એકોત્તરશતી/૧. નિર્ઝરેર સ્વપ્નભંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. નિર્ઝરનો સ્વપ્નભંગ (નિર્ઝરેર સ્વપ્નભંગ)

આજે આ પ્રભાતે રવિનાં કિરણોએ કઈ રીતે પ્રાણમાં પ્રવેશ કર્યો? કઈ પેરે પ્રભાતપંખીઓના ગાને ગુફાના અંધારામાં પ્રવેશ કર્યો? મને ખબર નથી શા માટે આટલા દિવસે પ્રાણ જાગી ઊઠ્યો. પ્રાણ જાગી ઊઠ્યો છે. ઓરે પાણી ઊભરાઈ ઉઠ્યું છે. ઓરે પ્રાણની વેદનાને—પ્રાણના આવેગને હું રૂંધી રાખી શકતો નથી. પર્વત થરથર કરતો ધ્રૂજે છે. ઢગલેઢગલા શિલાઓ ખસી પડે છે. ફીણવાળાં પાણી ઊછળતાં ઊછળતાં દારુણ રોષથી ગર્જી ઊઠે છે. અહીં તહીં ગાંડાની જેમ ઘુમરાતું ઘુમરાતું મત્ત બનીને (પાણી) ઘૂમે છે, બહાર નીકળવા ચાહે છે. કારાગૃહનું બારણું ક્યાં છે તે જોઈ શકતું નથી. વિધાતા આવો પથ્થર જેવો કેમ છે? શા માટે એની ચારે કોર બંધન છે? તોડી નાંખ, ઓ હૃદય, બંધનને તોડી નાખ. આજે પ્રાણની સાધના સિદ્ધ કર. લહરી ઉપર લહરી ઉઠાવી, એક પછી એક આઘાત કર. જ્યારે પ્રાણ મત્ત થઈ ઊઠ્યો છે ત્યારે અંધકાર શાનો, ને પથ્થર શાના? વાસના જ્યારે ઊભરાઈ ઊઠી છે ત્યારે જગતમાં ડર શાનો? હું કરુણાધારા વહાવીશ. હું પાષાણના કારાગૃહને ભાંગી નાંખીશ. હું જગતને ડુબાડી આકુલ પાગલની જેમ ગાતો ફરીશ. કેશ છૂટા મૂકીને, ફૂલ ચૂંટીને, ઇન્દ્રધનુથી આંકેલી પાંખો ફેલાવીને, રવિનાં કિરણોમાં હાસ્ય વેરીને પ્રાણ વહાવી દઈશ. શિખર પરથી શિખર પર દોડીશ, એક પર્વત પરથી બીજા પર્વત પર આળોટીશ. ખિલખિલ હસતો, કલકલ ગાતો, તાલે તાલે તાલી દઈશ. એટલી વાત મનમાં ભરી છે, એટલાં ગીત છે, એવડી મારી પ્રાણશક્તિ છે, એટલું સુખ છે, એટલા કોડ છે—પ્રાણ ચકચૂર બન્યો છે. કોણ જાણે આજે શું થયું, પ્રાણ જાગી ઊઠયો. દૂરથી જાણે મહાસાગરનું ગાન સાંભળું છું. ઓરે, મારી ચારે કોર આ ઘોર કારાગાર શાનું છે? ઘા પર ઘા કર, કારાગારને ભાંગી નાખ, ભાંગી નાખ. ઓરે, આજે પંખીઓએ શાં ગીત ગાયાં છે? રવિનાં કિરણો આવ્યાં છે.
૧૮૮૨ ‘પ્રભાત સંગીત’

(અનુ. ઉમાશંકર જોશી)