એકતારો/વિદાય
આવજો આવજો વા’લી બા! હો વા’લી બા!
કે એકવાર બોલ, ભલે ભાઈ તું જા!
૧
પાછલી તે રાતને પે'લે પતરોડિયે
ઝબકીને તું જ્યારે જાગે
રે મા! ઝબકીને તું જયારે જાગે!
ઓસીકે પાંગતે ફેરવતાં હાથ તુંને
પડખું ખાલી લાગે હો મા!
મા! મા! મા!
માડી મને પાડજે હળવા સાદ
પડઘો થઈ હું દૈશ જવાબ—આવજો૦
૨
તારા હૈયા તે પરે ખેલવા ને ગેલવા
આવું બની હવાનો હિલોળો
મા! હવાનો હિલોળો;
લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે
ગૂંથશે તું જ્યારે અંબોડો હો મા!
મા! મા! મા!
માડી! તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં
ચાર પાંચ ચુમી ભરી ચાલ્યો જાઉં—આવજો૦
૩
ચંદન-તળાવડીનાં નીર મહીં ના’તી
જોઈ જૈશ હું તને જ્યારે
રે મા! જોઈ જૈશ હું તને જ્યારે;
મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ
તોય મને કોઈ નહિ ભાળે હો મા!
મા! મા! મા!
માડી મારી છલછલ છાની વાત
સાંભળીને કરજે ના કલપાંત—આવજો૦
૪
આષાઢી રાતની મેહુલિયા–ધારનું
ઝરમર વાજું વગાડું
હો મા! ઝરમર વાજું વગાડું,
બાબુડિયા બેટડાને સંભારી જાગતી
માડી! તુંને મીઠડી ઊઘાડું હો મા!
મા! મા! મા!
માડી હું તો વીજળીનો ઝબકારો
કે જાળીએથી 'હાઉક!' કરી જૈશ હું અટારો—આવજો૦
૫
આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા! સુઈ જા,
રે મા! થૈને બેલીશ : બા! સુઈજા;
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક બે બક્કા હો મા!
મા! મા! મા!
માડી તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિઃશ્વાસ—આવજો૦
૬
ઝબલું ટોપી લઈને માશીબા આવશે
પૂછશે, ક્યાં ગયો બચુડો?
રે મા! પૂછશે ક્યાં ગયો બચુડો?
કે'જે કે બેન, બચુ આ રે બેઠો
મારી આંખ કેરી કીકીઓમાં રૂડો
હો બેન! મારે ખોળલે ને હૈયા માંય
બાળ મારો બેઠો છે સંતાઈ!—આવજો૦
- મરી જતા બાળકના પોતાની મા પ્રત્યેના આ વિદાય–બોલવાળું ગીત ભજનના પદબંધમાં રવિબાબુના 'શિશુ' માયલા કાવ્ય 'તવે આમિ જાઈ ગો મા જાઈ' પરથી સાતેક વર્ષ પર ઉતાર્યું છે. એ શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત મારા 'વેણીના ફૂલ'ની છઠ્ઠી આવૃત્તિમાં મૂકી દેવાની ભૂલ મને, શ્રોતાઓનું પૂછાણ આવતાં માલુમ પડી છે એટલે એને અહીં પાછળથી ઉમેરેલ છે.