ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ચીનમાં ૫૪ દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ચીનમાં ૫૪ દિવસ

ઉમાશંકરે ૧૯૫૨માં ચીનનો ૫૪ દિવસનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસની કેટલીક વાતો કેટલાક પત્રોરૂપે – લેખોરૂપે તેમણે કરી છે, પરંતુ ચીનના પ્રવાસની સિલસિલાબંધ માહિતી અને ત્યાંના અનુભવોનું એક સળંગ બયાન આપવાનું તો તેમનાથી ન થઈ શક્યું; ને પરિણામે એક ઉત્તમ પ્રવાસ-પુસ્તક મળવાનું ન બની શક્યું. ઉમાશંકરની ચીનની વાસરી જોતાં એમ લાગે છે કે તેમણે જો તેમની નોંધેલી સાહિત્યસામગ્રીનો એકાગ્રતાભાવે સળંગ ગ્રંથ આપ્યો હોત તો ચીનના સાંસ્કૃતિક વિકાસને સમજવા માટેનું એક મહત્ત્વનું સાધન બની રહેત. જોકે જે સ્વરૂપમાં આજે આ સામગ્રી ઉપલબ્ધ છે તેનીયે ઉપયોગિતા તો છે જ. ઉમાશંકર ચીન જવા માટે કલકત્તાથી વિમાનમાં બેઠા હતા. એ વિમાની યાત્રાનું સરસ વર્ણન તેમણે આપ્યું છે. રાતના સમયે વિમાનમાંથી કલકત્તા ‘દીવાના ઢગલા જેવું’ લાગતું હતું. વિમાનનો અવાજ તેમને સ્વાતિની હાલા જેવો લાગેલો. (ચીનમાં ૫૪ દિવસ, ૧૯૯૪, પૃ. ૨) રૂના પોલની ચાદરો જેવાં, બરફડુંગરો જેવાં, દૂધના ઊભરા પર ઊભરા આવતા હોય તેવાં વાદળોનાં અનેક રૂપોના અનુભવ તેઓ એમના પ્રવાસપત્રોમાં ઠાલવે છે. એમનો વાત્સલ્યભાવ દીકરી સ્વાતિ-નંદિનીના સંદર્ભો પણ સરસ રીતે પત્રમાં વણાયેલો જોવા મળે છે. (પૃ. ૨, ૫, ૯, ૧૪, ૧૫) વળી તેમને વિમાની યાત્રા દરમિયાન એમ થાય છેકે માણસને આમ વિમાનની પાંખોએ ઊડવાનું આવડ્યું તેમ જો નિરાંતે રહેતાં આવડ્યું હોત તો કેવું ! (પૃ. ૩) તેઓ પ્રવાસ દરમિયાનની નાસ્તાપાણીથી માંડીને અનેક નાની નાની બાબતોનીયે જરૂરી નોંધ લીધા વિના રહેતા નથી. ઉમાશંકરે એક ઠેકાણે લખ્યું છે : ‘પ્રવાસની સફળતાનો આધાર બધું નજરે જુઓ અને તેનું વિવેકપૂર્વક આકલન કરી શકો એની ઉપર છે.” (પૃ. ૨૨૦) ઉમાશંકરે એમના આ પ્રવાસમાં એ શક્તિની આપણને સારી સાબિતી આપી છે. ખાસ તો ચીન-વિષયક પ્રવાસ-વાસરીમાં તેમણે ચીનની સામાજિક-આર્થિક-શૈક્ષણિક તેમ જ કલાકીય-સાહિત્યિક પરિસ્થિતિનોયે યથાતથ ચિતાર મળે એવી ઘણી સામગ્રી આપી છે. ત્યાંની રાજકીય પરિસ્થિતિનોયે તેથી ખ્યાલ આવે છે. એકંદરે તેમના ચિત્ત પર ચીનનાં નૂતન યુગનાં પરિબળો પ્રજાકીય ઉત્કર્ષમાં વિધેયાત્મક પ્રદાન કરનારાં હોવાની છાપ પડી છે. તેમને ચીન એક છાવણી જેવું લાગ્યું છે તો સાથે એક વિશાળ નિશાળ જેવું પણ લાગ્યું છે. (પૃ. ૨૨૮) આખી પ્રજા કામે મંડી પડી હોય (પૃ. ૨૨૪), કોઈ સુંદર મિજાજમાં હોય (પૃ. ૨૨૭), એવું તેમને લાગ્યું છે. ચીનની શાણી અને મહાન વારસાવાળી પ્રજાનો સાક્ષાત્કાર કરવા માટેનો તેમનો આ પ્રવાસ રહ્યો એવું સમજાય છે. પેકિંગના રાજમહેલ મ્યુઝિયમનો તેમનો પરિચય રસપ્રદ છે. પેકિંગની શરત્પૂર્ણિમાનો તેમનો અનુભવ પણ વિલક્ષણ છે. પેકિંગ શાંતિપરિષદનું અછડતું બયાન આપતાં ઉમાશંકર છેલ્લે ત્યાંના સંસ્કૃતના અધ્યાપકે કહેલા શ્લોકાર્ધનો માર્મિક રીતે વિનિયોગ કરે છે. શ્લોકાર્ધ છે : नीचा: कलहमिच्छन्ति शान्तिमिच्छिन्ति साधव: (પૃ. ૩૬) ઉમાશંકરે નૂતન ચીનની શિક્ષણસંસ્થાઓનો કંઈક વિગતે અને કેટલીક રીતે માર્ગદર્શક એવો પરિચય આપ્યો છે. ત્યાંની શિક્ષણપદ્ધતિનું નયી તાલીમ સાથેનું સરખાપણું તેમણે ‘વાસરી’માં નોંધ્યું છે. (પૃ. ૭૯) ઉમાશંકરે ચીનની માતબર રંગભૂમિની (પૃ. ૨૮) તેમ જ ત્યાંનાં સંગીતનાટકોની લોકપ્રિયતાની પણ સોત્સાહ વાત કરી છે. (પૃ. ૫૧) વળી પ્રસંગોપાત્ત, સ્ત્રીનું નિજનું સ્ત્રીત્વ માનવજાતિના વિકાસ માટેની કેવી મોંઘી વસ્તુ છે તે તરફ પણ તેમણે યોગ્ય રીતે ધ્યાન દોર્યું છે. (પૃ. ૨૭) ઉમાશંકરે ‘વાસરી’માં સમૂહખેતી ગાડી જેવી, સહકારી ખેતી મોટર (કે બસ) જેવી અને પરસ્પરસહાયક મંડળની ગતિ ઘોડાની ગતિ જેવી હોવાનું સાભિપ્રાય નોંધ્યું છે. (પૃ. ૧૭૦) ઉમાશંકરની કવિદૃષ્ટિ પેકિંગની લોકઅદાલતનું વાસ્તવિક ચિત્ર આપતાં ચાંગ કુ ચોનની પત્ની ચાંગ શા તેનનું શબ્દાંકન આ રીતે કરે છે :

“પત્નીની ઉંમર હજી ૨૭ની હતી. ખૂબસૂરત કહી શકાય. જુવાનીના જોશની આડે કોઈ આવે ને ફૂંફાડો મારે એમ એની ટટાર રોષભરી આકૃતિ પવનમાં ધ્રૂજી જતી દીપશિખા પેઠે હલી ઊઠતી ઊલટી તે વધુ સુંદર લાગતી.” (પૃ. ૬૪)

– આ વાંચતાં આપણને ‘દીપશિખા’ કાલિદાસ યાદ ન આવે તો જ નવાઈ ! ઉમાશંકર પાસે ચિત્રાત્મક અને પ્રભાવક પ્રવાસવર્ણન માટેની પૂરતી શૈલી-સજ્જતા છે. તેઓ તળપદીથી માંડી સંસ્કૃતપ્રચુર પદાવલિનો યથાવશ્યક લાભ લઈ શકે છે. ચીનમાં જોયેલાં નાટકો ને નૃત્યોની વાત કરતાં તેઓ રસિક કથનકાર ને વર્ણનકારની ગુંજાશ રૂડી રીતે દાખવીને રહે છે. ‘ચીનના પત્રો’માં ગાડીમાંથી ચીનનાં ખેતરોનું દૃશ્ય જોતાં ઉમાશંકર તળપદા શબ્દોનો આશ્રય લઈ એનું બયાન આપે છે. (પૃ. ૬–૭) ઉમાશંકર અવનવા કલ્પનોત્થ વાક્પ્રયોગો ને પર્યાયો વગેરેય યોજતા રહે છે; જેમ કે, ‘શાન્ત સ્ફૂર્તિ’ (પૃ. ૫), ‘મૌનના રસાતળમાં’ (પૃ. ૨૭), ‘ગિરિમંડળ મૌનસ્વસ્થ, શાન્તશીતળ, હરિતદીપ્ત.’ (પૃ. ૮૦), ‘યંત્રીકરણ તરફ લોકોનો ઢોળાવ’ (પૃ. ૯૧), ‘શાંતિનો મૂગો કાર્યક્રમ’ (પૃ. ૯૩), ‘અભિપ્રાયવીજળી ફરી વળે’ (પૃ. ૨૨૮) વગેરે. વળી ‘ટ્રૅક્ટર્સ’ માટે ‘યંત્રહળો’, ‘બુલડોઝર્સ’ માટે ‘ખોદયંત્રો’, ‘કૉમ્પ્લેસેન્સી’ માટે ‘હોતી-હૈ-વૃત્તિ’ જેવા પર્યાયો પણ તેઓ ‘ચાલતી કલમે’ આપતા રહે છે ! આ પુસ્તકમાં છેલ્લે નૂતન ચીનની વધાઈરૂપ કાવ્યરચનામાં ઉમાશંકર રમણીય રીતે ક્રાન્તિ સાથે શાન્તિને સાંકળતાં લખે છે : ઝંઝા કેરી પુત્રી જો હોય ક્રાન્તિ, હૈયે લ્હેરે ખેતરો કેરી શાન્તિ. વસ્તુત: શાન્તિ જ શાન્ત ક્રાન્તિ છે એ આપણને સમજાવું જોઈએ. આ ચીનયાત્રામાંથી ઉમાશંકરનું શાન્તિપ્રેમી, માનવતાધર્મી વ્યક્તિત્વ પણ પામી શકાય છે. ‘નૂતન ચીન અને ભાવિ’ વિશેના લેખમાં તો ઉમાશંકર મુખરતાથી લખે છે :

“મારું બંધારણ કાંઈક એવું છે કે શાંતિ માટે ક્વેકરો સાથે પ્રાર્થનામાં બેસી શકું અને સામ્યવાદી નેતાગીરીવાળા પેકિંગમાં શાંતિપરિષદ ભરાય તેમાં પણ ભળી શકું.” (પૃ. ૨૧૭)

ઉમાશંકરનું આવું માનવતા ને શાંતિનાં અમૃતતત્ત્વોની ખોજ ચલાવતું માનસ એમની સર્વ નાની-મોટી પ્રવાસયાત્રાઓમાં હાજરાહજૂર હોય છે અને તેની પ્રતીતિ ચીનની ૫૪ દિવસની તેમની આ યાત્રા પણ કરાવી રહે છે.