ઋણાનુબંધ/ગૌતમ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગૌતમ?


મુંબઈમાં ગૌતમના સ્ટેપફાધર વીરેન્દ્ર ગુજરી ગયાના સમાચાર મળ્યા એટલે જ્યોતિએ ગૌતમને ટ્રેન્ટનના ઘરે ફોન કર્યો. એ ઘેર નહોતો. જ્યોતિએ આન્સરિંગ મશીન પર મૅસેજ મૂક્યો.

ગૌતમ જ્યોતિના દોસ્ત અવિનાશનો દીકરો. પણ મોટો થયો હતો મા અને સાવકા પિતા વીરેન્દ્રની સાથે. જ્યોતિએ એને કહેલું કે મને દીકરી હોત તો તારી સાથે પરણાવતે. બધાં હસેલાં.

એ વાતને આજે દસ વરસ થયાં. કેવો લાગતો હશે ગૌતમ? ત્રણચાર વરસથી જોયો નથી.

ગૌતમનો ફોન આવ્યો.

‘જ્યોતિઆન્ટી, તમે ફોન કર્યો ત્યારે હું ઘેર નહોતો.’

‘આઈ એમ સૉરી અબાઉટ વીરેન્દ્રકાકા.’ ગૌતમ એના સ્ટેપફાધરને વીરેન્દ્રકાકા કહેતો.

‘કૅન્સર હતું.’

‘તારી મમ્મી કેમ છે?’

‘વાત થઈ. સંજોગોના પ્રમાણમાં ઑલરાઇટ.’

‘તું જવાનો છે?’

‘ના. સૌરભ છે મમ્મી પાસે.’

‘ક્યારે દેખાવાનો છે?’

‘તમે કહો ત્યારે. ઉદયનકાકા ન હોય ત્યારે મળવું છે.’

‘તું આ શુક્રવારે સાંજે આવ. ઉદયન થોડો મોડો આવવાનો છે. શુક્રવાર છે તો રોકાઈ જજે.’

ગૌતમ શુક્રવારે સાંજે આવ્યો. ગળા પર મફલર હતું. એના પર બે ખુલ્લા બટનવાળું શર્ટ. ટાઇટ બ્લ્યુ જીન્સ. એની બાજુમાં…

*

‘આવ ગૌતમ. તારી મૂછ ક્યાં ગઈ?’ જ્યોતિએ ગૌતમના ગાલ પર ચીટિયો ભરતાં પૂછ્યું.

ગૌતમ એક ડગલું પાછળ ખસી ગયો.

‘કેમ, આવો એન્ટિસોશિયલ થઈ ગયો છે?’

ગૌતમે જવાબ ન આપ્યો. એની બાજુમાં…

*

રસોડાના ટેબલ પર જ્યોતિ અને ગૌતમ જમવા બેઠાં.

એક વારની દાળઢોકળી ખવાઈ ગઈ એટલે જ્યોતિ ઊઠીને સ્ટવ પરથી તપેલી લઈ આવી. ટેબલ પર મૂકી. પછી ગૌતમની પાસે જઈ ઊભી રહી.

‘પીરસું ને બીજી? ખાજે નહીં તો તારા આ માંસલ હાથ પાતળા થઈ જશે.’ જ્યોતિએ ગૌતમના મસલ દબાવતાં કહ્યું.

ગૌતમ થોથવાયો.

જમ્યા પછી ગૌતમે વાસણ ધોવામાં મદદ કરવા માંડી.

‘તમારા રબર ગ્લવ્સ પહેરીને ધોઉં?’

‘કેમ, હાથ રફ થઈ જાય તો છોકરીઓને ન ગમે, ખરું ને?’

ગૌતમે વાસણો સાફ કર્યાં, રસોડાનું કામ પતાવીને જ્યોતિ અને ગૌતમ લિવિંગરૂમમાં આવ્યાં. જ્યોતિ સોફા પર બેઠી. ગૌતમ ખુરશી પર.

‘અહીં મારી પાસે બેસ.’ જ્યોતિએ કહ્યું.

ગૌતમ ઊઠ્યો નહીં.

‘તારી વાત કર. શું કરે છે હમણાં?’

‘જૉબ. દિવસે હૉસ્પિટલની એકાઉન્ટિંગ ઑફિસમાં અને સાંજે રેસ્ટોરંટમાં.’

‘હં.’

‘એક કોર્સ લેતો હતો પણ માંદો પડી ગયેલો. હૉસ્પિટલમાં જવું પડેલું.’

‘અને તેં ફોન પણ નહીં કર્યો?’

‘હૉસ્પિટલ સારી હતી. આન્ટી.’

‘શું થયેલું?’

‘ક્રોનિક ડિપ્રેશન. નર્વસ બ્રેકડાઉન જેવું.’

જ્યોતિ ઊઠીને ગૌતમની બાજુમાં બેઠી. એનો હાથ પંપાળવા માંડ્યો.

ગૌતમ ઊભો થયો. એની બાજુમાં…

*

‘મારે જવું જોઈએ.’

જ્યોતિ એને બારણા સુધી મૂકવા ગઈ.

‘જો, આ તારું જ ઘર છે.’

ગૌતમે ગાડી ચાલુ કરી. ગાડી ગઈ ત્યાં સુધી જ્યોતિ દરવાજામાં ઊભી ઊભી એને જોતી હતી.

ઉદયન આવ્યો ત્યારે જ્યોતિએ કહ્યું કે ગૌતમ આવેલો.

‘એણે છોકરી શોધી કે નહીં?’ ઉદયને પૂછ્યું.

‘ના.’

‘બત્રીસ વરસનો ઢાંઢો થયો. એની વે, ઇટ્સ હિઝ લાઇફ.’

*

‘સચીન, તું ગૌતમને ઓળખે છે ને?’

‘અવિનાશકાકાનો ને, મમ્મી?’

‘હા.’

‘કેમ, એને વિશે પૂછો છો?’

‘એ ગઈ કાલે આવેલો.’

‘એણે…’

‘એણે શું?’ જ્યોતિએ પૂછ્યું.

‘મમ્મી, એણે તમને કહ્યું કે નહીં એ ખબર નથી પણ એ “ગે” છે.

‘ઓહ માઈ ગોડ!’

*

‘હલો, ગૌતમ, તું આવ્યો તે ખૂબ ગમ્યું.’

‘પણ જે વાત કરવી’તી એ મોઢામોઢ ન કરી શક્યો. આન્ટી, હવે કહું છું. હું “ગે” છું, હોમોસેક્શ્યુઅલ.’

જ્યોતિ કશું બોલી નહીં.

‘આન્ટી, આપણો સમાજ મને નહીં સ્વીકારે એની મને ખબર છે.’

‘મને આ વાતની ખબર હોત તો તારી પરણવાની ને મૅચમેકિંગની વાત તો ન જ કરત.’ જ્યોતિએ કહ્યું.

‘હં. બધાને મને પરણાવવો છે.’

‘તેં વાત કરી છે કોઈને?’

‘મારાં મમ્મી-પપ્પાને. એ લોકો તો સમજવા જ તૈયાર નથી. વીરેન્દ્રકાકા માંદા હતા ને પછી ગુજરી ગયા એટલે મમ્મી તો મૂડમાં જ નથી.’

‘તારા પપ્પા અવિનાશ શું કહે છે?’

‘ખૂબ ગુસ્સે છે. કહે છે, “એક અઠવાડિયું મુંબઈ આવી જા. સીધો કરી દઈશ. આ તો તારા મનનું ભૂત છે ભૂત.” ’

‘તારા ઇન્ડિયન ફ્રેન્ડ્સ?’

‘મારા ફ્રેન્ડ નીરવ સાથે વાત કરી તો કહે છે આ એક ફ્રેઝ છે. થોડા વખત પછી હું ઑલરાઇટ થઈ જઈશ.’

‘તું મળે છે કોઈને?’

‘મારે એક છોકરા સાથે રહેવું છે પણ ઇન્ડિયન છું એટલે મુશ્કેલી.’

‘કઈ રીતે?’

‘અમેરિકામાં છીએ એટલે ડબલ માઇનોરિટી.’

‘અમેરિકનો તો આ વાત છડેચોક કરતા હોય છે.’

‘આન્ટી, મારી જૉબ ઉપર તો બધાં મને કહે છે કે હું મારી સેક્શ્યુઆલિટી સ્વીકારતો ને બીજાને કહેતો થઈશ તો મારા માનસિક પ્રોબ્લેમ ઓછા થઈ જશે.’

‘હં.’

‘તમને કદાચ ખબર હશે. અહીં હજારો લોકો ગે છે. ધારો કે સચીન ગે હોત તો?’ ગૌતમ બોલ્યે જતો હતો.

*

જ્યોતિએ માથા ઉપર બંને હાથ પછાડી લોહી કાઢવા વિચાર કર્યો.

‘જ્યોતિઆન્ટી? શું વિચાર કરો છો?’ ગૌતમ દાળઢોકળી ખાતાં ખાતાં બોલતો હતો.

‘સચીનના વિચાર કરું છું, ગૌતમ.’ જ્યોતિએ દિવાસ્વપ્ન ખંખેરી ગૌતમ સામે જોયું. ગૌતમ તેની બાજુમાં બેઠેલી તેની મેક્સિકન ગર્લફ્રેન્ડને ચમચી ચમચી દાળઢોકળી ખવડાવતો હતો.

‘ગૌતમ તને આમ તારી ફિયાન્સે સાથે જોઈને બહુ સારું લાગે છે. અને મારા સચીનના વિચાર આવે છે.’

‘એને ગર્લફ્રેન્ડ નથી?’

‘ના, સચીન “ગે” છે.’

*