પણ ઘણી વાત થઈ. એ તો આર્કિટેક્ટ થયેલી છે, ને એને માટે પાંચ વર્ષ કાઢ્યાં છે. એણે પણ કહ્યું કે મારે ચાર વર્ષ કાઢવાની જરૂર નથી. ડિગ્રીને બદલે સર્ટિફિકેટ મળતું હોય તેવો કોર્સ લઈ શકાય.” “ફીના પૈસાની ચિંતા ના કરતી, સિસ. તારે જો ડિગ્રી કોર્સ કરવો જ હોય તો એ જ કર.” “પણ દોલાનું સૂચન હતું કે આર્ટ ફીલ્ડમાં ઘણા સારા કોર્સ હોય છે. કહેવાય કે સર્ટિફિકેટ જ મળે, પણ એમનું વજૂદ સારું એવું હોય છે. મને આ સલાહ બહુ સારી લાગી. હું આમેય આર્ટ ગૅલૅરિમાં કામ તો કરું જ છું, મને થોડો અનુભવ અને ઓળખાણો થયાં છે, એમાં આગળ વધવાની શક્યતા મારે માટે વધારે છે. મેં પાર્ઝન આર્ટ સ્કૂલમાં ઍડમિશન લીધું છે. હમણાં ક્લાસિક વર્લ્ડ પેઇન્ટિન્ગ સમજવાનું ચાલે છે. પછી આધુનિક, અને છેલ્લે અમેરિકન ચિત્રો પર ક્લાસિઝ ચાલશે. આ કોર્સ માટે પણ દોઢેક વર્ષ તો થશે જ, પણ સર્ટિફિકેટ મળી જાય એટલે હું ક્વૉલિફાઇડ ગણાઈશ.” “વાહ, અંજલિ. તું તો આર્ટ ઍક્સ્પર્ટ થઈ જવાની.” સુજીતને એની દીકરીની સમજણ અને ધગશ પર નવાઈ લાગતી હતી. ક્યારે શીખી આવું બોલતાં, વિચારતાં? બંને છોકરાં જાણે એમની મેળે મેળે જ મોટાં થઈ ગયાં, મૅચ્યૉર થઈ ગયાં, અને કૉન્ફિડન્ટ પણ કેવાં. સુજીત બંને માટેના વહાલથી જાણે પીગળી રહ્યા હતા. અને આજે ઘેર આવીને અંજલિએ એમને જે વાત કરી, એનાથી પણ એ નવાઈ પામ્યા હતા. તે માટે પણ અંજલિએ લાંબો વિચાર કર્યો જ હશે. માર્શલ સાથે ચર્ચા કરી હશે. હવે સચિન આગળ મૂકવાની છે એ વાત. અંજલિને જરાક ડર છે, કદાચ છે ને સચિન એમાં એનો સ્વાર્થ સમજે. જમીને બેઠાં તે પછી અંજલિએ કહ્યું, “ભાઈ, એક વાત કહેવાની છે. તું એને સૂચન જ સમજજે. કોઈ જીદ કે આગ્રહ નથી એમાં.” “અંજલિ, હવે તું મને ચિંતા કરાવે છે. વાત તો કહે, પછી નક્કી કરું કે શું છે.” તોયે અંજલિએ અચકાતાં કહેવા માંડ્યું, “માર્શલને ન્યૂયોર્કની એક ફર્મમાં નોકરી મળી ગઈ છે. એને અઠવાડિયે બે કે ત્રણ દિવસ ન્યૂજર્સી જવું પડશે, પણ એ તો ત્યાં જ મોટો થયો, એટલે રસ્તાઓ જાણે છે. વળી, બાકીના દિવસ એ ઘેરથી કામ કરી શકશે. આ રીતે સગવડ પણ છે. મને એમ થયું કે હું અને માર્શલ અહીં રહીએ, અને પાપાને પણ સાચવીએ. માર્શલ તારા-વાળો રૂમ વાપરે. ત્યાં ટેબલ પણ છે, એટલે એનું કામ પણ થઈ શકશે. ને હું જેમ અત્યારે પાપાના રૂમમાં સૂઉં છું તેમ જ સૂઈશ. તું જૅકિને ત્યાં રહી શકે. તને ગમે ને?” આ વાત ખરેખર સચિનની ધારણાની બહાર હતી. પણ ખોટી નહતી. બંને પક્ષે સગવડ જ મળે તેમ હતી. વળી, પાપા ઍન્જિનિયર હતા, માર્શલ પણ હતો. બંને વાતો અને ચર્ચા પણ કરી શકશે. એને પોતાને માટે તો આ વાત બહુ જ ઍક્સાઇટિન્ગ હતી. “પાપાને શું લાગે છે? તમને તો અંજલિએ કહ્યું લાગે છે, પાપા, હું ઘેર પહોંચ્યો તે પહેલાં, રાઇટ? તમે શું કહ્યું એને? આ ગોઠવણ માટે મને વાંધો નથી, પણ તમને શું ગમશે?” અંજલિએ કહ્યું પછી સુજીત આ વિષે વિચારી જ રહ્યા હતા. એમને કોઈ વાંધો નહતો, અને બહુ ફેર પડવાનો નહતો. ઊલટું, એકલો સચિન એમનું ધ્યાન રાખતો હતો, ત્યાં હવે બે જણ હશે ! માર્શલ સુશીલ છે, અને ગંભીર છે. ઊંડાણ છે એનામાં. એને અને અંજલિને સાથે જોવાં, હસતાં જોવાં બહુ ગમશે. “સચિન, મને પણ વાંધો નથી. મને લાગે છે કે કોઈને કશી અગવડ નહીં પડે. અંજલિ અને માર્શલને હમણાં ને હમણાં કોઈ અપાર્ટમેન્ટ શોધવો નહીં પડે, અને તને જૅકિ સાથે સરસ ટાઇમ મળશે. વળી, હમણાં જેમ અંજલિ મળવા આવે છે, તેમ તું આવતો રહીશ, ખરુંને?” “ભાઈ, તું પહેલાં જૅકિની સાથે વાત કરી લે. એને શું ગમશે, એ પણ જોવાનું ને. માર્શલને ન્યૂયોર્ક આવતાં હજી બે અઠવાડિયાં થવાનાં છે. એ દરમ્યાન આપણે નક્કી કરી લઈશું.” સચિન મનમાં કહે, જૅકિને શું ગમશે, તે મને ખબર જ છે. એ તો ક્યારની ઈચ્છે છે કે હું ત્યાં રહેતો હોઉં. મને પણ બહુ જ ગમે છે એનો સંગ. “હા, હું કાલે જૅકિને મળવાનો છું. ત્યારે એની સાથે વાત કરી લઈશ.” શનિવારે મોડી બપોરે એ જૅકિને ત્યાં ગયો. અપાર્ટમેન્ટમાં એ દાખલ થયો ત્યારે એક અત્યંત સુંદર અવાજમાં એક ગીત શરૂ થયું હતું. “હા, હા, હું જાણું છું આ અવાજ. એ છે જેની સરખામણી પણ ના થઈ શકે તેવી ગાયક ઍલા ફિત્ઝજૅરાલ્ડનો”, કહેતાં એણે જૅકિને ઊભી કરી, બે હાથે પકડી, અને સંગીતના લય પ્રમાણે એને પલટતો રહ્યો. ગીત પણ એ જાણતો હતો - એ તો આજે “એપ્રિલ ઈન પૅરિસ—” જ હોય ને. “ઓ સચિન, તું આટલો સરસ ડાન્સ કરે છે”, જૅકિનો અવાજ ભીનો થઈ આવ્યો. “લો, સારો ડાન્સ કરતો હોઉં તો ખુશ થવાનું, કે ઢીલાં થઈ જવાનું?” “કેટલું બધું તું જાણે છે. બધાંનો તું કેટલો ખ્યાલ રાખે છે. તને હું ક્યારેક નહીં ગમું તો? મને ક્યારેક ડર લાગી જાય છે.” “જો એમ હોય તો બોલ, તારો બંદી કરવો છે મને? અહીં જ રાખજે મને. બીજે ક્યાંય જવા ના દેતી. બોલ, ગમે તને એવું?” “આ શું કહે છે, સચિન? મારે તને કોઈ કેદમાં નથી રાખવો, પણ તું મારાથી કંટાળી જાય તો?, એવા વિચારથી —-” “હવે સાંભળ. એક, હું અહીં રહેવા આવી જઈ શકું એમ છું. બીજું, હું તારી સાથે એપ્રિલમાં પૅરિસ જઈ શકું એમ છું.” “મજાક ના કર. તને ખલિલની ખરાબ ટેવ પડી છે.” જૅકિ મ્યુઝીક બંધ કરીને સોફા પર બેસી ગઈ. સચિને બાજુમાં બેસીને, એનું મોઢું બે હાથમાં લઈને, ઘેર અંજલિ અને પાપા સાથે થયેલી વાત એને કરી.