ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. ઇશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર

ઉમાશંકરે જેટલો પ્રવાસ કર્યો છે તે પ્રમાણમાં પ્રવાસ-સાહિત્ય ઓછું આપ્યું છે. એમની કેટલીક પ્રવાસલેખમાળાઓ તૂટક છે, પ્રવાસ-સાહિત્ય આપવામાં એમનો સુવ્યવસ્થિત અભિગમ જણાતો નથી ને તેથી પ્રવાસલેખક તરીકેનું તેમનું વ્યક્તિત્વ સુબદ્ધ રૂપે એમના આ છૂટક-તૂટક પ્રવાસ-સાહિત્યમાંથી અપેક્ષાનુસાર ઊપસતું નથી. આમાં ‘આબુ’ લેખમાળા, ‘ઈશાન ભારત’ની અને ‘અંદામાનમાં ટહુક્યા મોર’ જેવી લેખમાળાઓને અપવાદરૂપ જ લેખવી ઘટે. ઉમાશંકરને પ્રવાસગ્રંથ લખવાને બદલે પ્રવાસલેખમાળા આપવાનું વધુ અનુકૂળ – ફાવતું જણાય છે. ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ ગ્રંથ પણ ઉપરના નિર્દેશાનુસાર બે લેખમાળાઓને સમાવે છે. આ લેખમાળાઓ અનુક્રમે ઈશાન ભારત – આસામ, મેઘાલય, મણિપુર અને નાગાલૅન્ડ – ની તથા અંદામાનની, એમ બે પ્રદેશોની યાત્રાઓનું વર્ણન આપે છે. વળી આ બે યાત્રાઓ દરમિયાન સ્ફુરેલાં કાવ્યોની પણ બે માળાઓ અનુક્રમે ‘ઈશાની’ (સાત કાવ્યો) અને ‘યાત્રિક’ (ચાર કાવ્યો, જેમાંનું એક ‘અંદામાન’ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ છે.) અત્રે આપવામાં આવી છે. ઉમાશંકરનો ઈશાન ભારતનો પ્રવાસ મણિપુરના ‘ખમ્બા-થોઈબી સેરેઙ્’ નામનું ત્રીસ હજાર ઉપરાંત પંક્તિઓનું કાવ્ય લખી ગયેલા કવિ શ્રી અઙઙ્હલની સ્મૃતિમાં બે વ્યાખ્યાનો આપવાના મણિપુર રાજ્યકલા અકાદેમીના અધ્યક્ષ પ્રો. શ્રીકાન્ત સિંગના નિમંત્રણથી થયો હતો. ઉમાશંકર પોતાની પુત્રી સ્વાતિ સાથે ૧૯૭૫ના ૩૦મી સપ્ટેમ્બરે દિલ્હીથી ગાડી દ્વારા કોલકાતા અને ત્યાંથી બીજે દિવસે સવારે ગૌહાટી–ગુવાહાટી જવા નીકળ્યા. ગુવાહાટીના વિમાનમાર્ગેથી જે પ્રાકૃતિક શોભા નિહાળવાની મળી તેનો આનંદ ‘કવિ-યાત્રિક’ ઉમાશંકર વ્યક્ત કર્યા વિના તો ન જ રહે. તે પ્રદેશના લીલા રંગે કવિચિત્ત પર જે કામણ કર્યું (ઈશાન ભારત, પૃ. ૫) તેની વાત તેઓ કહ્યા વિના રહી શકતા નથી. પ્રવાસલેખમાં – ગદ્યમાં તેમ જ પ્રવાસકવિતામાં – અછાંદસમાં પ્રકૃતિના લીલા રંગની નિગૂઢ સ્વચ્છંદલીલા ઉમાશંકરે ‘ઈશાની’ કાવ્યમાળાના ત્રીજા કાવ્યમાં બરોબર ઉપસાવી છે. લહેરાતો ને ઝૂલતો, ખીલતો ને ખૂલતો, પોપટિયો ને ઘેરો, તડકેરી ને સોનેરી, શ્યામલ, મદીલો એવો વિવિધ રીતે – રૂપે અનુભવાયેલો લીલો રંગ – ‘લચકેલચકા’ લીલો રંગ, એની રસાત્મક લીલાને કવિ બતાવીને રહે છે. કવિની પ્રવાસકથાની કેટલીક ઉત્તમ સંવેદનક્ષણો પ્રવાસકથાથી અળગી આમ કાવ્યમાં ઝિલાઈ છે. ઈશાન ભારત લેખમાળા ‘ઈશાની’ કાવ્યમાળા પછી જ સંપૂર્ણ બને છે. બંનેના સમન્વયે જ કવિ–યાત્રિક ઉમાશંકરનો રસિક ને સંસ્કારપ્રેમી આત્મા એના પૂરા રંગમાં પ્રગટ થાય છે. ઉમાશંકરનું બ્રહ્મપુત્રદર્શન એ પણ ઈશાન ભારતના એમના પ્રવાસનો એક મહત્ત્વનો બનાવ – એક અવિસ્મરણીય ઉજ્જ્વલ આનંદાનુભવ છે. બ્રહ્મપુત્રે ઉલ્લાસ-આનંદે પ્રવાસના આરંભથી જ એમનાં હૃદય-આંખને ભરી દીધાં હતાં અને ઉલ્લાસાનંદ અનેક ઠેકાણે યત્કિંચિત્ સૂચિત થયા વિના રહ્યો નથી. કાવ્યમાં તો તે સારી રીતે અભિવ્યક્ત થયો જ છે. એમણે ‘હિમાદ્રિની બૃહત્ શિરા’-રૂપે ‘સ્વયં બૃહત્ નદ રૂપે વહેતું હોય’ – એ રૂપે, ‘બૃહત્ના વારસ’-રૂપે, ‘પ્રકૃતિના અવાવરું હૈયામાંથી છલતા યુગોના યૌવનવેગ’-રૂપે — એમ વિવિધ રૂપે મહાનદ બ્રહ્મપુત્રને – ‘બ્રહ્માનંદ’ને પ્રત્યક્ષ કર્યો છે – પામી બતાવ્યો છે. એ મહાનદ બ્રહ્મપુત્રને નાથવાની પ્રતિજ્ઞા ‘નાથીશ હું મહાનદ બ્રહ્મપુત્ર’ એવા શબ્દોમાં ‘ઈશાની’માં ઉદ્ગારી છે અને એમનો આ ઉદ્ગાર પેલા ‘આત્માના ખંડેર’ના “આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ (‘ઊગી ઉષા’) – એ પંક્તિ ઉદ્ગારતા કાવ્યનાયકનું તુરત સ્મરણ કરાવે છે. ઉમાશંકર પ્રકૃતિની ભવ્યતા નિહાળે છે ત્યારે ઘણું કરીને તેથી અભિભૂત થવા કરતાં માનવીય અસ્મિતાથી એની સામે પોતાને સાધિકાર રજૂ કરવાનું પસંદ વધારે કરે છે. દૈન્યભાવથી તો તેઓ અનેક ગાઉ છેટા રહે છે. ‘ઉજ્જ્વળ ચેતનપટ’ (પૃ. ૨૦) જેવા બ્રહ્મપુત્રનો ચળકતો પ્રવાહ એમના ચિત્તમાં એવો તો અંકાઈ જાય છે કે પોતાનામાં કોઈ પરિવર્તનની પ્રતીતિ કરે છે. એ કહે છે : ‘જાણે પહેલાંનો હું રહ્યો જ ન હોઉં.’ (પૃ. ૭) બ્રહ્મપુત્ર અને તેઓ. [ઉમાશંકરે ‘બ્રહ્મપુત્ર અને તમે’ (પૃ. ૬) કહ્યું છે તેમ] પ્રકૃતિસૌન્દર્યે થતું આવું પરિવર્તન એમની સંવેદનશીલતાનું દ્યોતક છે. મનુષ્ય તરીકે પ્રકૃતિ સમક્ષ તેઓ ગૌરવપૂર્ણ રીતે ખડા રહેવાનું પસંદ કરે છે. પ્રકૃતિ સાથેનો તેમનો પ્રીતિવ્યવહાર માનવીય અસ્મિતાભાવને અનુકૂળ એવી ભૂમિકાની મર્યાદા સ્વીકારીને જ પ્રવર્તતો હોય છે. ઈશાન ભારત તેમ જ અંદામાનની પ્રવાસકથામાં મહદંશે પાણી ને પર્વતની, આકાશ અને હરિયાળાં જંગલની વાત વધારે આવે તે સ્વાભાવિક છે. ‘મેઘાલય’ની યાત્રા વર્ણવતાં ‘સંધ્યાસમયનાં આકાશનાં રંગીન વાદળાંની નીચે ખીણોની લીલોતરીને ખોળે તાજાં સદ્યોજાત નાનાં અભ્રશિશુઓનું ‘આંખ ઠારે’ એવું દૃશ્ય તેઓ નોંધ્યા વિના રહી શકતા નથી. (પૃ. ૧૩) વૃક્ષો નીચે ઘાસઢોળાવ, ફૂલોની રંગછોળ, પુલ નીચે પસાર થતી હોડી, કમલો, મેઘખંડો વચ્ચેથી રેડાતો તડકો – એક ખંડકાવ્ય જેવી મેઘાલયના એક સરોવરની રચના કવિચિત્તને આકર્ષ્યા વિના રહેતી નથી. કાલિદાસે હિમાલયની રિદ્ધિ ગાતાં એના આખા ગુણભંડારમાં હિમને દોષ રૂપે ગણાવ્યો છે, તેને સ્મરીને ઉમાશંકર શિલૉંગની પર્વતીય રમણીય સ્થળ તરીકેની આગવી વિલક્ષણ શોભામાં વધુ પડતા વરસાદને દોષરૂપ દેખાવાની સંભાવના બતાવે છે. ઉમાશંકરે બપોરના સોનેરી તડકામાં કોહિમાને એક સ્વપ્નનગરી રૂપે જોઈ. ત્યાંનું લીલું લીલું દૃશ્ય તેમને આકર્ષે છે. લીલોતરીમાં લપાતી, દર્શન દેતી, રસળતી ડિબુ નદી, નાગાલૅન્ડના ચુચુઇમલાંગના વિસ્તારમાં ‘એક હસ્તી’ (પૃ. ૭૧) રૂપે તેમને પ્રતીત થાય છે. અંદામાનની પ્રવાસકથામાં પણ ઉમાશંકરે ચીડિયાટાપુના કાંઠાના પ્રાકૃતિક સૌન્દર્યનો સંક્ષેપમાં સુરેખ રીતે પરિચય આપ્યો છે. લખે છે :

“પાણીનાં નાનકડાં મોજાં કિનારાની રેતી ઉપર તો ચુપચાપ આવનજાવન કરતાં હતાં જ પણ જરીક દૂર લીલાં વૃક્ષોનાં મૂળિયાંમાં અને પથ્થરોમાં એમની છૂપી ગુજબુજ ક્યારેક છતી થઈ જતી હતી – જાણે કે અમને બોલાવતા લગભગ અબોલ એવા જળ-ઇશારા. આખો રેતીકિનારો ખોબા જેવડો. નાના નાના મજબૂત લીલા છોડના છત્ર નીચે ડાળીઓ ઝાલીને ઊભા. હળવેકથી ઊછળ્યાં કરતાં પાણી, મનભર લીલોતરી. નીલ આકાશ. ક્વચિત્ પેલી, કહો કે, ભૂલચૂકથી થઈ જતી જળતરંગની ગુજબુજ, એકાંતમાં જાણે સ્વયં શાંતિ બોલી બેસતી ન હોય ! (પૃ. ૧૪૮)

આ ખંડમાં ‘ગુજબુજ’ જેવા શબ્દનો વિનિયોગ, સંક્ષિપ્ત ને કેટલીક વાર તો ક્રિયાપદ અધ્યાહૃત હોય એવો વાક્યોનો સમુચિત વિન્યાસ તથા નિરીક્ષણ-અનુભવની વિશદ રજૂઆત ધ્યાનાર્હ છે. તેમણે અંદામાન ટાપુઓનો ‘કિનારા, બસ કિનારા, કિનારા...’ – એ રૂપે કરેલ સાક્ષાત્કાર ‘અંદામાન ટાપુઓ’માં સારી રીતે પ્રગટ થયો છે. સમુદ્ર ને જમીન – બંનેના અવિયોજ્ય સંબંધરૂપ ‘કિનારા’ની જ પ્રતીતિ તેઓ કરતા રહે છે ! અંદામાનના ‘કાળા પાણી’ની શ્વેત બાજુ એમને સવિશેષ આકર્ષી શકી છે. આ બંને પ્રવાસકથાઓ ભારતને ઓળખવાના – એનો સાક્ષાત્કાર કરવાના મૂળભૂત ઉદ્દેશ્યથી યોજાઈ હતી. (પૃ. ૩) આ પ્રવાસો દરમિયાન ‘આત્મીયતાભર્યા સાંસ્કૃતિક પરિચય’ (પૃ. ૩) માટેની એમની મથામણ અવારનવાર દૃષ્ટિગોચર થાય છે. એમના આ બંને પ્રવાસો ‘પરિચયલટારો’ (પૃ. ૧૪) છે. તેમણે ઈશાન ભારતના સિંહદ્વાર ગુવાહાટીનો આખા પ્રદેશના બૌદ્ધિક કેન્દ્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. એ પ્રદેશમાં ત્યાંના સાંસ્કૃતિક સમાજ – બૌદ્ધિક સમાજ – દ્વારા પ્રવેશવું તેમને ‘યોગ્ય’ લાગ્યું છે. (પૃ. ૧૨) એમની પ્રવેશરીતિ ઈશાન ભારત પૂરતું જ મર્યાદિત જણાતી નથી, અંદામાનમાં પણ આ જ રીતની પ્રવેશકલા એમણે અજમાવી જણાય છે. આ પ્રવેશરીતિએ ઉમાશંકરને બૌદ્ધિકો, અધિકારીઓ અને નાગરિકો વચ્ચે (પૃ. ૮૩) મૂકી દીધા જણાય છે. ઉમાશંકરને તેથી જેમ કેટલીક સગવડ – કેટલાક લાભ થયા છે તેમ કેટલાક ગેરલાભ પણ થયા હશે એમ ધારણા બાંધી શકાય. આ બાબતમાં ભોળાભાઈ પટેલનું મંતવ્ય નોંધપાત્ર છે. તેઓ લખે છે :

“આ યાત્રાની એક મર્યાદા છે, અને એ જ એની વિશેષતા છે. મર્યાદા એ છે કે જ્યાં જ્યાં યાત્રિક જાય છે, ત્યાં ત્યાં યજમાનોથી એ વીંટળાયેલા રહે છે. અનેક વચ્ચે એકલા રહેવાનું આ યાત્રિકને આવડે છે, બલકે સહજ છે; તોપણ આ યાત્રાવૃત્તમાં આ મર્યાદા નડી છે, અહીં બધું ગોઠવાયેલું હોવાથી અગવડો વેઠવાનો કે અનિશ્ચિતતાનો આનંદ નથી. યાત્રિકની ‘એકલતા’ નથી, પણ બીજી બાજુ કેટકેટલી વ્યક્તિઓના પરિચયમાં મુકાઈ જઈએ છીએ. ભૂચિત્રણા કે પ્રાકૃતિક ચિત્રણા કરતાં વ્યક્તિચિત્રણા વધારે છે. વ્યક્તિતસવીરોની એક ગૅલરી જાણે !” (ગ્રંથ, મે, ૧૯૭૭, પૃ. ૨૨)

ઈશાન ભારતની પ્રવાસકથામાં સત્યેન્દ્રરાય શર્મા, નટવર ઠક્કર, લેન્તિના, બીરેન્દ્રકુમાર, એમનાં પત્ની વિનિતાબહેન, રેવરન્ડ પ્યુ, પ્રો. હેમ્લૅટ બારેહ, કુલપતિ શ્રી દેવનાસન, રમણીસિંઘ, તોંપોકસિંઘ, પ્રો. કુમાર, વિકાસકમિશનર શ્રી શશિમેરન્ આયર, શ્રી ગોખલે, ડૉ. આરામ, શ્રી સુબ્રમણ્યમ્, કવિ શ્રી નીલમણિ ફૂકન, કવિ શ્રી આનંદચંદ્ર બરુઆ, કિશોર જાદવ આદિ અનેકના ઉલ્લેખો – ઓછાવત્તા પરિચયો મળે છે. અંદામાનની પ્રવાસકથાએ પુરુષોત્તમ માવળંકર, બાળકૃષ્ણ ત્રિપાઠી, શ્રી ખાન, નંદુભાઈ, શ્રી લહકર, લેફ્ટનન્ટ કર્નલ ગ્રેવાલ વગેરેનોય યત્કિંચિત્ પરિચય આપ્યો છે. તેઓ માંદગીમાં સપડાયેલા સમાજવાદી નેતા કવિ હેમ બરુઆની પણ મુલાકાત લે છે અને તેઓ પોતાને ઓળખી શક્યા એનો આનંદ વ્યક્ત કરે છે. (પૃ. ૭) ‘મત્સ્યભીરુ’ પોતાના જેવા મહેમાનોનું જે કુશળતાથી વિનિતાબહેન આતિથ્ય કરે છે તેની પ્રશંસા કરતાં તેઓ લખે છે : “એમની અથાક સ્ફૂર્તિ અને લાગણીનો જ એ ઉત્સવ હતો.” (પૃ. ૨૧) તેઓ લેન્તિનાનો પરિચય આપતાં લખે છે : “એમનું હસમુખું મૌન એ જાણે કે સંસ્થાનું શક્તિકેન્દ્ર ન હોય !” ઉમાશંકર જેમની સ્મૃતિમાં પોતાની વ્યાખ્યાનમાળા યોજાયેલી એ સદ્ગત કવિ શ્રી અઙઙ્હલની કવિચર્યાનોયે ઠીક ખ્યાલ આપે છે. જે રીતે એ કવિએ ખંબા-થોઈબી પ્રણયકથાનું કાવ્ય રચ્યું તેનુંયે બયાન આપે છે. (પૃ. ૨૭–૨૯) એ પછી કવિરચિત ખંબા-થોઈબીની પ્રણયકથાનું વર્ણન કરતાં કવિકથા ને લોકકથાના અંતમાં જે ભેદ છે તે તરત આપણું ધ્યાન દોરે છે. (પૃ. ૩૨) ઉમાશંકર ઇતિહાસનો વિષય બનેલ વ્યક્તિઓની પણ યથાવશ્યક માહિતી અહીં આપતા રહે છે. રાજર્ષિ ભાગ્યચંદ્રનો પરિચય આપતાં ગોવિંદજીની રસપ્રદ કથાયે કહેવાય છે. અંદામાનની પ્રવાસકથામાં એમનો પુરુષોત્તમયોગનો સંદર્ભ વિનોદરસે આકર્ષક છે. તેઓ લખે છે :

“તેમણે અમદાવાદ ગૃહખાતાને ફોન કર્યો, લીલી રોશની ચમકી અને બહેન નંદિનીએ કહ્યું તેમ મારો ‘પુરુષોત્તમયોગ’ (આવી યોગની પરિભાષા આ પ્રવાસકથાના અંતમાં પણ ઠીક સર્જનાત્મકતાથી પ્રયોજાઈ છે, જુઓ પૃ. 168 પરનો “ખરું જોતાં... અનુભવતું હતું” એ પરિચ્છેદ.) શરૂ થયો.” (પૃ. ૧૨૧)

આ કથામાં બાળકૃષ્ણ ત્રિપાઠીનો પરિચય ઘણો જીવંત છે. એમની ભાવોષ્માનો – એમની હૃદયસમૃદ્ધિનો માર્મિક ખ્યાલ તો તેઓ ઉમાશંકરને વિદાયવેળાએ જે વાક્યો કહે છે તેમાંથી થાય છે. તેઓ ઉમાશંકરને કહે છે : “ભાઈ, શું કહું ? પંદર વરસથી મેં મોર સાંભળ્યો નથી ?” ને જેઓ હાડે – અંતરંગે પૂરેપૂરા કવિ એ ઉમાશંકર આ લાગણીનો સમુચિત પડઘો ન પાડે એમ બને ? તેઓ તો અપૂર્વ વસ્તુનું નિર્માણ કરવાની ક્ષમતાવાળા. અંદામાનમાંથે મોર બોલાવી દીધો – આમ તો જોડકણાથી, પણ એ જોડકણું પરિસ્થિતિના સંદર્ભ સાથે ભળીને શુદ્ધ કાવ્યરસ જ છલકાવી રહે છે. કવિએ જ બાલકૃષ્ણ માટે મોરનું કામ કર્યું; ત્યાં મોરનો ટહુકો મૂકીને જ પાછા ફર્યા ! ઉમાશંકરે અંદામાન જેલના ભૂતકાળનેય ઉખેળ્યો છે. શેરખાનની દિલચસ્પ કહાણીયે તેમણે સાદર કરી છે. તેઓ તક મળે છે ત્યાં કવિઓ – કલાકારો ને અન્ય સમાજસેવકોને મળવાનું ખાસ રાખે છે. તેમની આંખ સતત જાગૃત છે ને હૃદય વ્યાપક સમભાવથી ખુલ્લું. તેથી તેઓ ભલે ઝડપથી આ પ્રવાસ પતાવતા જણાય, પણ તેમાં માનવરસ તો પ્રગટ થયા વિના રહેતો જ નથી. ઉમાશંકરને પ્રકૃતિમાં જેટલો – બલકે, તેથી વિશેષ રસ વ્યક્તિ ને સમાજમાં હોય એવું પણ આ પ્રવાસકથાઓમાં અત્રતત્ર વરતાય છે. તેમણે ઈશાન ભારત અને અંદામાનનાં જે કેટલાંક નિરીક્ષણો કર્યાં છે તે કવિદૃષ્ટિથી જ થઈ શકે એવાં છે. બીરેન્દ્ર-વિનિતા જેવાંનાં દાંપત્યજીવનનાં દર્શનથી તેમને આસામની ભૂમિ પરના પોતાના બધા મિત્રો પોતાને પત્નીના કહ્યાગરા તરીકે ઓળખાવવામાં આનંદ માનતા દેખાયા, (પૃ. ૯) મણિપુર ઉમાશંકરને રંગભૂમિની દૃષ્ટિએ ખૂબ આગળ જણાયું. (પૃ. ૩૭) “મણિપુરમાં માન એક જ વ્યક્તિનું, ગુરુનું” (પૃ. ૨૭) – આ પણ એમનું એક મહત્ત્વનું નિરીક્ષણ છે. તેઓ મણિપુરમાં સમાજવાદીઓનો સારો પ્રભાવ હોવાનું પણ નોંધે છે. મેઘાલય (પૃ. ૧૫) તેમ મણિપુર (પૃ. ૪૦)માં સ્ત્રીઓનો જે મહિમા છે તેની તેઓ તુરત નોંધ લે છે. ‘મણિપુરી સ્ત્રી સ્વતંત્ર દિમાગની છે” – એ બાબત નોંધવા સાથે તેઓ આ વાત પણ અચૂક જણાવે છે કે “મણિપુરની નારી પુરુષનાં કામો સ્વીકારે પણ નારી મટીને હરગિજ નહીં.” અને મણિપુરની નારીને લાવણ્યવિહોણી કલ્પવી એ તો તેઓ ‘અસંભવિત’ જ માને છે. (પૃ. ૪૨) આ સંદર્ભમાં રવીન્દ્રનાથની ચિત્રાંગદાય એમના સ્મરણે ચઢે છે. તેઓ લખે છે : “કવિવર પોતાની સુંદર નાટ્યકૃતિ રચ્યા પછી મોટી વયે કદાચ મણિપુર ગયા છે. એમને જરૂર લાગ્યું હશે કે પોતાના વિશિષ્ટ જીવનદર્શનને વ્યક્ત કરવા માટે કોઈ બીજા પ્રદેશની કુંવરીનો આશ્રય લીધો હોત તો કદાચ વધુ સારું થાત.” (પૃ. ૪૨) નાગલોકોની વાત કરતાં એમનાં ગ્રામરાજ્યોનો નિર્દેશ તેઓ કરે છે. (પૃ. ૧૦૦) અને “નાગલોકોને મન ગામથી મોટો કોઈ પદાર્થ નથી.” – એ તારણ પણ તેઓ કાઢી બતાવે છે. (પૃ. ૭૭) ‘દરિયો’ પણ એ લોકો માટે ‘પાણીનું ગામ’ (ત્સઇમ) છે. અંદામાન વિશે ઉમાશંકરને ‘ભારતની એક નાનકડી આવૃત્તિ’ હોવાની સંભાવના થઈ, તે સાથે ભારતની મુખ્ય ત્રણ એબો – ભાષાવાદ, કોમવાદ અને જ્ઞાતિવાદથી તેની જે અલિપ્તતા તે પણ ધ્યાનમાં આવી. (પૃ. ૧૩૬) અંદામાનમાં અછૂતો–ભિખારીઓ નહિ હોવાની ઘટના પણ તેમને ઉલ્લેખનીય જણાઈ છે. (પૃ. ૧૬૪) આ ઉમાશંકરે પ્રવાસના એક કાર્યક્રમ તરીકે કેટલાંક નગરો – જોવાલાયક સ્થળો વગેરેનું પણ દર્શન કર્યું છે ને અહીં કરાવ્યું છે. ગામો-નગરોમાં ગુવાહાટી, શિલોંગ, ઇમ્ફાલ, મોઇરાંગ, ચુડાચાંદપુર, કોહિમા, દીમાપુર, જોરહાટ, ચુંચુઇમલાંગ, પોકોકચુંગ, શિવસાગર, મોન, ડિબ્રુગઢ વગેરેનો પરિચય ધ્યાન ખેંચે છે. શિલોંગ ‘માથા પર ટોપલામાં આખું શહેર લઈને પર્વત ઊભો હોય’ એવું લાગે છે. ‘ઉત્સવરસિયા મુલક’ (પૃ. ૨૫) મણિપુરનો પરિચય એકંદરે આકર્ષક છે. કોહિમાની સ્વપ્નિલ પ્રકૃતિશોભા તેમને સ્પર્શી જાય છે. તેને તેઓ ‘સ્વપ્નનગરી’ કહે છે. (પૃ. ૫૩) ચુંચુઇમલાંગ વિસ્તારના નટવરભાઈના આશ્રમની ‘એક ધીકતા સાંસ્કૃતિક કેન્દ્ર’ તરીકે ઉમાશંકર જરૂરી ઓળખાણ આપે છે. શિવસાગરનાં ઐતિહાસિક ખંડેરોનો પરિચય પણ આપે છે. ‘નાનકડા રૂપકડા’ નગર મોનની વાતમાં નાગાજીવનની કેટલીક વિલક્ષણતાઓની વાત પણ તેઓ વણી લે છે. નાગાઓના રાજા ‘આન’નો જીવન-વૈભવ, એમની રહેણી, માનવમસ્તક-શિકારનો ભયંકર રિવાજ, મોરુંગની વ્યવસ્થા, કોન્યાક નાગાઓની મૃતદેહને ગામ વચ્ચે કે પાદરે જેમનો તેમ રાખવાનો શિરસ્તો, – આ બધી વિલક્ષણતાઓની વાત કરી નાગાલૅન્ડની – તેના પ્રકૃતિ ને જનજીવનની સુરેખ તસવીર આપે છે. અંદામાનની વાત કરતાં પણ ત્યાંના પ્રાકૃતિક ને લોકજીવનનાં સુરેખ ચિત્રો આપે છે. ‘સમજદાર યંત્રઊંટડા’ (પૃ. ૧૫૫) એવા હાથીઓની કામગીરીનું હૂબહૂ ચિત્રણ કરે છે. (પૃ. ૧૫૪–૭) વળી અંદામાન જેલનું અહીંનું ચિત્ર તો અનન્ય જણાય છે. એને તેઓ સૂચક રીતે ‘અનોખી સંસ્કૃતિનું પારણું’ લેખે છે. (પૃ. ૧૪૪) વળી ત્યાંના આદિવાસીઓ વિશે રસિક બયાન આપે છે. (પૃ. ૧૩૭–૧૩૮) એ બયાન આપતાં જે વાત નાગાલૅન્ડમાં નાગાલોકો સંદર્ભે કરી હતી તે જ અહીં પણ બીજા શબ્દો તેઓ મૂકે છે. તેઓ નાગાલોકો બાબત લખે છે :

“નાગાઓએ જે રીતે જીવનરીતિ વિકસાવી છે તેમાં એમની આપઓળખ, નિજી મુદ્રા (‘આઇડેન્ટિટી’) માટેની જિકર એ આગળ તરી આવે છે. એને આઘાત થાય એવું કંઈ થવું ન જોઈએ. ખરું જોતાં આ વાત દેશના બીજા ભાગોને પણ વત્તેઓછે અંશે લાગુ પડે છે. હું મારા ગામ પાધરની નદીને ચાહું એથી ગંગાને ચાહવામાં કોઈ મુશ્કેલી આવતી નથી, બલકે બંને આકર્ષણો પરસ્પર પોષક છે. જેમને આત્મમુદ્રા નથી તેઓ કંગાલ ભાગીદારો નીવડવાના.” (પૃ. ૬૦)

અંદામાનના આદિવાસીઓ વિશે લખતાં તેમનો માર્મિક પ્રશ્ન આ છે :

“ન્યૂઝીલૅન્ડના માવરી લોકોનું, અમેરિકાના રેડઇન્ડિયનોનું ગોરાઓને હાથે જે થયું તે જ શું ભારતવાસીઓને હાથે આ આદિમ વાસીઓનું થવાનું છે ?”

તેઓ આવા સમાજોની સેવા ‘બહુ સમજદાર, સમાજબુદ્ધિવાળા’ (પૃ. ૧૩૯) સેવકો દ્વારા જ થાય એ ઇષ્ટ લેખે છે. ઈશાન ભારતની પ્રવાસકથામાં ખંબા-થોઈબીની પ્રણયકથા પણ સંક્ષેપે કવિએ વણી લીધી છે (પૃ. ૩૦-૩૨) તે આપણે જોયું છે. તેમણે ભાઈ-બહેનના સ્નેહસંબંધનું એક હૃદયંગમ ઊર્મિગીત પણ ભાષાંતરિત કરીને આપ્યું છે. તેમણે સ્થાપત્યકળાના નમૂના, સંગ્રહાલયો, વિદ્યાધામો વગેરેની તેમ જ સેવાશ્રમો તથા લોકજીવનને સમજવા માટેનાં કેન્દ્રો અને બૌદ્ધિક સંસ્કારકેન્દ્રો વગેરેનીયે મુલાકાત લઈ તેનાં નોંધપાત્ર નિરીક્ષણો અહીં પ્રસંગોપાત્ત, આપ્યાં છે. ઉમાશંકરે કવિમેળાવડા, વ્યાખ્યાન-સમારંભો, સંભાષણો વગેરેમાંયે ઠીક સમય આપ્યો જણાય છે. આમ સાંસ્કૃતિક વર્તુળો વચ્ચે ઘેરાઈને તેમનો પ્રવાસ થયો છે; પણ શ્રીમંત ને ઊર્જિતનો યોગ (પૃ. ૧૦૮) જોવાની તક શરત્પૂર્ણિમાએ બ્રહ્મપુત્રદર્શને જે પ્રાપ્ત થાય તે જતી કરી નથી. તેઓ નાગાલૅન્ડમાં અતિથિ હતા સરકારના, પણ સરકારી રાહે ચાલ્યા નથી, ચાલ્યા છે મુક્ત કવિ-યાત્રિકની રીતે. ટૂંકા ગાળામાંયે એમનો યોગ તો ઈશાન ભારત ને અંદામાન દ્વારા પૂર્ણ ભારતસાક્ષાત્કારનો જ રહ્યો છે. એમને તો જ્યાં ગયા ત્યાં ‘ઘરઆંગણા’ની એક બળવાન લાગણી થઈ છે. (પૃ. ૮) ઈશાન ભારત છોડતાં તેઓ લખે છે :

“ઈશાન ભારત સાથેના પ્રત્યક્ષ સંબંધનો તાંતણો તૂટી રહ્યો હતો. એક સૂક્ષ્મ ગૂઢ બંધનથી હું બંધાઈ રહ્યો હતો.” (પૃ. ૧૦૯)

ઉમાશંકરનો આ પ્રવાસ વસ્તુત: એક ‘ગુર્જર ભારતવાસી’નો જ પ્રવાસ બની રહે છે. “સમાજજીવનનાં જુદાં જુદાં પાસાંઓના Confrontation – મુકાબલા – નો જીવતો આનંદ લેવો એ ભારતયાત્રા કે પૃથ્વીયાત્રાની એક મહત્ત્વની ફલશ્રુતિ” (પૃ. ૧૬૩) લેખતા ઉમાશંકરનું ઈશાન ભારત અને અંદામાન પ્રવાસમાંયે એક પ્રકારનું Confrontation જોઈ શકાય. વળી તેઓ પોતે વધુમાં વધુ આવા પ્રવાસોમાં ખુલ્લા મનના જણાય છે. આમેય “હું કોઈ પક્ષમાં જોડાઈ શકું એ કાંઈક મારા મનના બંધારણ સાથે મેળમાં નથી” એમ તેઓ જણાવે છે. (પૃ. ૧૧૭) તેમની નિષ્પક્ષ – ખુલ્લી મનોભૂમિકા જે તે પ્રદેશના ને લોકોના શ્રદ્ધેય ચિતારમાં સારી પેઠે ઉપયોગી થાય છે. એમની સમગ્ર પ્રવાસકથા એક જવાબદાર ભારતીય નાગરિકની સમ્યક સમજનો સબળ પ્રભાવ દાખવે છે.

ઉમાશંકરે આ પ્રવાસ દરમિયાન અત્રતત્ર સમાજચિંતન, રાજકીય ચિંતન, સંસ્કૃતિચિંતન પણ આપ્યું છે. ભારતનો ‘રાજકર્તા પક્ષ સર્વસંગ્રાહક કોથળાપક્ષ’ (પૃ. ૧૬૭) તેમને જણાતો હોય, ‘અનુસૂચિત જનજાતિ’ (‘શિડ્યુલ્ડ ટ્રાઇબ્ઝ’) શબ્દને બદલે તેમને ‘જનસમાજ’ (‘કૉમ્યુનિટીઝ’) શબ્દ વધુ રુચિકર લાગતો હોય (પૃ. ૫૯), ગુજરાતીઓ ગુજરાતમાં સમાતા ન હોય (પૃ. ૧૫૨) એવું એમને જણાતું હોય – આ બધું અહીં પ્રગટ થતું હોય તે સાથે જ એમના શબ્દલોભી કવિચિત્ત દ્વારા નાગાઓની ભાષામાં અભિવ્યક્તિની કેટલીક આગવી નજાકતો ખીલેલી હોવાની નોંધ પણ પ્રગટ થાય છે (પૃ. ૭૨) એ સવિશેષ અગત્યનું છે. કામાખ્યાના મંદિરનું દર્શન તો કરે–કરાવે, પણ કબ્રસ્તાનની મુલાકાતનો અનુભવ રજૂ કરે છે તે અપૂર્વ છે. તેઓ પ્રવાસકથામાં કેવળ સંસ્કૃતિચિંતક રહ્યા નથી, તો પ્રવાસકાવ્યમાળામાં કેવળ શુદ્ધ કવિ રહ્યા નથી. ‘અંદામાન’ની વાત ઇન્દિરાશાસન દરમિયાનની કટોકટીનો ગાળો ન નિર્દેશે તો જ નવાઈ લાગે. તેઓ લખે છે :

‘અંદામાન’ની શોધમાં છે તું, યાત્રિક
– જે પહેલાં ‘અંદામાન’ હતું, જ્યારે
ભારતનો મુખ્ય ભૂભાગ એક વધુ વિશાળ ‘અંદામાન’ હતો.
(પૃ. ૧૭૩)

‘પીપળો’ કાવ્યમાં અંદામાનના એકાકી બંદીવાનનું ચિત્ર છે : “છાતીએ તાળું, સ્વપ્નોથી મગજ ફાટફાટ” (પૃ. ૧૭૫) – આ ચિત્ર કેવળ અંદામાનના કેદી પૂરતું જ મર્યાદિત છે ? ઉમાશંકર એમની કવિતામાં પણ વ્યાપક ભારતદર્શનથી ઉત્પ્રેરિત જણાય છે ! ‘મેઘધર’ કાવ્યમાં મેઘાલયને ‘ભારતનું સદાલીલું ઘર’ કહીને વર્ણવે છે. (પૃ. ૧૧૫) ‘વીંધાયેલો અવાજ’ કાવ્યમાં કવિ ઉઝરડાયેલી સ્થિતિમાંથી મુક્તિની અમૃતાવસ્થાના ઉત્સ્ફુરણનો ખ્યાલ ઘવાયેલા પ્રાણીના કલ્પન-સંદર્ભથી રજૂ કરે છે :

“બને કે ઉઝરડાવું જખમોનું ઊંડા જવું
એ જ ઉગાર હશે, ઉપાય હશે
આતંક – ઓથાર ફગાવી દેતા
અમૃતના રેલા સમા
મુક્ત અંતરતમ અવાજને સ્ફુરવાનો.” (પૃ. ૧૧૬)

આ ઉમાશંકર વિમાનની ‘તેજમાછલી’ની કલ્પનામાં ને ગંગાસાગરના ‘અજબગજબના વૃક્ષ’ની કલ્પનામાંય આનંદ લે છે. ગંગાસાગરને મૂળિયાંના મહાસંકુલરૂપે સાક્ષાત્કરવામાં જ કવિની ઊંડી સંવેદના પ્રતીત થાય છે. એમની આ ઉભય પ્રવાસકથાઓ અનુક્રમે ઈશાન ભારત અને અંદામાનના વ્યક્તિત્વનો સુરેખ પરિચય આપી રહે છે. આ પરિચયમાં કેટલુંક ઝડપી નોંધ જેવું લાગે, કેટલુંક કેવળ મુલાકાતો ને વાતચીત કે કાર્યક્રમના અહેવાલમાં જ રજૂ થતું જણાય, પણ ધીરજથી – સમભાવથી જોનારને આ પ્રવાસકથાઓની મર્મસ્પર્શી ઉન્મેષાત્મક રમ્યતા ને સાંસ્કૃતિક અર્થસભરતા વરતાયા વિના નહીં રહે. ઉમાશંકર આ કથામાં ‘ભાગતા’ – ભાગેડુ દેખાતા હોય તોપણ ‘મુકામ’ પર પહોંચવાની મથામણમાં જ પડેલા જણાય છે. એ મથામણ જેમ જીવન-પ્રવાસ દ્વારા તેમ તદન્તર્ગત આવા આવા પ્રદેશ-પ્રવાસો દ્વારાય પ્રગટ થતી હોય છે. ઉમાશંકરને સકળ યાત્રાઓનું કેન્દ્રબિન્દુ જે ‘મુકામ’, તે સંભવ છે પ્રત્યેક પ્રવાસમાં પ્રચ્છન્ન છતાં, ‘तदन्तिके' છતાં `तद्‌दूरे' જ જણાયાં કરે ને આમ પ્રવાસો ને એની રસપ્રદ કથાઓ ચાલ્યાં કરે. સાહિત્યસર્જક પ્રવાસીનો ‘મુકામ’ સર્જનાત્મક પ્રવાસને પ્રત્યક્ષ કરતા શબ્દની બહાર તે ક્યાં હોઈ શકે ?