એક અજાણ્યા ગાંધીની આત્મકથા/૪. ગ્રીન્સબરો (૧૯૬૬ – ૧૯૬૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. ગ્રીન્સબરો (૧૯૬૬ – ૧૯૬૯)

૧૯૬૬ના સપ્ટેમ્બરમાં હું ગ્રીન્સબરો પહોંચ્યો ત્યારે એ. ઍન્ડ ટી.નું સेમેસ્ટર શરૂ થતું હતું. મારે જલદીથી જોબ શરૂ કરી દેવાનો હતો. ગ્રીન્સબરોમાં હું એકલો હતો. ઍટલાન્ટાના મારા એક વરસના વસવાટમાં મને જારેચાની સલાહસૂચના અને માર્ગદર્શન સતત મળતાં રહેતાં. મારો એમની સાથેનો સંપર્ક રોજનો હતો. ગ્રીન્સબરોમાં હવે મારે જ બધું સંભાળવાનું હતું. બસ સ્ટેશને મને કોઈ લેવા આવવાનું નહોતું. જ્યાં સુધી મારું અપાર્ટમેન્ટનું નક્કી ન થાય ત્યાં સુધી મેં રહેવાની વ્યવસ્થા કૉલેજની ડોર્મમાં કરી. ઍટલાન્ટામાં હું ડોર્મના વસવાટથી ટેવાયેલો હતો તેથી અહીં કાંઈ નવું નહીં લાગ્યું. એક વસ્તુ ખાસ કઠી અને તે એ કે મારી પાસે કાર નહોતી. ન્યૂ યૉર્ક કે શિકાગો જેવા ગણ્યાં ગાંઠ્યાં મોટાં શહેરોને બાદ કરતા, અમેરિકાનાં નાનાં શહેરોમાં કાર વગર રહેવું ખૂબ મુશ્કેલ. બસ કે ટ્રેનની સગવડ નહિવત્. ઍટલાન્ટામાં જારેચા એમની કારમાં મને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જતા. અહીં એ માટે કોને કહેવું?

પ્રૉફેસર થયો

એ. ઍન્ડ ટી. યુનિવર્સિટીમાં મારું મુખ્ય કામ ઍકાઉન્ટિંગ ભણાવવાનું. બ્લેક કૉલેજ એટલે લગભગ સો ટકા બ્લેક વિદ્યાર્થીઓ. મોટા ભાગે મધ્યમ વર્ગ કે ગરીબ ઘરોમાંથી આવેલા. ઘણા તો એવા કુટુંબોમાંથી આવેલા કે જ્યાંથી કોઈ આ પહેલાં કૉલેજમાં ગયું જ ન હોય. માબાપ છોકરા-છોકરી ઉપર ઘણો મદાર માંડી બેઠા હોય. ક્લાસમાં પહેલે દિવસે જઈને ઊભો રહ્યો. મારી સામે બધાં જ બ્લૅક છોકરાછોકરીઓ બેઠેલા. હું એમના કરતાં ઉંમરમાં દસેક વરસે મોટો હોઈશ, પણ એમના કદાવર શરીર સામે નાના છોકરા જેવો દેખાયો હોઈશ. હું થોડી વાર તો ગભરાયો. હું જે કાંઈ બોલીશ તે આ લોકો સમજશે ખરા? મારા ઉચ્ચારો અને ઇંંગ્લીશ હજી દેશી જ હતા. વળી અત્યાર સુધી હું જાહેરમાં ઇંગ્લીશમાં ક્યારેય બોલ્યો નહોતો. ઍટલાન્ટા યુનિવર્સિટીમાં ક્લાસમાં પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન જરૂર કરેલું, પણ એ તો બીજાઓ સાથે. અહીં તો હું એકલો. મેં જો કોઈ ભૂલચૂક કરી તો કોઈ મારી મદદે આવવાનું નહોતું. આગલે દિવસે તૈયારી ખૂબ કરી હતી, અરીસા સામે ઉભા રહીને પ્રેક્ટીસ પણ કરી હતી.

સ્વીમિંગ પૂલના ડાઈવીંગ બોર્ડ પર ઉભેલા શીખાઉ સ્વીમર જેવી મારી દશા થઈ. ત્યાં ઉપર પહોંચ્યા પછી પાણીમાં પડવા સિવાય છૂટકો થોડો છે? મેં તો યા હોમ કરીને ઝંપલાવ્યું. આગલે દિવસે જે ગોખ્યું હતું તે ઓકવાનું શરૂ કરી દીધું. પહેલી પાંચ મિનિટ હું શું બોલ્યો તેની કાંઈ મને ખબર ન પડી, પણ બોલ્યો ખરો અને જોયું તો સામે બેઠેલા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળતા હતાં, હું જે બોલતો હતો તેની નોટ્સ લેતા હતા. ખાસ કરીને કોઈ ઊભું નહોતું થતું, કે અંદરોઅંદર વાત કરતું નહોતું. દેશની કૉલેજોમાં જેમ પ્રૉફેસરોનો હુરિયો બોલાવાય તેવું કાંઈ થશે તો એવો મને ભય હતો. એવું કાંઈ ન થયું. પહેલી પાંચ મિનિટ પછીની બાકીની ચાલીસ મિનિટ ઝડપથી ગઈ. મેં ક્લાસ પૂરો કર્યો. એ જ વિષય મારે દિવસના બે વાર ભણાવવાનો હતો. મારા શંકા અને ભય પહેલા ક્લાસ પછી ગાયબ થયા. બીજો ક્લાસ બરાબર ગયો. રાત્રે શાંતિથી સૂતો.

પ્રૉફેસર તરીકે એકાદ અઠવાડિયું પસાર કર્યા પછી મને ખબર પડી કે પ્રૉફેસર હોવાનો એક મોટો ફાયદો છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ તો એમ જ માને છે કે તમારામાં એમના કરતાં વધુ બુદ્ધિ, અનુભવ અને વિષયની જાણકારી છે, નહીં તો તમારી પ્રૉફેસર તરીકે પસંદગી થઈ કેવી રીતે? વધુમાં આગળ જણાવ્યું છે તેમ અહીં જે ગ્રેડ અપાય છે તે પ્રૉફેસર પોતે જ આપે. દેશની જેમ યુનિવર્સિટી એક્ઝામ અહીં નથી હોતી, કે જેમાં હજારો વિદ્યાર્થીઓ એક જ સરખી એક્ઝામ આપે. આપણે ત્યાં પેપરનું ગ્રેડિંગ કોણ કરે છે તે વિદ્યાર્થીઓને ખબર પણ ન હોય. અહીં તો પ્રૉફેસર જ એક્ઝામ પેપર નક્કી કરે, એ જ તપાસે, અને એ જ ગ્રેડિંગ કરે. એટલે કોઈ પણ વિદ્યાર્થી પ્રૉફેસરની સાથે જીભાજોડી કરતાં બે વાર વિચાર કરે.

દેશમાં જે પ્રૉફેસરોનો હુરિયો બોલાવાય એવું અહીં થયું હોય એમ મને યાદ નથી. એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને પ્રૉફેસર સામે ફરિયાદ કરવાનો કોઈ હક્ક નથી કે એવી ફરિયાદો થતી નથી. થાય જ છે, પણ કૉલેજના ડીન એવી કોઈ ફરિયાદ આવતા એ બાબતની તપાસ કરે, અને પછી તે બાબત યોગ્ય પગલાં જરૂર લે. કોઈ વિદ્યાર્થીને પ્રૉફેસર ન ગમતા હોય, કે એની સામે વાંધો હોય તો એ જ વિષય ભણાવતા બીજા પ્રૉફેસરના ક્લાસમાં દાખલ થાય.

સદ્ભાગ્યે હું લોકપ્રિય પ્રૉફેસર નીવડ્યો. વિદ્યાર્થીઓ માટે મારી ઑફિસનાં બારણાં હંમેશાં ઉઘાડાં હોય એ એમને ગમતું. કોઈ પણ વિદ્યાર્થી મારી પાસે કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો એ હું ધ્યાનથી સાંભળું એ એમને ગમે. એક વાર અપાર્ટમેન્ટ લીધા પછી હું થોડા થોડા વિદ્યાર્થીઓને ઘરે પણ બોલાવતો. તે એમને ખૂબ ગમતું. વધુમાં હું ઇન્ડિયન છું, બીજા પ્રૉફેસરોથી જુદો છું, વિદ્યાર્થીઓને મળવાનો, તેમના પ્રશ્નો સાંભળવાનો મારી પાસે ટાઈમ છે, મને તેમનામાં રસ છે—આ બધાંને કારણે હું પોપ્યુલર થઈ ગયો. વધુમાં હું જે કાંઈ ભણાવતો હોઉં તેનું વર્તમાન બિઝનેસ સાથે અનુસંધાન કરું, સમજાવું કે આજે આપણે જેની ક્લાસમાં ચર્ચા કરીએ છીએ એવું ક્લાસ બહારની દુનિયામાં થતું હોય છે. આ એપ્રોચ એમને ગમ્યો. હું નવો નવો પ્રૉફેસર હતો તેથી ક્લાસ માટે બરાબર તૈયારી કરતો, જેથી ક્લાસમાં ભણાવવામાં કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં ભાગ્યે જ મુશ્કેલી પડતી.

બ્લેક પાવરની ઝુંબેશ

ઍટલાન્ટાની સરખામણીમાં ગ્રીન્સબરો આમ તો નાનું શહેર ગણાય. પણ અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં એનું મહત્ત્વ ઘણું. અમેરિકાના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર વૂલવર્થના લન્ચ કાઉન્ટર પર એ. એન્ડ ટી. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ ૧૯૬૦માં સીટ-ઇન કર્યું. એ દિવસોમાં કાળા અને ગોરા લોકોના લન્ચ કાઉન્ટર જુદા. કાળા લોકોના કાઉન્ટર પર જગ્યા ન હોય તો કાળા લોકોએ રાહ જોવાની. ગોરાઓના કાઉન્ટર પર જગ્યા હોય તો પણ ત્યાં એ બેસી ન શકે. જેવું લન્ચ કાઉન્ટરનું તેવું જ બસનું અને બીજી અનેક પબ્લિક ફેસીલીટીઓનું—કાળા અને ગોરા લોકો માટે જુદી જુદી વ્યવસ્થા અને ગોરાઓને પહેલો પ્રેફરન્સ મળે.

માર્ટીન લ્યુથર કિંગની અસર નીચે ચાર કાળા વિદ્યાર્થીઓ ૧૯૬૦ની ફેબ્રુઆરીની પહેલી તારીખે વૂલવર્થના ગોરા લોકોના કાઉન્ટર પર જઈને બેઠા અને કૉફી ઓર્ડર કરી. ત્યાં કામ કરતી ગોરી વેઈટ્રેસે ના પાડી અને કહ્યું કે આ તો ગોરા લોકોનો કાઉન્ટર છે. કૉફી પીવી હોય તો કાળા લોકોના કાઉન્ટર પર જાઓ. વિદ્યાર્થીઓએ કાઉન્ટર પરથી ખસવાની ના પાડી. સ્ટોર બંધ થયો ત્યાં સુધી બેઠા, પણ એમને કૉફી નહીં મળી. બીજે દિવસે બાજુની કૉલેજમાંથી વીસ કાળા વિદ્યાર્થીઓ આવ્યા, ત્રીજે દિવસે સાઈઠ અને ચોથે દિવસે ત્રણસો વિદ્યાર્થીઓ આવ્યા. આ બનાવને ટીવી અને છાપાંએ ઘણો કવર કર્યો. દેશમાં હો-હા થઈ ગઈ. સાઉથનાં બીજાં મોટાં શહેરોમાં પણ આ પ્રકારના સીટ-ઇન શરૂ થયા. છેવટે વૂલવર્થ અને બીજા સ્ટોર્સમાંથી આ કાળા ગોરાના જુદા જુદા કાઉન્ટર રદ થયા. સિવિલ રાઈટ્સ મુવમેન્ટનું આ એક અગત્યનું પ્રકરણ હતું જેમાં કાળા લોકોને થોડી ઘણી સફળતા મળી.

એ. એન્ડ ટી. યુનિવર્સિટીમાં ભણાવવાથી સહેજે જ હું બ્લેક વિદ્યાર્થીઓના ગાઢ સંપર્કમાં આવ્યો. એમના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણ વગેરેનો મને ઊંડો ખ્યાલ આવ્યો. હું જો પહેલેથી જ કોઈ ગોરી યુનિવર્સિટીમાં દાખલ થયો હોત તો, અમેરિકાના કાળા ગોરાના સંબંધોની સમસ્યા હું ક્યારેય આટલી નજીકથી જોઈ શક્યો ન હોત. ગુલામીથી માંડીને અત્યાર સુધી રંગભેદને કારણે બ્લેક પ્રજા ઉપર સૈકાઓથી જે અન્યાય થઈ રહ્યો હતો તે હવે એ લોકો સહેવા તૈયાર ન હતા. આર્થિક, સામાજિક, અને રાજકીય ક્ષેત્રે ગોરી પ્રજાને જે કંઈ મળતું હતું તે બ્લેક પ્રજાને હમણાં ને હમણાં મળવું જોઈએ એવી એમની સ્પષ્ટ માંગ હતી. એ બાબતમાં કાળા યુવાનો અધીરા હતા. એમના માબાપની પેઢીઓની ધીરજ સ્વાભાવિક રીતે તેમનામાં ન જ હોય. માર્ટીન લ્યુથર કિંગની અહિંસક અસહકારની ઝુંબેશને લીધે બ્લેક લોકો માટે સિવિલ રાઈટ્સ મેળવવામાં જે પ્રગતિ થઈ રહી હતી તેની ધીમી ગતિ એમને માન્ય ન હતી. જો એ બાબતમાં ગોરી પ્રજા આનાકાની કરતી હોય તો એમની સામે શસ્ત્રો ઉપાડવાં પણ આ નવી પેઢી તૈયાર હતી.

નવી પેઢીની સ્પષ્ટ માન્યતા હતી કે માર્ટીન લ્યુથર કિંગની અહિંસક ચળવળ વ્હાઈટ પાવરની સામે આખરે તો નિરર્થક નીવડવાની છે. માર્ટીન લ્યુથર કિંગ અને બીજા બ્લેક આગેવાનોના અહિંસક મોરચાઓનો સામનો દક્ષિણ રાજ્યોની ગોરી પ્રજાએ અને તેમના ગવર્નર, મેયર અને બીજા અધિકારીઓએ હિંસક રીતે જ કર્યો. સિવિલ રાઈટ્સ માટે શાંતિથી કૂચ કરતા અહિંસક બ્લેક સ્વયંસેવકો ઉપર વારંવાર ઝનૂની કૂતરાઓ દોડાવ્યા, લાઠીમાર કર્યા, અને ગોળીબાર પણ કર્યા. એમાં ઘણાં બ્લેક લોકો મર્યાં. કેટલાય બ્લેક ચર્ચનું બોમ્બિંગ થયું. નવી પેઢીના નેતાઓનું માનવું એવું હતું કે બ્લેક પ્રજા માટે હિસંક ક્રાંતિ સિવાય કોઈ બીજો રસ્તો નથી.

બ્લેક પ્રજા પર જુલમ કરતા વ્હાઈટ શાસનને ઉથલાવવા જો માર્ટીન લ્યુથર કિંગનું આંદોલન અહિંસક હતું, તો માલ્કમ એક્સ નામના એટલું જ જોરદાર વ્યક્તિત્ત્વ ધરાવતા નવી પેઢીના એક અગ્રણી નેતાનું આંદોલન હિંસક હતું. એ એમ માનતો કે લોહિયાળ ક્રાંતિ કર્યા સિવાય બ્લેક પ્રજાનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. કિંગ અને માલ્કમ એક્સના જુદા જુદા અભિગમમાં શું સારું, શું નરસું, એ બાબતમાં હું કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ઘણી ચર્ચા કરતો. એ લોકો પણ મને ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલન વિશે ઘણું પૂછતા. એ વખતે બ્લેક પાવરના મુખ્ય પ્રણેતા સ્ટોકલી કાર્માઈકલની બોલબાલા હતી, ખાસ કરીને યુવાન બ્લેક પેઢીમાં. એક વખત એ અમારી યુનિવર્સિટીમાં પ્રવચન કરવા આવ્યો. આખું ફિલ્ડ હાઉસ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું હતું. ઊભા રહેવાની પણ જગ્યા ન મળે. હું પણ એને સાંભળવા ગયો હતો. એના જેવા તેજસ્વી વક્તા મેં બહુ ઓછા જોયા છે. અમેરિકા આખરે બ્લેક પ્રજા માટે સારો દેશ નથી એમ માનીને છેવટે દેશ છોડીને એ ઘાનામાં જઈને રહેલો. વર્ષો પછી એ કોઈ સખ્ત માંદગીમાં સપડાયાે હતો. એ સારવાર કરવા પાછા અમેરિકા આવેલો ત્યારે મેં એને વ્હીલ ચેરમાં બેઠેલો જોઈને હું માની જ ન શક્યો કે આ માંદલો માણસ એક જમાનામાં જાહેર સભામાં હજારોને મંત્રમુગ્ધ કરતો હતો?

૧૯૬૮માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ. એ સમયે બ્લેક પ્રજાના એ સૌથી વધુ માનનીય નેતા હતા. ગાંધીજીની અસર નીચે એમણે અમેરિકન બ્લેક પ્રજાના સિવિલ રાઈટ્સ માટે અહિંસક સત્યાગ્રહની જે ઝુંબેશ આદરી હતી તેને કારણે માત્ર અમેરિકામાં જ નહીં, પણ આખી દુનિયામાં એ આદરપાત્ર હતા. એમને ૧૯૬૪નું શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું. એમની હત્યા થઈ ત્યારે એમની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી. જેવા એ હત્યાના સમાચાર આવ્યા કે તરત અમેરિકાનાં નાનાંમોટાં શહેરોમાં હુલ્લડ શરૂ થયાં. એ હુલ્લડોમાંથી વૉશિંગ્ટન પણ બાકી ન રહ્યું. વ્હાઈટ હાઉસને બચાવવા માટે પ્રેસિડેન્ટ જ્હોનસને નેશનલ ગાર્ડને બોલાવવા પડ્યા! અમારી કૉલેજના પ્રેસિડેન્ટે તરત જ સમજીને અઠવાડિયાની રજા જાહેર કરી અને કૉલેજ બંધ કરી દીધી. છોકરાછોકરીઓને ઘરે મોકલી દીધા. એ છોકરાઓછોકરીઓ જો કૅમ્પસ ઉપર હાજર હોત તો ગામમાં જરૂર મોટું તોફાન થાત.

પહેલી કાર લીધી

મારે તો જલદી જલદી ગ્રીન કાર્ડ લેવું હતું. એ.એન્ડ ટી. યુનિવર્સિટીમાં જોબ હોવાને કારણે તરત જ ગ્રીન કાર્ડ મળી ગયું. જેવું ગ્રીન કાર્ડ મળ્યું કે તરત જ કાર લીધી, ફોર્ડ મસ્ટેન્ગ! કાર લેવાના રોકડા પૈસા નહોતા, પણ અહીં તો ઇન્સ્ટોલમેન્ટ ઉપર બધું મળે. ગ્રીન્સબરો જઈને મેં તરત ડ્રાઈવિંગ શીખી લીધું હતું. જેવી કાર લીધી કે ગાંડાની જેમ ડ્રાઈવ કરવાનું શરૂ કરી દીધું. વૉશિંગ્ટન, ન્યૂ યૉર્ક, શિકાગો, એમ બધે જવા માંડ્યું. શરૂ શરૂમાં શીખાઉ હતો છતાં એટલું તો ડ્રાઈવ કરતો કે આજે મને થાય છે કે ત્યારે મારો કોઈ જીવલેણ એક્સીડંટ કેમ નહીં થયો? જો કે થોડા ફેંડર બેન્ડર જેવાં છમકલાં જરૂર થયાં, પણ ઈશ્વર કૃપાએ જેમાં શારીરિક હાનિ થાય એવું કાંઈ નહીં થયું.

કાર લીધી કે પહેલું કામ વૉશિંગ્ટન જવાનું કર્યું! દેશમાંથી જ મને વૉશિંગ્ટનનું મોટું આકર્ષણ હતું. વ્હાઈટ હાઉસ, કેપિટોલ, સ્મીથસોનિયન મ્યુઝિયમ, મેસેચ્યુસેટ એવન્યૂ ઉપર આવેલ ઇન્ડિયન એમ્બેસી જ્યાં એક વાર ગગનવિહારી મહેતા અને એમ.સી. ચાગલા આપણા એમ્બેસેડર હતા, વૉશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વ વિખ્યાત છાપાં—આ બધું મારે જોવું હતું. વોલ્ટર લીપમેન જેવા કોલમીસ્ટ, ફૂલબ્રાઈટ જેવા સેનેટરોને મળવું હતું. એ બધાને કાગળો પણ લખી દીધા કે મારે એમને મળવા આવવું છે. મારે એમની સાથે વિએટનામ વોર વિશે ચર્ચા કરવી હતી.

મારા પત્રો જોઈને તેમને મારી ધૃષ્ટતા પર હસવું આવ્યું હશે. મને પોતાને જ આજે આશ્ચર્ય થાય છે કે હું કેવી રીતે આવા મોટા માણસોને કાગળો લખી શક્યો? લીપમેનને મળવા માટે તો પ્રમુખો, વડાપ્રધાનો, એમ્બેસેડરો આતુર હોય છે. મોટે ભાગે બધે ઠેકાણેથી ના આવી, પણ ન્યૂ રિપબ્લિક નામના સાપ્તાહિકના એક કોલમીસ્ટ રિચર્ડ સ્ટ્રાઉટ તરફથી હા આવી. ૧૯૨૦ના દાયકામાં ખુદ વોલ્ટર લીપમેને એ સાપ્તાહિકની શરૂઆત કરી હતી. આપણે તો ખુશખુશાલ. મિત્ર કનુભાઈ દોશી ત્યારે અમેરિકા આવી ગયા હતા. એમને ઉપાડીને આપણે તો વૉશિંગ્ટન પહોંચી ગયા. સ્ટ્રાઉટ અમને ત્યાંની વિશ્વવિખ્યાત નેશનલ પ્રેસ ક્લબમાં લંચમાં લઈ ગયેલા એ યાદ છે.

વિએટનામનું યુદ્ધ ચાલતું હતું. મારે મન એ અમેરિકાની વિદેશનીતિ ઉપર મોટું કલંક હતું. એ યુદ્ધનો વિરોધ કરતા પ્રખ્યાત અમેરિકનોને હું મળવા પ્રયત્ન કરતો હતો. એ વખતે શિકાગો યુનિવર્સિટીના રાજકારણના પ્રખ્યાત પ્રૉફેસર હાન્સ મોર્ગેન્થાઉ એ યુદ્ધના સખ્ત વિરોધી હતા. એમનો વિરોધ કોઈ નૈતિક કારણોસર નહીં, પણ માત્ર પ્રેક્ટિકલ અને મીલીટરી વ્યૂહની દૃષ્ટિએ હતો. મને થયું કે મારે એમને મળવું જોઈએ! મેં એમને કાગળ લખ્યો કે મારે આવીને તમને મળવું છે. એ કહે આવો. ઠેઠ ગ્રીન્સબરોથી લગભગ હજારેક માઈલ ડ્રાઈવ કરીને હું શિકાગો પહોંચી ગયો. એમની સાથે થોડી વાતો કરી. પણ એમને જ્યારે ખબર પડી કે હું કોઈ રાજકારણ કે વિદેશનીતિનો નહીં, પણ ઍકાઉન્ટિંગનો પ્રૉફેસર હતો અને તે પણ નૉર્થ કેરોલિનાની કોઈ સામાન્ય યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો કે તરત જ એણે અમારી વાતચીત પૂરી કરી. કહ્યું કે એ બહુ કામમાં છે, અને મારે હવે જવું જોઈએ!

આ દરમિયાન નલિની દેશમાંથી આવી. કારમાં હું ગ્રીન્સબરોથી પાંચસોએક માઈલ ડ્રાઈવ કરીને ન્યૂ યૉર્ક જઈને એને લઈ આવ્યો. એ આવે એ પહેલાં મેં એક અપાર્ટમેન્ટ લઈ રાખ્યું હતું. અમે ઘર માંડ્યું. થોડી બેઝીક વસ્તુઓ લીધી. હું તો સવારથી જ કૉલેજમાં ભણાવવા ચાલી જાઉં. એ તો ચાલીમાં રહેલી. પાડોશીઓ, સગાંઓથી ઘેરાયેલી રહેવા ટેવાયેલી. દિવસ રાત એ બધાની આવ-જા હોય. અહીં કોણ આવે? ગણ્યાગાંઠ્યાં ઇન્ડિયન ફેમીલી હતાં, એ જ સગાં ગણો, ગુજરાતી હોય કે નહીં. જે હતાં તેમાં મોટા ભાગના મારી જેમ પ્રૉફેસરો. સારા ઘરમાંથી આવેલા, જેમની પત્નીઓ ભણેલી. હવે નલિનીને પોતાની અભણતાનું ભાન થયું. એને અંગ્રેજી જરાય ન આવડે. ડ્રાઈવિંગની તો વાત જ ક્યાં કરવાની?

હું કૉલેજમાં ગયો હોઉં ત્યારે એને ઘરમાં ગોંધાઈને બેસી રહેવું પડે. જો કે આનો એક આડકતરો ફાયદો એ થયો કે એ ટીવી જોતી થઈ. દરરોજ કલાકો સુધી ટીવી જોવાથી એને અમેરિકન ઈંગ્લીશ ધીમે ધીમે સમજાવા માંડ્યું. અને ભાંગી તૂટી ઇંગ્લીશમાં આજુબાજુના પાડોશીઓ સાથે વાતો કરવા મંડી. સ્વાભાવિક રીતે જ એને ઘરમાં એકલું લાગવા માંડ્યું. મને થયું કે એને જેટલું બને તેટલું વહેલા ડ્રાઈવિંગ શીખી લેવું જોઈએ જેથી એ પોતાની મેળે ઘરની બહાર નીકળે અને એને કંઈ અમેરિકાની ગતાગમ પડે. એ ડ્રાઈવિંગ શીખી. લાયસન્સ લીધું. પોતાની મેળે ગેસ, ગ્રોસરી વગેરે લેવા જતી થઈ. એના પગ હવે છૂટા થયા. પછી તો જ્યાં ક્યાંય સેલ હોય ત્યાં પહોંચી જાય. કોઈ પણ ભારતીય સ્ત્રી સ્ટોરમાં છાશવારે આવતા સેલમાં જતી થાય ત્યારે સમજવું કે એનું અમેરીકનાઈઝેશન શરૂ થઈ ગયું.

પીએચ.ડી.નું ભણવાનું શરૂ કર્યું

ગ્રીન કાર્ડ મળતાં જ મેં કંપનીઓમાં નોકરી શોધવાની શરૂ કરી. જે કાંઈ થોડા ઈન્ટરવ્યૂ આપ્યા અને જે એકાદ-બે નાની અને લોકલ કંપનીઓમાં નોકરીની ઓફર આવી તેમાં મારે જે કામ કરવાનું હતું તે જમા-ઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતું. વધુમાં મારી મહેચ્છા હતી કે મને આઈ.બી.એમ કે ઝીરોક્સ જેવી મોટી ગ્લોબલ કંપનીઓમાં એક્ઝિક્યુટિવ જોબ મળે જેમાં હું બિઝનેસ ડિસીશન લઉં! એપ્લીકેશન કરી હોય એના જવાબ જરૂર આવે, પણ એ બધામાં ના જ હોય, તો પછી ઇન્ટરવ્યૂ આપવાની વાત જ ક્યાં હોય? એવી કોઈ નોકરી મળે એવી શક્યતા ન હતી. આખરે તો હું ઍટલાન્ટા યુનિવર્સિટીની છાપ લઈને નીકળ્યો હતો અને બ્લેક ન હતો. મારે જો કોઈ મોટી કંપનીમાં અગત્યની નોકરી મેળવવી હોય તો હાર્વર્ડ, પેન કે યેલ જેવી યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવી જોઈએ. પણ એને માટે તો વળી પાછું ભણવું પડે. એવી યુનિવર્સિટીમાં એડમિશન પણ ક્યાંથી મળવાનું હતું? અને ધારો કે એડમિશન મળ્યું તો એવી મોંઘી યુનિવર્સિટીમાં ભણવાના પૈસા ક્યાંથી કાઢવા?

વધુમાં હું જેમ જેમ ભણાવતો ગયો તેમ તેમ મને એ ગમવા લાગ્યું. થયું કે કોઈક કંપનીના કે બૅંકના ઍકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળે તો વળી પાછું ઍકાઉન્ટિંગનું બોરિંગ કામ કરવું પડે. અઠવાડિયાના પાંચે પાંચ દિવસે ઑફિસમાં નિયત સમયે જવું પડે. નવથી પાંચ ત્યાં બેસવું પડે, બોસ તમને હુકમ કરે કે આ કરો ને તે કરો. કૉલેજમાં તો તમે તમારા નિયત ક્લાસમાં સમયે જાવ, ભણાવીને બહાર નીકળી જાવ, અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ ક્લાસ હોય, અને તે પણ ત્રણ જ કલાક. બાકીનો સમય તમારો જ. વધુમાં જૂન, જુલાઈ અને ઑગસ્ટ તમારા. તમારે સમર સ્કૂલમાં ભણાવવું હોય તો ભણાવો, નહીં તો છુટ્ટા. કંપનીઓમાં તો બે અઠવાડિયાનું વેકેશન મળે તો મળે અને તે પણ તમારો બોસ નક્કી કરે ત્યારે.

કૉલેજની પ્રૉફેસરની નોકરીનો સૌથી મોટો ફાયદો તે જિંદગીભરની નોકરીનો, ટેન્યરનો. દરેક યુનિવર્સિટીમાં ત્રણ ત્રણ વરસના કોન્ટ્રેક્ટ મળે. પછી તો તમારું શિક્ષણ કામ સારું હોય, અને તમે જો તમારા ક્ષેત્રમાં સંશોધન કરીને કંઈક પબ્લીશ કર્યું હોય તો ટેન્યર મળે, એટલે કે જિંદગી ભરની નોકરી નક્કી થઈ જાય. કોઈ તમને કાઢી ન શકે. કંપનીઓમાં તો બે અઠવાડિયાંની નોટીસ અપાય અને તમને રજા મળે. મંદી આવે અને કંપનીએ બનાવેલો માલ ન ઊપડે તો હજારોની સંખ્યામાં લોકોને રજા મળે. ટેન્યર મળ્યા પછી તમે કૉલેજના જમાઈ! જિંદગી આખીનું પાકું. વધુમાં કૉલેજની રીટાયરમેન્ટ સિસ્ટમ, હેલ્થ બેનીફીટ સિસ્ટમ, તમારાં સંતાનો માટે ફ્રી ટ્યુશન—આવા આવા ઘણા બેનીફીટ મળે. પ્રાઈવેટ સેક્ટરમાં પ્રમાણમાં આવું બધું ઓછું મળે.

પણ આ બધું મળે એ માટે પહેલાં ટેન્યર મળવું જોઈએ. એ મેળવવા માટે સૌથી મોટી જરૂરિયાત પીએચ.ડી.ની ડિગ્રીની. એ ડિગ્રી મેળવવા માટે કોઈ મોટી યુનિવર્સિટીમાં વળી પાછા ભણવા જવું પડે. એમાં ઓછામાં ઓછાં બીજાં ચાર વરસ નીકળી જાય. સંશોધન કરવાનું, પીએચ.ડી.નો થીસિસ લખવા, અત્યારની નોકરી છોડવી પડે. પણ નોકરી કેમ છોડાય? મારી પાસે બીજી કોઈ આવક તો હતી નહીં કે કોઈ સેવિંગ ન હતું. જે પગાર આવે તેમાંથી જ ચલાવતો હતો. હવે તો કારના હપ્તા, અપાર્ટમેન્ટનું ભાડું, ઘર ચલાવવાનો ખર્ચ વગેરે શરૂ થઈ ગયા હતા. એક વાર તમારા હપ્તા શરૂ થઈ ગયા તો સમજવું કે તમારું અમેરીક્નાઈઝેશન પૂરું થયું. આ બધા ખર્ચ ઉપરાંત મેં દેશમાં બા કાકાને પૈસા મોકલવાના શરૂ કર્યા હતાં.

નિયમિત આવક માટે નોકરી કરવી જ પડે એમ હોય, અને પ્રૉફેસરગીરી કરવા માટે પીએચ.ડી.ની જરૂર હોય, તો એક જ રસ્તો હતો. અને તે પાર્ટ ટાઈમ પીએચ.ડી. શરૂ કરવાનો. સદ્ભાગ્યે ગ્રીન્સબરોની બાજુમાં પચાસેક માઈલ દૂર ચેપલ હિલ નામના નાના શહેરમાં નૉર્થ કેરોલિના રાજ્યની મોટી યુનિવર્સિટી હતી. ત્યાં હું પીએચ.ડી.ના ક્લાસ ભરવા જઈ શકું અને ઓછામાં ઓછું ડિગ્રીનું કામ શરૂ કરી શકું. હા, પાર્ટટાઈમ કરવાથી છએક વરસ નીકળી જાય, પણ મારે બીજો કોઈ છૂટકો નહોતો. એવી પણ આશા હતી કે એ યુનિવર્સિટીમાં મને ટીચિંગ ફેલોશીપ અથવા સ્કોલરશીપ મળી જાય તો એ.એન્ડ ટી.ની નોકરી છોડી દઈશ અને પીએચ.ડી.નું કામ ફૂલટાઈમ શરૂ કરી દઈશ. આવા કંઈક ખ્યાલે મેં પીએચ.ડી.માં ઝંપલાવ્યું.

આ વાતની જ્યારે કાકાને દેશમાં ખબર પડી હશે ત્યારે તેમને જરૂર થયું હશે કે આ છોકરાએ વળી પાછું ભણવાનું લફરું શરૂ કર્યું. ક્યારે એ પૈસા કમાશે અને અમારા બધાનો મુંબઈની હાડમારીમાંથી છુટકારો કરશે? ક્યારે એક જગ્યાએ ઠરીઠામ થઈને રહેશે? ક્યારે પોતાના કુટુંબનો ઉદ્ધાર કરશે? હવે મારી અને નલિનીની ઉંમર ત્રીસની થવા હતી. આગળ જણાવ્યા મુજબ અમે અમારો પહેલો દીકરો મુંબઈમાં જન્મતાં સાથે જ ગુમાવ્યો હતો. એટલે અમને બન્નેને ચિંતા હતી કે હવે જે બાળક થશે તેનું પણ એવું નહીં થાય ને? અમે ડૉક્ટર પાસે ગયા. બધી ટેસ્ટ કરાવી. અને ડોકટરે કહ્યું કે તમારું બન્નેનું સ્વાસ્થ્ય સારું છે અને કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી.

એ. એન્ડ ટી. યુનિવર્સિટીમાં મને જોબ માટે કોઈ ચિંતા ન હતી. ઉલટાનું હું તો બહુ વિદ્યાર્થીપ્રિય પ્રૉફેસર હતો. આમ મારી આવક માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થયું કે હવે લાંબો સમય ગ્રીન્સબરોમાં જ રહેવાનું છે. મેં જોયું તો બીજા એક બે દેશી પ્રૉફેસરો પોતાનું ઘર લઈને વરસોથી અહીં સ્થાયી થઈ ગયા હતા. હું પણ એમ જ વિચાર કરતો હતો. થયું કે હવે અમારે કુટુંબકબીલાની શરૂઆત કરવી જોઈએ. માત્ર ચિંતા એ હતી કે અહીં અમેરિકામાં જો સંતાન જન્મે તો અમે એકલા જ છીએ, અહીં કોઈ સગાંવહાલાંની મદદ નથી મળવાની. બાળઉછેરના જે કોઈ પ્રશ્ન ઊભા થાય તે અમારે જ ઉકેલવા પડશે.

ગોરી પ્રજાનો પહેલો પરિચય

ઍટલાન્ટામાં અને ગ્રીન્સબરોમાં મારો રોજબરોજનો સંપર્ક બ્લેક લોકો સાથેનો હતો, એ રોજબરોજના વ્યવહારે મને અમેરિકન સમાજનું એક જ પાસું, અને તે પણ સંકુચિત પાસું જોવા મળ્યું. એના પર મદાર રાખીને બેસું તો મને બૃહદ અમેરિકાનું સાચું દર્શન ન મળે. અમેરિકાને મારે જોવું જાણવું હોય તો બ્લેક લોકોના નાના ખાબોચિયા જેવા સમાજમાંથી છટકીને ગોરી પ્રજાના મહાસાગરમાં તરવું જોઈએ. ગ્રીન્સબરોમાં જે રીતે હું બ્લેક પ્રજા વચ્ચે રહીને જીવું છું, રોટલો રળું છું, તેવી જ રીતે મારે ગોરી પ્રજા વચ્ચે રહેવું જોઈએ, ત્યાં નોકરી કરવી જોઈએ, તો જ એ દુનિયા હું બરાબર સમજી શકીશ. એટલા માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટના મહિનાઓમાં સમર સ્કૂલ ભણાવવાને બદલે મેં પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરવાનું વિચાર્યું.

સદ્ભાગ્યે મને એક સમરમાં જોન્સ ઍન્ડ લાકલીન નામની મોટી સ્ટીલ કંપનીમાં અને બીજા સમરમાં આઈ.બી.એમ.માં એમ ત્રણ ત્રણ મહિનાની નોકરી મળી. એ સમયે અમેરિકામાં આઈ.બી.એમ.ની બોલબાલા હતી. લોકો ત્યાં નોકરી મેળવવા પડાપડી કરે. તેના પગાર અને બેનીફીટ તો સારા જ, પણ એક વાર ત્યાં નોકરી મળી તો જિંદગીભરની નિરાંત. એ જમાનામાં આઈ.બી.એમ.માંથી લે ઓફ નહોતા મળતા. ત્યાં મને પહેલી જ વાર વ્હાઈટ લોકોની વચ્ચે અને તે પણ દેશની ઉત્તમ ગણાતી કંપનીમાં કામ કરવાની તક મળી. ત્યાં હું જોઈ શક્યો કે આવી ઉચ્ચ કક્ષાની કંપનીનું મૅનેજમૅન્ટ કેમ થાય છે.

આઈ.બી.એમ. જો અમેરિકાની એક શ્રેષ્ઠ કંપની હતી અને જેના શેરના ભાવ હંમેશ ચડતા રહેતા, તો જોન્સ એન્ડ લાકલીન સ્ટીલ કંપની ક્યારે ફડચામાં પડશે તેની લોકોને ચિંતા હતી. અમેરિકાની સ્ટીલ ઇન્ડસ્ટ્રી જાપનિઝ ઈમ્પોર્ટને કારણે મોટી તકલીફમાં હતી. આઈ.બી.એમ.માં કામ કરવા ત્રણ મહિના હું ફ્લોરીડા રહ્યો તો જોન્સ એન્ડ લાકલીન માટે પીટ્સબર્ગ રહ્યો. પીટ્સબર્ગ એ અમેરિકાની સ્ટીલ નગરી હતી. દેશની મોટી મોટી સ્ટીલ કંપનીઓ—યુ એસ સ્ટીલ, બેથલેહેમ સ્ટીલ, ઇનલેન્ડ સ્ટીલ, વગેરેના હેડ ક્વાટર્સ અને પ્લાન્ટ્સ અહીં હતાં. જો આઈ.બી.એમ.નો ઉદ્યોગ અને મૅનેજમૅન્ટ પ્રમાણમાં નવાં હતાં, તો જોન્સ એન્ડ લાકલીન કંપની અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી જૂના હતાં. આઈ.બી.એમ. લેબર યુનિયન ન હતાં. જોન્સ એન્ડ લાકલીનમાં સ્ટીલ વર્કર્સનું પાવરફુલ યુનિયન હતું.

આમ આ બે સમરમાં મને અમેરિકન ઈકોનોમીના શ્રેષ્ઠ, વિકાસશીલ, નવા ઉદ્યોગના પ્રતિનિધિ સમાન આઈ.બી.એમ. જેવી કંપનીમાં તેમ જ ભાંગી પડેલ સ્ટીલ ઉદ્યોગની તકલીફવાળી કંપની જોન્સ એન્ડ લાકલીનમાં કામ કરવાની તક મળી. આ બન્ને કંપનીઓમાં મારો રોજબરોજનો વ્યવહાર વ્હાઈટ લોકો સાથે હતો. ઍટલાન્ટા અને ગ્રીન્સબરોમાં બ્લેક લોકો સાથે રહીને વ્હાઈટ લોકો પ્રત્યેનો મારો જે અભિગમ બંધાયેલો, જે પૂર્વગ્રહો ઊભા થયેલા, તે કરતા મારો પ્રત્યક્ષ અનુભવ સાવ જુદો જ નીકળ્યો. વ્હાઈટ લોકો મને સંસ્કારી, વિવેકી, સરળ અને પરગજુ લાગ્યા. હું ઇન્ડિયાથી આવું છું, એટલે મને ખાસ મળવા આવે, ઘરે બોલાવે, પાર્ટીઓમાં નિમંત્રણ આપે, મારા ખબરઅંતર પૂછે, કશું જોઈતું કારવતું હોય તો મદદ કરે. આઈ.બી.એમ.માં તો પહેલે દિવસે મને મેનેજર પોતે આવીને ઑફિસમાં બધે લઈ ગયા, બધાની સાથે મારી ઓળખાણ કરાવી અને પછી લંચમાં લઈ ગયા. આ બન્ને જગ્યાએ જ્યારે મારા ત્રણ મહિના પૂરા થયા ત્યારે છેલ્લા દિવસે મારા માનમાં પાર્ટી રાખી હતી. મને થયું કે આઈ.બી.એમ. જેવી કંપનીમાં પરમેનન્ટ નોકરી મળે તો કેવું સારું!

નૉર્થ કેરોલિના યુનિવર્સિટી

આ કંપનીઓમાં કામ કરતાં મને અમેરિકાની બીજી બાજુની ખબર પડી, વ્હાઈટ અમેરિકાનો મને સ્વાદ લાગ્યો, કહો કે ચસકો લાગ્યો. થયું કે આ બ્લેક કૉલેજમાંથી મારે છૂટવું જ જોઈએ. એ પણ નક્કી કર્યું કે એને માટે એક જ ઉપાય છે તે પીએચ.ડી મેળવવાનો. હું જઈને તરત જ નૉર્થ કેરોલિના યુનિવર્સિટીના પીએચ.ડી. પ્રોગ્રામના બે કોર્સમાં દાખલ થયો. અઠવાડિયામાં બે દિવસ જવાનું હતું. એ બે દિવસ ત્યાં હું વિદ્યાર્થી અને બાકીના ત્રણ દિવસ એ.એન્ડ ટી.માં હું પ્રૉફેસર એમ ડબલ રોલમાં મારું શૈક્ષણિક જીવન સમાંતરે ચાલતું હતું.

ચેપલ હિલની નૉર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મને શૈક્ષણિક વ્હાઈટ અમેરિકાનો પહેલો પરિચય થયો. ત્યાં પીએચ.ડી.ના બે કોર્સ લેતા જ મને ભાન થયું કે મોટી અમેરિકન યુનિવર્સિટી કેવી હોય. ત્યાં ભણવું હોય તો કેવી તૈયારી કરવી પડે, તમારી સજ્જતા કેટલી હોવી જોઈએ. આની સરખામણીમાં ઍટલાન્ટા યુનિવર્સિટીની કોઈ ગણતરી કરવી યોગ્ય નહીં. અહીંના પ્રૉફેસરો, સાધન સગવડો, વિદ્યાર્થીઓ વગેરે અનેક કક્ષાએ ચડિયાતા. આ તો નૉર્થ કેરોલિના રાજ્યની ઉત્તમ યુનિવર્સિટીઓમાંની એક ગણાતી. મોસાળે જમણ અને પીરસવામાં મા હોય એમ રાજ્ય સરકાર પાસેથી આ યુનિવર્સિટીને મોંમાગી બધી સહાય અને ફન્ડિંગ મળે. ફૅડરલ ગવર્નમેન્ટ પાસેથી પણ ઘણી ગ્રાન્ટ મળે. એમ પણ થયું, કે નૉર્થ કેરોલિના યુનિવર્સિટી આવી છે તો હાર્વર્ડ, યેલ કે પેન કેવી યુનિવર્સિટીઓ હશે?

નૉર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મારું પીએચ.ડી.નું કામ તો પાર્ટ ટાઈમ ચાલતું હતું. પણ એ ધીમી ગતિએ ચાલતી મારી જગન્નાથની રથયાત્રા પૂરી કરતા મને સાત આઠ વરસ થઈ જાય. છતાં મારી આર્થિક પરિસ્થિતિ એવી હતી કે મારાથી એ. એન્ડ ટી.ની નિયમિત આવક જતી ન કરી શકાય. મેં અમેરિકાની બીજી મોટી યુનિવર્સિટીઓમાં તપાસ કરવાની શરૂ કરી દીધી કે જ્યાં મને એમના પીએચ.ડીના પ્રોગ્રામમાં ફૂલ ટાઈમ એડમિશન મળે અને સાથે સાથે ટીચિંગ ફેલોશીપ પણ મળે. આવી ફેલોશીપમાં બહુ ઝાઝું ન મળે, પણ તમારો ઘરખરચ જરૂર નીકળે. વધુમાં પરણેલા વિદ્યાર્થીઓને સહકુટુંબ રહેવાના અપાર્ટમેન્ટ સસ્તા ભાડે મળે. મારે એવા અપાર્ટમેન્ટની હવે ખાસ જરૂર હતી કારણ કે અમે અમારા પ્રથમ સંતાનની રાહ જોતા હતા.

વળી પાછા આપણે તો એપ્લીકેશનના ધંધે લાગી ગયા. અમેરિકાના થોડા વસવાટ પછી હવે મને ખબર હતી કે ક્યાં એપ્લાય કરવું અને ક્યાં ન કરવું. દેશમાંથી કશું જોયા જાણ્યા વગર જારેચાને કારણે ઍટલાન્ટા યુનિવર્સિટીમાં આવી પડ્યો એવું તો હવે નહોતું થવાનું. છતાં હાર્વર્ડ, યેલ કે પેન જેવી સર્વોચ્ચ યુનિવર્સિટીઓમાં એપ્લાય કરવાનું મેં ટાળ્યું કારણ કે મને ખબર હતી કે એવી જગ્યાએ આપણો નંબર લાગે જ નહીં. એવી ટોપ યુનિવર્સિટીઓ નીચેની મધ્યમ કક્ષાની યુનિવર્સિટીઓમાં અપ્લાય કર્યું. ખ્યાલમાં રાખ્યું કે યુનિવર્સિટી જાણીતી હોવી જોઈએ અને મારા ક્ષેત્ર ઍકાઉન્ટિંગમાં તો ખાસ એની રાષ્ટ્રીય સ્તરે ગણતરી થવી જોઈએ. અને વધુ અગત્યની વાત કે એ કે મને ત્યાં સસ્તા ભાવે અપાર્ટમેન્ટ અને ફેલોશીપની માસિક આવક મળવી જોઈએ. દક્ષિણના લુઈઝીઆના રાજ્યની યુનિવર્સિટીએ કહ્યું કે આવી જાવ. તમારી બધી વ્યવસ્થા અમે કરીશું. આપણે તો ખુશખુશાલ! તરત હા લખી. એ. એન્ડ ટી.માં ડીનને કહી દીધું કે આવતા સપ્ટેમ્બરમાં હું પીએચ.ડી.નો અભ્યાસ ફૂલટાઇમ શરૂ કરવાનો છું. કૉલેજનું વર્ષ પૂરું થતાં વળી પાછા ડેરા તંબૂ ઊપાડીને આપણે ચાલ્યા બેટન રુજ!