કથાલોક/અતિરંજક આલેખન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦
અતિરંજક આલેખન

‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાતોમાં એક જલદ કથારસ રહેલો છે. શુદ્ધ સાહિત્ય અને લોકવાયકાઓ-કિંવદંતીઓને સીમાડે ઊભેલા એ કિસ્સાઓમાં શૌર્ય અને સમર્પણ, ઝિંદાદિલી ને જાનફેસાનીની વાતો વાચકને જકડી રાખે છે. આ પ્રકારની કથાઓને અંગ્રેજીમાં ‘ફોકલોર’ (‘ફોક લિટરેચર’ નહિ) કહે છે. લોકસાહિત્ય નહિ, પણ લોકવાતો. એના શ્રવણ–પઠન વેળા સ્વેચ્છાએ નહિ પણ અનિચ્છાએ અશ્રદ્ધાની મોકૂફી રાખવી પડે. શ્રદ્ધાની ઇન્દ્રિયને સંપૂર્ણપણે બધિર બનાવી દીધા વિના આ વાતોનો આસ્વાદ માણી જ ન શકાય. પિતાંબર પટેલની નવલકથા ‘ધરતીનાં અમી’ વાંચતાં વાંચતાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ની સાર્થનામ વાર્તાઓ સાંભરી આવી. આમ તો આ નવલકથાને લેખકે ઉત્તર ગુજરાતની ઠાકરડા કોમની કથા ગણાવી છે. પણ એવી પ્રાદેશિક કથાનો આસ્વાદ માણવા આતુર થઈને કોઈ વાચક આ કથા વાંચવા પ્રેરાશે તો નિરાશ થશે, કેમ કે, આ વાર્તામાંનાં રતનપુર કે સોનાપુર ગામ આમ તો ભારતભરનાં સાત લાખ ગામડાં જેવાં જ એકસરખાં લાગે છે. બજારુ સિનેમા–બોલપટોમાં આવતાં ગામડાં જેવાં આ ગામોને પોતાની નિજી પ્રાદેશિકતા કહી શકાય એવી કોઈ લાક્ષણિકતાઓ લેખક ઉપસાવી શક્યા નથી. ‘લોકજીવનનું અમી પી પાંગરેલી આ કથામાં મેવાસમાં ગવાતાં ગીતોનો ઉપયોગ કર્યો છે’, એવા લેખકના નિવેદનમાં અર્ધસત્ય જ હશે. આ વાર્તામાં તો મેવાસનાં જ નહિ પણ તળગુજરાતના એકેએક પ્રદેશનાં અને કાઠિયાવાડ–સૌરાષ્ટ્રનાં પણ વિવિધ વિસ્તારોનાં લોકગીતો, ભજનો આદિ છૂટી કલમે વેરાયાં છે. એનાં પાત્રોના સંવાદોમાં પણ ‘ચ્યમ’ અને ‘ઓલ્યો’ જેવા પ્રયોગો લગભગ જોડાજોડ જ આવતા હોય છે તેથી આ રચનાને કોઈ વિશિષ્ટ પ્રાદેશિક વ્યક્તિત્વ સાંપડી શકતું નથી. લેખકે જે ઠાકરડા સમાજનું ચિત્રણ કર્યું છે એ વિરહગીતો મેવાસનાં ગાય છે, ભજનો કાઠિયાવાડનાં લલકારે છે. તો લગ્નગીતો સૂરતી નાગરોનાં ને સૌરાષ્ટ્રી વણિકોનાં ગાય છે. ૨૯૨ પાનાંની નવલકથામાં ખાસ્સી સિત્તેર વાર ગીતોનો—અથવા લેખકનો પોતાનો પ્રિય શબ્દ વાપરીએ તો ‘ગાણાં’નો—ઉપયોગ થયો હોવાથી આવી વર્ણસંકરતા ઊભી થઈ હશે. આખાયે લખાણમાં ગદ્ય જોડે પદ્યનો ઉપયોગ એટલો બધો થયો છે કે કોઈ કોઈ વાર તો ગદ્યકૃતિ વાંચવાને બદલે બ્રોડવે પરનું કોઈ બજારુ ‘મ્યૂઝિકલ’ સાંભળતાં હોઈએ એવો અનુભવ થાય છે. ઘણાખરાં ભાવો અને સ્પંદનોમાં તૈયાર અને ચીલાચાલુ કહેવાય એવા ‘સ્ટૉક રિસ્પોન્સ’નો જ અહીં આશ્રય લેવાયો છે. પછી એ ભાવોર્મિઓ પ્રેમની હોય, વિરહની હોય. વૈરાગ્યની હોય કે વૈરતૃપ્તિની હોય. મૂળ રંગો જેવા આ મૂળભૂત ભાવાવેશોનાં ઉપરચોટિયાં સપાટિયાં આલેખનથી જ લેખકે સંતોષ માન્યો છે. લગભગ આખી કથાની તાંત અતિરંજક ‘મેલોડ્રામા’ની કક્ષા ઉપર વાગતી હોવાથી, અને એનો સમ આરંભથી જ અતિ ઊંચો હોવાથી ઝાઝા આરોહઅવરોહ કે સૂક્ષ્મ પલટાઓ માટે એમાં અવકાશ જ નથી રહેતો. ભાવાવેગોનું આલેખન એકસૂરીલું ને ચીલાચાલુ છે એટલું જ નહિ, એ માટે યોજાતી ભાષા અને ઉપમા–અલંકારાદિ શબ્દાવલિઓમાં પણ ભયંકર એકવાક્યતા અને પુનરાવર્તનો જોવા મળે છે. કથાનાયિકા રૂપાને લેખક ‘ઢેલડી જેવી’ (પૃ. ૨૭) કહે છે. પછી આગળ જતાં, ‘મોરની કળા પાછળ ઢેલ ગાંડી બને એમ રૂપા તો ગાંડી બની રહી હતી’ (પૃ. ૩૯) કહે છે. ‘ઢળકતી ઢેલ જેવું એનું રૂપ મેવાસમાં ક્યાં જોવા મળે એવું હતું?’ (પૃ. ૪૭) સૌન્દર્યવર્ણનમાં લેખકે ઢેલ–ઢેલડી ઉપરાંત પ્રાણીસૃષ્ટિની અન્ય માદાઓનો પણ ઉપયોગ કર્યો છે. રૂપાને એમણે ‘કુંજલડી જેવી’ (પૃ. ૩૭) પણ કહી છે. ઉપરાંત ‘રૂપાનો સિંહણ જેવો સીનો’ (પૃ. ૮૭) વર્ણવ્યો છે. કથાનાયક વીરાજીને એમણે ‘કળાયેલ મોર જેવો કામણગારો અને વનરાજ જેવો પ્રતાપી’ (પૃ. ૬) કલ્પ્યો છે. આ નાયક આજાનબાહુ પણ હોવો જોઈએ, કેમ કે, લેખકે એના ‘અજગર જેવા લાંબા હાથ’ (પૃ. ૪)ની વિગત આપી છે. ઉપમા આદિની યોજનામાં લેખકે પ્રાણીઓ પ્રત્યે વિશેષ પક્ષપાત દાખવ્યો છે. ગલબા કુંભારની ‘રંગીલી, અલબેલી, રસીલી સ્ત્રી’ જીવલીની આંખમાં ‘જોબનના ભોરિંગ ફણા ચડાવીને બેઠેલા દેખાતા’ (પૃ. ૫૦). આમાં ‘કળાયેલ’ શબ્દપ્રયોગ એ લેખકની સબળમાં સબળ નબળાઈ જણાય છે. રૂપાની ‘કળાયેલ રૂપછટા’ (પૃ. ૪૭) માટે તેઓ અવારનવાર એ શબ્દ વાપરે ત્યાં સુધી તો એ સહ્ય ગણાય પણ ‘કળાયેલા હાથી’(પૃ. ૯૭)ની વાત કરે ત્યારે એ ચિત્ર મગજમાં કંડારવું મુશ્કેલ બની રહે છે. ‘આંખલડી’ કે ‘કુંજલડી’ જેવા પતલી–કમર–લચકાતા શબ્દપ્રયોગો તૈયાર લોકગીતોમાં કે દુહાઓમાં આવે ત્યાં સુધી તો ક્ષમ્ય ગણાય. પણ લેખક પોતે જ્યારે કથામાં સીધું વર્ણન કરતા હોય ત્યારે પણ ‘અંતરની આંખલડી’ (પૃ. ૬૭) કહે કે ‘હૈયાની વાતલડી’ (પૃ. ૭૪) કહે, પોતે જ રૂપાને એ ‘કુંજલડીની પેઠે ગીત ગણગણતી હતી’ (પૃ. ૧૯૭) એવું વર્ણન કરે કે ‘એક એની જીભલડી જ નહિ, એનું સમસ્ત અસ્તિત્વ જાણે વીરાજી...વીરાજી...ના નામને પોકારી રહ્યું’ (પૃ. ૨૧૧) એમ લખે ત્યારે પેલી વિખ્યાત સાક્ષર–વિડંબના ‘ભેંસલડી’ની યાદ તાજી થયા વિના રહેતી નથી. કથાની લખાવટમાંની આવી કાવ્યાભાસી શબ્દાવલિઓનાં બેહદ પુનરાવર્તાનો વાસ્તવમાં તો એક વધારે ગંભીર બાબત તરફ આંગળી ચીંધે છે. આ કથામાં માત્ર ભાવાવેશો અને સંવેદનો જ ઉછીઉધારિયાં નથી, આખેઆખાં પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, ગૂંચો સુદ્ધાં જુદા જુદા પુરોગામીઓની કથાઓમાંથી માગી આણ્યાં છે. મહાદેવનું મંદિર, મેળો, ચગડોળ, બજાર, હટાણું, છૂંદણાં ત્રોફાવતી ગોરીઓ અને બંગડી–ફૂમતાં વહોરતી યુવતીઓ, પંચાત કરવા મળતાં પંચનાં માણસો, વગેરે દૃશ્યો અને પરિસ્થિતિઓ ગુજરાતી વાચકોને હવે એવાં તો અતિપરિચિત થઈ ગયાં છે કે એનાં સામ્ય શોધી બતાવવાનીયે જરૂર નથી રહી. મુનશીનાં પ્રતાપી પુરુષ–પાત્રોની પેઠે પ્રાદેશિક નવલકથાઓએ પ્રતાપી ‘સિંહણ જેવા સીનાવાળી’ નાયિકાઓ અને ‘ભીરુ’ નાયકોની જે નવીન પરિપાટી શરૂ કરેલી એની સઘળી કલાત્મક શક્યતાઓ ક્યારની ખૂટી ગઈ છે. હવે એ ચવાઈ ચવાઈને ચૂંથો થઈ ગયેલી વાતને ફરીફરીને પીરસવાનો પ્રયત્ન હાસ્યાસ્પદ લાગે છે. અને છતાં પિતાંબર પટેલે ‘પ્રિફેબ’ જેવાં તૈયાર મકાનોની પેઠે આ નવલકથાની સંકલના કરી બતાવી છે એ કેટલાક પ્રાકૃત વાચકોને અવશ્ય ગમશે, કેમ કે એમને આમાં અતિરંજક લોકકથા જેવો વાર્તારસ મળી રહેશે. વિવેકી વાચકોને આમાં લેખકની મૌલિક સર્જકતા કરતાં અહીં તહીંથી એકઠાં કરેલાં વિવિધ અંગોપાંગોનું સંકલન કરનારી શક્તિનાં દર્શન વિશેષ થશે. યંત્રોદ્યોગની પરિભાષામાં કહીએ તો પિતાંબરની પ્રતિભા પ્રોડકશન યુનિટ કરતાં એસેમ્બલીંગ પ્લાન્ટની યાદ વધારે આપે એવી છે. પ્રાદેશિક નવલકથા શી રીતે ન લખવી એ જાણવા માટે પણ આ નવલકથા અભ્યાસવા જેવી છે. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ એક સાર્થનામ અને સમર્થ પ્રાદેશિક નવલકથા હતી. ‘વેવિશાળ’માં પણ સૌરાષ્ટ્રના પીપળલગથી માંડીને મુંબઈ સુધીનાં યથાર્થલક્ષી વફાદાર આલેખનો હતાં : પરંતુ મેઘાણીના અનુગામીઓએ યથાર્થદર્શનને નામે ગામડાને જે આડું ને ઊભું વહેરવા માંડ્યું અને એમાં સંવનન, પ્રણય, પરિણય અને વિરહનાં ઓઠાં તળે છાકટા શૃંગારનાં જે લાલભડક ચિત્રો દોરવા માંડ્યાં એથી તો ‘તુમ મેરી, તુમ મેરે......’ ગાનારાં પેલાં સિનેમાવાળાઓ પણ શરમાઈ ઊઠે. ‘ધરતીનાં અમી’માં પ્રાદેશિક નવલકથાના પ્રચલિત વિષય પરકિયા–પ્રેમનું આલેખન નથી. એ એક જબરી રાહતનો અનુભવ બની રહી છે. છતાં રૂપા અને વીરાજી વચ્ચેના પ્રેમ, પરિણય, વિયોગ અને અંતે વીરાજીને જ રૂપાં ફૂંકી મારે —‘મધર ઇન્ડિયા’ ચલચિત્રની ઢબે—એ બધાં આલેખનો સિનેમાશાઈ કરતાંયે ચડે એવાં અતિનાટકી લાગે છે. પ્રાદેશિક નવલકથાઓનાં કઢંગાં આલેખનોમાં આ નવલકથા હવે અંતિમ સેપાન બની રહે એમ ઇચ્છીએ. ગ્રામજીવનની નવલકથાઓ તો ગંદાગોબરા ગદ્યમાં જ લખાય એ ભ્રમ પણ હવે સવેળા દૂર થાય એમ ઇચ્છીએ. અગાઉ આપણા એક લબ્ધપ્રતિષ્ઠ લેખકે ‘મસલ’ શબ્દ સ્નાયુના અર્થમાં, શુદ્ધ ગુજરાતી સમજીને વાપરેલો. ‘ધરતીનાં અમી’ના લેખક પણ ‘દારુ માટે રેડ પાડેલી’ (પૃ. ૬૬) કહીને RAID શબ્દ શુદ્ધ ગુજરાતી તરીકે યોજે છે. એ જ રીતે, ‘કોઈ ચેલેન્જ આપી રહ્યું હોય’ (પૃ. ૧૦૩) ‘સિગારેટનો ટેશ કરતાં કરતાં’ (પૃ. ૨૮) જેવા પ્રયોગો તથા ‘બે નાળીઆરી’ કે ‘ધડમૂળથી’ જેવા ખોટા શબ્દો આ કથાની લખાવટને છાપાળવી કક્ષાથી ઊંચે આવવા દેતી નથી. ગુજરાતી ગદ્ય હજી તો ભાંખોડિયાં ભરતું હતું ત્યારે ગોવર્ધનરામ ‘સરસ્વતીચન્દ્ર’ જેવી ધરખમ નવલકથા આપી ગયેલા. આજે ગદ્યની ઇબારત અસાધારણ ગુંજાયશ ધરાવે છે છતાં સત્ત્વશીલ નવલકથાઓ કેમ નથી નીપજતી? એપ્રિલ ૨, ૧૯૬૩