કળા, સાહિત્ય અને વિવેચન/કૃતિવિવેચનનું સ્વરૂપ અને કાર્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિવિવેચનનું સ્વરૂપ અને કાર્ય

‘વિવેચન’ સંજ્ઞાનો આપણે અનેક વાર શિથિલપણે જ ઉપયોગ કરતા હોઈએ છીએ એમ મને લાગે છે. કેટલીક વાર એ સંજ્ઞાને સ્પષ્ટપણે અને સભાનપણે કોઈ એક કૃતિ, કૃતિસમૂહ, કર્તા કે સાહિત્યપ્રકાર આદિને લગતી ચર્ચાવિચારણા સૂચવવા ઉપયોગમાં લઈએ છીએ; બીજા કેટલાક પ્રસંગે એ સંજ્ઞાથી કેવળ સાહિત્યતત્ત્વની ચર્ચા અભિમત હોય એમ જણાશે. પણ એ સિવાય ઘણી વાર આ બંને પ્રકારની પ્રવૃત્તિઓ વિશે વક્તાના મનમાં સંદિગ્ધપણે ખ્યાલ રહ્યો હોય એમ પણ જોવા મળશે. (ક્યારેક તો સાહિત્ય વિશેનાં સંશોધનાત્મક લખાણો અને અને એવાં બીજાં શાસ્ત્રીય અધ્યયનો પણ વિવેચનની સંજ્ઞામાં સમાવી લેવાયાં હોય એવું જોવા મળશે.) પણ સાહિત્ય વિશેનાં લખાણોમાં પ્રયોજનો અને પદ્ધતિઓ પરત્વે સારું વૈવિધ્ય રહ્યું છે એ હકીકત અવગણી શકાય તેમ નથી. ‘વિવેચન’ સંજ્ઞાથી કૃતિવિવેચન અને સિદ્ધાંતચર્ચા બંનેનો વ્યાપક ખ્યાલ સૂચવાય છે; અને હકીકતમાં એ બંને પ્રવૃત્તિઓ જુદી જ ભૂમિકા પર ચાલે છે. અલબત્ત, એ બંનેને પરસ્પરથી અલગ કરી શકાય નહિ. કૃતિવિવેચન(કે કર્તાવિવેચન)ના ઇતિહાસમાં વિવેચકોએ પ્રસ્તુત કૃતિ(કે કર્તા)ની ચર્ચાવિચારણાના ભાગ રૂપે યથાવકાશ કોઈ ને કોઈ તાત્ત્વિક પ્રશ્નને છેડ્યો હોય એવાં અસંખ્ય દૃષ્ટાંતો મળી આવશે. બીજી બાજુ, સાહિત્યની તાત્ત્વિક ચર્ચા કરનારા વિદ્વાનો પોતાના મુદ્દાના પ્રતિપાદન અર્થે વારંવાર સાહિત્યકૃતિને ચર્ચામાં ખેંચી આણતા હોય છે. હકીકતમાં, કૃતિવિવેચન અને સાહિત્યના સ્વરૂપની વિચારણાઓને ક્યાંક ગહન સ્તરે સંબંધ રહ્યો હોય છે જ. એરિસ્ટોટલે ગ્રીક ટ્રૅજડિઓને જ કેન્દ્રમાં રાખી પોતાનું કાવ્યશાસ્ત્ર રચ્યું હતું એ તો જાણીતી વાત છે. એ કાવ્યશાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલો ‘અનુકરણ’નો ખ્યાલ સૈકાઓ સુધી સાહિત્યવિવેચનમાં નિર્ણાયક બની રહ્યો એ પણ એટલી જ જાણીતી વાત છે. યુરોપ ઇંગ્લૅંડમાં રંગદર્શિતાવાદનું આંદોલન આરંભાયું તેની સાથે રંગદર્શી કવિતાનો સમૃદ્ધ ફાલ મળ્યો. પણ તે સાથે વળી કાવ્યશાસ્ત્રની ભૂમિકા બદલાવા પામી. તાત્પર્ય કે સાહિત્યની તાત્ત્વિક વિચારણાઓ આ કે તે યુગના નમૂનાઓને નજરમાં રાખીને વિકસતી હોય છે. બંને વચ્ચેનો સંબંધ, આમ અત્યંત માર્મિક રહ્યો છે. અને છતાં કૃતિવિવેચન અને સિદ્ધાંતચર્ચા એ બે પ્રવૃત્તિઓ, એનાં પ્રયોજન અને પદ્ધતિઓ પરત્વે ક્યાંક જુદી પડે જ છે. ‘કૃતિવિવેચન’ એ સંજ્ઞામાં આવતી ‘વિવેચન’ સંજ્ઞાને આપણે એના વ્યાપક અર્થમાં લેવા ચાહીએ છીએ. સાહિત્યકૃતિનું વર્ણન, વિવરણ, અર્થઘટન અને મૂલ્યાંકન એ બધી પ્રવૃત્તિઓ આપણે એમાં સમાવી લઈશું. આ વિષયના અભ્યાસીઓ એ વાતથી સુપરિચિત છે કૃતિવિવેચનના કાર્ય પરત્વે પાશ્ચાત્ય વિવેચકો અને અભ્યાસીઓમાં ઠીક ઠીક દૃષ્ટિભેદ રહ્યો છે. એક વર્ગ એમ માને છે કે વિવેચકનું ખરું કાર્ય કૃતિના વર્ણન, વિશ્લેષણ અને અર્થઘટનમાં સમાઈ જાય છે; કૃતિના મૂલ્યાંકનની પ્રવૃત્તિ એ રીતે આગંતુક છે અને વિવેચનનો એ અનિવાર્ય ભાગ નથી. આજની સાંસ્કૃતિક પરિસ્થિતિમાં કૃતિનું મૂલ્યાંકન અશક્ય નહિ તોયે લગભગ અશક્ય છે, એમ પણ કેટલાક માને છે. બીજી બાજુ વિવેચન એટલે જ કૃતિનું મૂલ્યાંકન એમ માનનારો પણ એક મોટો વર્ગ દેખાય છે. કૃતિનું વિવરણ અને અર્થઘટન તો મૂલ્યાંકન માટેની અનિવાર્ય ભૂમિકા હોઈ શકે; મૂલ્યાંકન હાથ ધર્યા વિના વિવેચનનું સાચું કાર્ય પૂરું થાય નહિ એવું તેઓ માને છે. આપણા આ લખાણમાં ‘વિવેચન’ના એક મહત્ત્વના કાર્ય લેખે મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. એક વિકસિત વિદ્યાશાખા તરીકે વિવેચનની પ્રવૃત્તિનો સ્વીકાર કરીએ અને પ્રાણપ્રતિષ્ઠા કરીએ, એટલે એમાં એમ સૂચિત રહ્યું હોય છે કે આ એક સભાનપણે અને ચોક્કસ ઉદ્દેશ-(કે ઉદેશો)ને અનુલક્ષીને ચાલતી પ્રવૃત્તિ છે, અને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલે છે. ભાષામાં અને ભાષારૂપે વિવેચનની પ્રક્રિયા ચાલે છે. તેથી જ તો એક અલગ વિદ્યાવિષય લેખે એના આગવા પ્રશ્નો અને પદ્ધતિઓનો વિચાર કરવાનું અનિવાર્ય બની ગયું છે. એટલે, કૃતિ, કર્તા કે સાહિત્યકાર જેવા કોઈ પણ મુદ્દા પરત્વે જે કંઈ ભાષામાં કહેવાયું હોય તે જ અહીં લક્ષમાં લઈશું. કૃતિ વિશેનો પ્રતિભાવ જ્યાં સુધી ભાવકમાં અવ્યક્ત રહે, ભાષાનાં વિધાનો રૂપે વ્યકત ન થાય, ત્યાં સુધી એ એક અંગત બાબત રહે છે, એવો પ્રતિભાવ પૂરો સ્પષ્ટ હોય કે ન પણ હોય, એની પાછળ નક્કર તાર્કિક ભૂમિકા હોય અથવા ન પણ હોય; ગમે તે હો, આવા પ્રતિભાવને સંક્રમણક્ષમ વાણીરૂપ મળ્યું નથી એટલે વિવેચનના ક્ષેત્રમાં એને સ્થાન ન હોય. અલબત્ત, વ્યક્તિગત રીતે એને રસાનુભવ થયો હોય તેનું પોતીકું મૂલ્ય સંભવે છે. પણ ભાવકના ચિત્તમાં ચાલતી આસ્વાદની પ્રક્રિયા – અને આ પ્રક્રિયાનું વિશુદ્ધ રૂપ જ અહીં અભિપ્રેત છે – એ પોતે વિવેચન નથી. કવિતા વાંચતાં, વિશેષતઃ નવલિકા અને નવલકથા માણતાં, ભાવક અનેક બિંદુએ કૃતિ વિશેનો પ્રતિભાવ ઉચ્ચારતો રહેતો હોય છે. પણ આસ્વાદની પ્રક્રિયાની સાથોસાથ કે સમાંતરે ચાલતી આ પ્રવૃત્તિમાં વિવેચનના ‘અંકુરો’ મળી આવે, પણ એય સુવિકસિત પ્રવૃત્તિ નથી જ. વિવેચનના પ્રશ્ને સુંદરમે એક સ્થાને એમ કહ્યું છે કે કોઈ સાહિત્યકૃતિ વાંચતાં ભાવક બગાસું ખાય, તો એ પણ એક પ્રકારનું વિવેચન જ કહેવાય. સુંદરમ્‌ને અહીં એમ અભિપ્રેત છે કે બગાસું ખાવાની ક્રિયામાં કૃતિની નીરસતા સૂચવાઈ જાય છે (જોકે ભાવકને પક્ષે અન્યથા શારીરિક પરિશ્રમ પણ બગાસાનું કારણ હોઈ શકે છે) પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે આ પ્રકારની શારીરિક ચેષ્ટા તે ‘વિવેચન’ની પ્રવૃત્તિ નથી. વળી, એમ બને કે અત્યંત રસિક કૃતિ વાંચતાં ભાવક ભાવવિભોર બનીને ‘Fine!’ ‘Wonderful!’ જેવા આનંદના ઉદ્‌ગારો કાઢે તો તે પણ વિવેચનની સાચી પ્રવૃત્તિ નથી. એમાં વિવેચન માટેનાં સુષુપ્ત બીજ જોઈ શકાય કે વિવેચન માટે આવશ્યક સંયોગો એમાં જોઈ શકાય. પણ કૃતિ વિશે સભાનપણે અને ચોક્કસ ઉદ્દેશને અનુરૂપ ચિંતનમનન કરવાનો આરંભ એમાં થયો નથી. વિવેચન એ કંઈ કેવળ સહજ ઉદ્‌ગારરૂપ પ્રવૃત્તિ નથી, ગંભીર વૃત્તિથી ઉત્તરદાયિત્વની સભાનતાથી, વારંવાર પ્રયોજનને અનુરૂપ એવી શૈલી, અભિગમ કે પદ્ધતિની સમજથી પ્રેરાયેલી એ વિદ્યાકીય પ્રવૃત્તિ છે. રસાનુભૂતિ, અલબત્ત, વિવેચનની એક અત્યંત મહત્ત્વની પૂર્વશરત છે. રસની સંતૃપ્તિ કે પરમ આહ્‌લાદ કે વિશિષ્ટ રહસ્યબોધની પ્રેરણા વિવેચન માટેનું ઉદ્‌ભવકારણ બને – અને કૃતિની સંતર્પક સમૃદ્ધિ જ્યાં પ્રેરક બને છે ત્યાં વિવેચક વધુ માર્મિક બની આવવા સંભવ છે – પણ રસાનુભૂતિ સ્વયં વિવેચનની પ્રવૃત્તિ નથી. (આજે આપણે ત્યાં કવિતાનાં રસલક્ષી વિવરણો માટે ‘આસ્વાદ’ શબ્દ પ્રચલિત બન્યો છે પણ ભાવકનો આસ્વાદ જે કેવળ રસાનુભવની પ્રક્રિયા છે, તેથી આ રસલક્ષી વિવેચનનું સ્વરૂપ અને કોટિ નિરાળાં જ છે.) રસાનુભવમાં લીન બનેલા ભાવકની ચેતના કૃતિનાં વિભાવાદિને આધીન બને છે, એ વિભાવાદિને અનુરૂપ એ ચેતના વિકસતી અને વિસ્તરતી રહે છે પણ રસબોધની પ્રક્રિયામાં – વિશુદ્ધતમ ક્ષણોમાં – ભાવકનો પ્રમાતા બૌદ્ધિક પ્રશ્નો કરતો નથી. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, કથાસાહિત્ય વાંચતાં કે નાટક જોતાં ભાવકને વચ્ચે વચ્ચે ટીકાટિપ્પણી કરવાની પ્રબળ ઇચ્છા થઈ આવે. પણ આ પ્રવૃત્તિને રસકીય ચેતનાના ક્ષેત્રની બહારની ગણવી જોઈએ. રસાનુભવની ચૈતસિક પ્રક્રિયા પોતે કંઈ બૌદ્ધિક ખોજની પ્રક્રિયા નથી, રસાનુભવમાં જે અત્યંત સૂક્ષ્મ ચૈતસિક પ્રક્રિયા ચાલે છે, તે બૌદ્ધિક વ્યાપારોથી પર એવી ઘટના છે. ‘વિવેચન’ નામની પ્રવૃત્તિ રસાનુભૂતિ સાથે જીવંત અનુસંધાન ધરાવતી હોવા છતાં ભિન્ન સ્વરૂપની પ્રવૃત્તિ છે. એમાં વિવિધ પ્રયોજન અલગપણે કે એકસાથે કામ કરી રહ્યાં હોય છે. કૃતિનું જે કંઈ ગૂઢ રહસ્ય પ્રતીતિમાં આવ્યું હોય તેનો ભાવકને પરિચય કરાવવો, કૃતિના એ ગહન રહસ્યની નિષ્પત્તિમાં કયાં કયાં ઘટકો કેવી રીતે સમર્પક બન્યાં છે તે બતાવવું, કૃતિનાં અનેકવિધ તત્ત્વોમાંથી સુરેખ આકૃતિની ખોજ કરી આપવી, કૃતિમાં રજૂ થયેલા ભાવ, અર્થ કે વિચારનું મૂલ્ય બતાવવું કે તેની સમીક્ષા કરવી, સમગ્રતયા કૃતિનું મૂલ્ય નિર્ણીત કરવું અને સાહિત્યની પરંપરામાં તેનું સ્થાન બતાવવું – આવાં અનેકવિધ પ્રયોજનો વિવેચનમાં સક્રિય બનેલાં બતાવી શકાય. મહત્ત્વનો મુદ્દો એ છે કે વિવેચન જો સાહિત્યની કૃતિ વિશેનો વિચારવિમર્શ છે, તો એમાં ભાવકની-વિવેચકની બૌદ્ધિક પ્રવૃત્તિઓને અત્યંત મહત્ત્વનું સ્થાન છે. અત્યારના સૌંદર્યમીમાંસકો વિવેચનને સાહિત્યવિષયક જ્ઞાનોપલબ્ધિની પ્રવૃત્તિ લેખે સ્વીકારે છે. વિવેચનાત્મક લખાણ એ કૃતિનો કેવળ ‘અનુ-વાદ’ નથી, પણ પ્રસ્તુત કૃતિ વિશેનું એક વિશેષ રૂપનું વિમર્શન છે. વિવેચનમાં મૂળ કૃતિના સૌંદર્યબોધનું સ્મૃતિ રૂપે આકલન અનિવાર્ય ખરું, પણ આકલનમાં વિવેચનપ્રવૃત્તિ આરંભાઈ જતી નથી. કૃતિના ગહન ‘અર્થ’ની ખોજ કરતાં કરતાં, એ ‘અર્થ’માં સમર્પક બનતાં ઘટક તત્ત્વોની અલગ અલગ સમર્પકતા વિચારતાં, તેમજ સમગ્રતયા એ સર્વનું સામુદાયિક કાર્ય ધ્યાનમાં લેતાં સમગ્ર રચનાની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ પણ એની સાથે અપેક્ષિત છે. બલકે, રસાનુભવની સંતર્પકતામાં જ કૃતિની ગુણસમૃદ્ધિ, એનું સામર્થ્ય કે પ્રભાવકતાનો અણસાર મળી જતો હોય છે. વિવેચન કૃતિના રસાનુભવને અનુલક્ષતું છતાં એના રસકીય ક્ષેત્રની બહાર આવી એનું વિમર્શન કરે છે. સાહિત્યકૃતિનો રહસ્યસભર અનુભવ સ્વયં હવે વિવેચનનો વિષય બની રહે છે. અનુભવની ક્ષણોમાં જે કેવળ ચૈતસિક ઘટના રૂપે હતું તેને વિશે હવે વિચારવિમર્શ આરંભાય છે અને એમાં કૃતિવિવેચનના પ્રાચીન અર્વાચીન અનેક વિભાવોનો ઉપયોગ થવા લાગે છે. કૃતિમાં જે કંઈ ગહન ‘અર્થ’ રહ્યો હોય, તેને માટે સર્જકની ભાષાકીય અભિવ્યક્તિ સિવાય બીજા કોઈ ભાષાકીય સંદર્ભો પર્યાપ્ત ન નીવડે. વિવેચનનો હેતુ જો માત્ર સર્જકના રહસ્યબોધને અખિલાઈમાં ફરીથી ઝીલવાનો હોય તો તો કૃતિનું મૂળનું સંવિધાન જ જોઈએ. પણ વિવેચનનો હેતુ (કે હેતુઓ) એથી કંઈક ભિન્ન છે. જે કંઈ રહસ્યમય છે, વ્યંજનારૂપ છે, તેને વિવેચન હવે સ્પષ્ટ રૂપમાં ઓળખવા ચાહે છે અને કૃતિના રસાનુભવમાં પ્રતીત થતું સંવેદન હવે ચોક્કસ સંજ્ઞાથી ઓળખાવવાનો પ્રયત્ન થાય છે. બલકે, એ સંવેદન પરત્વે વિવેચકનો પોતાનો જે આગવો પ્રતિભાવ જાગ્યો હોય, તેનું વિશ્લેષણ અને વિવરણ પણ તે આરંભે છે અને કૃતિ વિશે વાત કરતાં સભાનપણે કે અભાનપણે તેના મૂલ્યાંકનનો નિર્દેશ પણ તેમાં આવી જાય એમ બને. કૃતિઓ વિશેનાં અત્યંત નોંધપાત્ર ગણાતાં વિવેચનોની ભાષાનું અવલોકન કરતાં જણાશે કે એમાં જુદા જુદા સ્તરની, જુદા જુદા પોતની અનેકવિધ ‘ભાષા’નો વિનિયોગ થવા પામ્યો હોય છે. એમાં એક છેડે કૃતિના મૂળ સજીવ અનુભવની નિકટ રહીને ભાવક પોતાના આહ્‌લાદને વ્યક્ત કરવા પ્રવૃત્ત થાય, તો બીજે છેડે કૃતિના ‘અર્થ’ વિશે જીવનના વ્યાપક સંદર્ભમાં બૌદ્ધિક તપાસ કરવા પ્રવૃત્ત થાય એમ પણ જોવા મળે. રહસ્યસભર અનુભવ, અલબત્ત, કૃતિના રૂપમાં પરિબદ્ધ છે. એટલે એ રૂપનિર્માણની પ્રક્રિયા અને તેના પ્રશ્નોનો વિચાર કરવા પણ પ્રેરાય એમાં યથાવકાશ કળાના તાત્ત્વિક મુદ્દાની ફેરતપાસ પણ કરી લેવાતી હોય. એ જ રીતે કૃતિનો સાહિત્યપ્રકાર, પરંપરા, કર્તાનું મનોગત, યુગની સાંસ્કૃતિક આબોહવા આદિ પ્રશ્નોય સ્પર્શતા હોય. શેક્સપિયરની કૃતિ ‘હેમ્લેટ’ વિશે પશ્ચિમના વિદ્વાનોએ અસંખ્ય વિવેચનો લખ્યાં છે તેનો સમગ્રતયા ખ્યાલ કરીએ તો પણ કૃતિવિવેચનના વ્યાપમાં સ્પર્શાતા અપારવિધ મુદ્દાઓનો કંઈક ખ્યાલ આવે. ‘હેમ્લેટ’ના કરુણ રહસ્ય નિમિત્તે હેમ્લેટના વર્તનનો પ્રશ્ન, ‘હેમ્લેટ’ની ક્રિયા અને વસ્તુગૂંથણીનો પ્રશ્ન, ‘હેમ્લેટ’ની પાત્રસૃષ્ટિ, ‘હેમ્લેટ’નાં મૂળ સ્રોતો અને શેક્સપિયરે તેમાં કરેલા ફેરફારોનું ઔચિત્ય, ‘હેમ્લેટ’ની વાચનાની શુદ્ધિ, શેક્સપિયરના યુગની રંગભૂમિ અને તેની પ્રણાલિકાઓ, શેક્સપિયરના યુગની રાજકીય, સામાજિક પરિસ્થિતિ, ‘હેમ્લેટ’ની ભાષા, કલ્પનશ્રેણીઓ અને પ્રતીકો, ટ્રૅજડિનો સ્વરૂપવિચાર; ઇડિપસ ગ્રંથિ, હેમ્લેટ અને શેક્સપિયર, શેક્સપિયરની સમગ્ર નાટ્યપ્રવૃત્તિ અને તેનો ક્રમિક વિકાસ વગેરે – આમ આ નાટકનાં વિવેચનો કૃતિનાં આંતરિક તેમ જ બાહ્ય એવાં અસંખ્ય પાસાંઓને સ્પર્શે છે. (આપણા વિવેચનસાહિત્યમાં અત્યંત સીમિત રીતે પણ ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘વસંતવિજય’ કે ‘જયાજયંત’ જેવી કૃતિઓનાં વિવેચનો કયા કયા મુદ્દાઓને છેડે છે તેનોય વિચાર કરી શકાય.) પ્રસ્તુત મુદ્દો એ છે કે સુવિકસિત વિવેચન કૃતિના રહસ્યબોધને સ્પષ્ટ કરવાના પ્રયત્નમાં વારંવાર આવી બૌદ્ધિક તપાસ કરવાનો આગ્રહ પણ રાખે છે અને તેમાં અનિવાર્યપણે બૌદ્ધિક પ્રતિપાદનની પ્રવૃત્તિ મહત્ત્વનું સ્થાન લે છે. અલબત્ત, હમણાં હમણાં કવિતા, વાર્તા આદિના રસલક્ષી વિવેચનની જે પ્રવૃત્તિ આરંભાઈ છે તેમાં કૃતિનાં રસકીય તત્ત્વોની ઓળખ કરાવવાનો ઉદ્દેશ જ મુખ્ય હેતુ હોય એમ લાગશે. એ રીતે બૌદ્ધિક તપાસને એમાં ખાસ અવકાશ નથી હોતો પણ આ રસલક્ષી વિવેચનમાં પણ વારંવાર અત્યંત વિદગ્ધ વિભાવનાઓનો વિનિયોગ થયો હોય છે. આવી વિભાવનાઓ પોતે જ કૃતિવિવેચનાનાં બીજાણુઓ બની રહેતી હોય છે અને એવી વિભાવનાઓ પાછળ બૌદ્ધિક અંતર્દૃષ્ટિઓ પડી હોય છે. વિવેચનની પ્રવૃત્તિનો વિકાસ અને વિસ્તાર એ રીતે બૌદ્ધિક વિશ્લેષણ અને વિવરણ સાથે સંકળાયેલો છે. આ આખી પ્રવૃત્તિ ભાષામાં ચાલે છે. એટલે વિવેચન જે કંઈ કાર્ય કરે છે, (અથવા નથી કરતું) જે રીતે સાર્થક બને છે, (અથવા નથી બનતું) તેને લગતા જે કોઈ તાત્ત્વિક પ્રશ્નો ઊભા થાય છે તેને એક છેડે વિવેચનની ભાષા સ્વયં પ્રશ્નો બનીને ઊભી હોય છે. વિવેચન આજે એક આત્મસભાન પ્રવૃત્તિ તરીકે ઝડપથી વિસ્તરી રહ્યું છે. પોતાના ખરા સ્વરૂપ વિશે, પોતાનાં કાર્યો વિશે, તેમજ પોતાના અભિગમો અને પદ્ધતિઓ વિશે સભાનપણે તે ચિંતન કરી રહ્યું છે. એમાંથી ‘વિવેચનની તત્ત્વમીમાંસા’ (Philosophy of Criticism) નામે એક શાખા આરંભાઈ છે. કૃતિવિવેચનમાં પ્રયોજાતા સંપ્રત્યયોની વ્યાખ્યા કરવી, વિવેચનનાં કાર્યોની ઓળખ કરવી, વિવેચનની પ્રવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવું, વિવેચનમાં પ્રયોજાતી રહેલી વિવિધ પદ્ધતિઓની સિદ્ધિમર્યાદાઓ તપાસવી, વિવેચકોના નિર્ણયો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવી, કૃતિ વિશેના મતભેદો કોઈ અહં વસ્તુ છે કે કેમ, અને કૃતિના રમણીયતાબોધ વિશે તાર્કિક ચર્ચાવિચારણાને અવકાશ છે કે કેમ, આવા આવા મૂળભૂત પ્રશ્નોની છણાવટ કરવાના પ્રયત્નો તે શાખામાં આરંભાયા છે. વિવેચન – એ ‘કલાસખી’ છે – એ ‘શાસ્ત્રસખી’ છે – એ પ્રકારની ઓળખ આપવાથી આ પ્રવૃત્તિના સ્વરૂપ વિષયક જે તાત્ત્વિક પ્રશ્નો છે તેની અવગણના થાય છે. આપણે ત્યાં ઠીકઠીક સમય સુધી વિવેચન એ કળા કે શાસ્ત્ર એવો એક પ્રશ્ન ચર્ચાતો રહેલો; ઘણુંખરું એ ચર્ચા સ્પેક્યુલેટિવ પ્રકારની હતી. સાહિત્યજગતમાં કૃતિવિવેચનના નીવડી આવેલા નમૂનાઓ લઈ તેની સંગીન ભૂમિકાએથી તેના સ્વરૂપ અને કાર્યની ઝાઝી તપાસ એમાં ખાસ થઈ નહોતી. વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ, અલબત્ત, કૂટ પ્રશ્નો ઊભા કરે છે. એમાં કૃતિના રમણીય બોધનું જીવંત અનુસંધાન સતત અનિવાર્ય છે, વિવેચનની એ મૂળભૂત શરત છે. કૃતિમાં રૂપબદ્ધ થયેલું સંવેદન જ તેના વિવેચનનું પ્રેરક અને નિયામક તત્ત્વ છે અને છતાં, વિવેચનનો વ્યાપાર એ રૂપનિર્માણનો વ્યાપાર નથી. કૃતિનાં રમણીય તત્ત્વોની ઓળખ કરાવવાનો જ જ્યાં ઉપક્રમ હોય ત્યાં પણ વિવેચક રમણીયતાનું નિર્માણ કરનાર ઘટકતત્ત્વો અને તેના સંયોજનનો ખ્યાલ મુખ્યત્વે કરે છે. વિવેચન વારંવાર કૃતિના રહસ્યમાં સમર્પક બનતાં ઘટકોને અલગ પાડી તેના સર્જનાત્મક વિનિયોગની વાત કરે છે. એમાં ઓછેવત્તે અંશે બૌદ્ધિક વિશ્લેષણની પ્રવૃત્તિ સંકળાઈ જાય છે. કાવ્યના વિવેચનમાં કવિકર્મના પ્રશ્નો કેન્દ્રમાં આવ્યા તે પછી શબ્દ, અર્થ, લય, કલ્પન, પ્રતીક અને રૂપનિબંધનની ચર્ચા વધુ પ્રસ્તુત બની છે. એ રીતે કથાસાહિત્યમાંથી પાત્રનિર્માણ, વસ્તુસંકલન, શૈલી અને લેખકની જીવનદૃષ્ટિ જેવાં પાસાંઓ લઈ કૃતિના ‘અર્થ’ની તપાસ કરવામાં આવી હોય અથવા એ પાસું પોતે જ આગવું મહત્ત્વ ધરીને ચર્ચાતું રહ્યું હોય એમ જોવા મળશે. પ્રસ્તુત મુદ્દો એ છે કે કૃતિના ગૂઢ ‘અર્થ’ને પામવાની પ્રવૃત્તિમાં વારંવાર બૌદ્ધિક વિશ્લેષણનું અનુસંધાન થાય જ છે. વિવેચનપ્રવૃત્તિની ગતિ જ એ રીતે તાર્કિક તંત્ર રચવા તરફની રહી દેખાય છે. વિવેચનનો વિષય બનતો સૌંદર્યાનુભવ પોતે તો એક સંકુલ મનોવ્યાપાર છે. સૌંદર્યબોધની ક્ષણોમાં કૃતિના બધા જ સૂક્ષ્મ અર્થો કંઈ સભાનતાના સ્તરે પ્રગટ થયા હોતા નથી. અનેક સંકુલ સંવેદનો અને અર્થો સંદિગ્ધપણે જ સ્પર્શવામાં આવ્યાં હોય છે અને એથીય વિશેષ, કૃતિના ભાવનને પરિણામે સમગ્ર અર્થનું ઉદ્‌ઘાટન થાય તેના પ્રકારમાં જ કૃતિનાં સૂક્ષ્મ તત્ત્વોની સમર્પકતા સમજી શકાય. આ રીતે એક અર્ધપ્રચ્છન્ન અનુભવને યથાર્થ રૂપમાં પામવા અને સમજવામાં ભાવક પાસે સહૃદયતા ઉપરાંત બૌદ્ધિક ઓજારો પણ જોઈએ. એ ઓજારો જેટલાં તીક્ષ્ણ, વેધક અને સુરેખ તેમ સૌંદર્યાનુભવની ઓળખ વધુ પ્રમાણભૂત નીવડી આવવા સંભવ છે. અલબત્ત, વિવેચનકર્મની ગતિ અમુક બિંદુએ થંભી જતી લાગશે. કૃતિનું જીવંત ધબકતું રહસ્ય પૂરેપૂરું તેની પકડમાં આવી શકતું નથી. વિવેચનકર્મની એ સ્પષ્ટ મર્યાદા છે એમ સ્વીકારવું જોઈએ. જોકે કૃતિ વિશેના દરેક સમર્થ વિવેચનમાં અપ્રકાશિત રહસ્યનાં કોઈક નવાં પાસાંની ઝાંખી થાય એ રીતે પ્રસ્તુત કૃતિ વિશે લખાતાં જતાં વિવેચનો ઘણાં દૃષ્ટાંતોના સંકુલ ‘અર્થ’ને પ્રકાશિત કરવામાં ઉપકારક બનતાં હોય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે કૃતિનું રહસ્ય સ્પષ્ટ કરવાનો આ ઉપક્રમ પોતે એક શિસ્ત છે. અનુભૂત રહસ્ય વિશેની ચર્ચા વધુ વ્યવસ્થિત અને તર્કપૂત બને એવી અપેક્ષા એમાં છે, અલબત્ત વિવેચનની શ્રદ્ધેયતા અને પ્રમાણભૂતતાના પ્રશ્નો અત્યંત વિકટ છે. વિવેચક જે રહસ્ય સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થયો છે તે તેનો પ્રામાણિક પ્રતિભાવ છે કે કેમ, તેની કૃતિની ખોજ ગંભીર અને ઉત્તરદાયિત્વના ભાનવાળી છે કે કેમ, તથા કૃતિમાં જે કંઈ રહસ્ય નિહિત રહ્યું હોય તેને તે યથાર્થ રૂપમાં પકડી શક્યો છે કે કેમ – આ બધા ગૂંચવણભર્યા પ્રશ્નો છે. એવા સંયોગોમાં વિવેચકે પોતાના પ્રતિભાવ પાડતાં અને સમીક્ષા કરતાં જે ભાષાકીય ઉચ્ચારણો રજૂ કર્યાં હોય તેને જ બરોબર સમજવાનાં રહે. એમાં કૃતિના મૂલ્યબોધને વ્યક્ત કરતી વિવેચકની ભાષા સ્વયં તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરી આપે છે. વિવેચક કૃતિના મર્મને બરોબર પામ્યો હોય છતાં તેણે પ્રયોજેલી વિવેચનની ભાષા અપર્યાપ્ત હોય, ઊણપવાળી હોય કે સંદિગ્ધ હોય એવી એક કલ્પિત પરિસ્થિતિ પણ ધ્યાનમાં લેવાની રહે છે. બીજી બાજુ, વિવેચનની ભાષા સુરેખ, તર્કપૂત અને સુયોજિત લાગે છતાં કૃતિના મર્મનો બહુ ઓછો અંશ એમાં પ્રતિબિંબિત થયો એવી બીજી પરિસ્થિતિ પણ સ્વીકારવાની રહે છે. એટલે જ કૃતિવિવેચનનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં કેવળ એના બૌદ્ધિક પાસાનો વિચાર અપર્યાપ્ત નીવડે છે. વિવેચન, અલબત્ત, કૃતિ વિશેનું તર્કપૂત અધ્યયન છે, પરિશીલન છે, પણ એ અધ્યયન અને પરિશીલનનો વિષય સૌંદર્યબોધ જેવી એક અતિ સૂક્ષ્મ તરલ ચેતના છે, અને એથી જ વિવેચન કેવળ બૌદ્ધિક વ્યાપાર નથી. અને છતાં, વિવેચનની ગતિવિધિ જે કંઈ રહસ્યમય વસ્તુ છે તેના સ્પષ્ટીકરણ તરફની છે એ દૃષ્ટિએ વિશ્લેષણવ્યાપારનું એમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કળાકૃતિમાં ભાવક તલ્લીન બની જાય છે ત્યારે તેના ચિત્તમાં ચાલતી સૂક્ષ્મ સંકુલ પ્રક્રિયાઓનું બયાન આપવાનું સહેલું નથી. પણ એટલું તો કહી શકાય કે રસાનુભવની પ્રવૃત્તિ એ વ્યવહારજીવનમાં પ્રવર્તતી ઇચ્છાશક્તિથી જુદી ભૂમિકાની છે. વ્યવહારમાં ક્રિયાશીલ બનતો માણસ પોતાની અંદરની કે બહારની પરિસ્થિતિમાં કશોક ફેરફાર લાવવા ચાહે છે. ચોક્કસ દિશામાં તેની ઇચ્છાશક્તિ કામ કરી રહી હોય છે. એટલે જ વ્યવહારનાં સાધનોને તે દૂરના કોઈ પ્રયોજન અર્થે યોજતો હોય એમ જોવા મળશે. પણ રસાનુભવ અર્થે અભિમુખ બનેલા ભાવકમાં આવી કોઈ ઇચ્છાશક્તિ કામ કરતી નથી, તેમ ‘કળાકૃતિ’ આવું કોઈ ‘સાધન’ બનતી નથી. અહીં તો કૃતિ સ્વયંસાધ્ય છે. ભાવક અહીં પોતાની સુકુમાર સંવેદનશીલતાને કૃતિના ભાવજગત સમક્ષ ખુલ્લી મૂકે છે અને એના પર સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રભાવ પડવા દે છે. આવી રસબોધની ક્ષણોમાં ભાવકની ચેતના સર્વથા નિષ્ક્રિય બની જાય છે કે સુષુપ્ત બની જાય છે એવું પણ નથી. કૃતિમાં સર્જકનું સંવિદ્‌ જે રૂપે અને જે રીતે ઊતરી આવ્યું હોય છે તેમાં તે સહોપસ્થિતિ કેળવી સહયોગ સાધે છે. બલકે ભાવકની ચેતના વધુ ઉત્કટ પ્રાણવાન અને સ્ફૂર્તિલી બનીને પોતાની સંમુખ જે એક ભાવવિશ્વ ખૂલી રહ્યું હોય છે તેની નોંધ પણ લે છે. રસાનુભવની આ ક્ષણો અલબત્ત ભાવચિત્ત વ્યાપારની છે. એમાં કૃતિનાં ઘટકોનું આકલન અને સંયોજન કરવાની પ્રક્રિયા ચાલે છે પણ એ કોઈ માત્ર બૌદ્ધિક પ્રવૃત્તિ નથી. અલબત્ત, લાંબી રચનાઓમાં રસબોધની સાથે આવો કોઈ બૌદ્ધિક વ્યાપાર સંલક્ષ્યક્રમે કામ કરતો જણાય. પણ વાસ્તવમાં રસાનુભૂતિમાં એ કેવળ ‘સાધન’ માત્ર છે, સ્વયં રસાનુભવ નથી. વિવેચનમાં અનુભૂત રહસ્યની ઓળખ કરવાના ભાગ રૂપે રચનાગત તત્ત્વો અને તેના પરસ્પર સંબંધોની તપાસ ચાલે છે, તે સાથે કૃતિએ ભાવકની સંપ્રજ્ઞતાનાં જે પાસાંઓને સ્પર્શ કર્યો હોય, તેનો રસકીય ભાષાકીય અને સાંસ્કૃતિક અભિગમથી વિચાર કરવાનું આરંભાય છે. કૃતિના રહસ્યને, તેને નિર્માણ કરનારાં રચનાગત તત્ત્વો સાથે જોડવાની પ્રક્રિયા તો ચાલે જ છે, પણ એ ‘રહસ્ય’ને વિશાળ માનવજીવનના સંદર્ભમાં સમજવાનું વલણ પણ એની સાથે વારંવાર કામ કરી રહે છે. સાહિત્યની વિશિષ્ટ ઘટનાને જાણે કે વિશાળ પરંપરાના ભાગ રૂપે જોવાનો એ પ્રયત્ન છે. કાન્તની ઉત્તમ રચનાઓ તેમની ખંડકાવ્યત્રયી છે, અને એમાં તેમનું કરુણ દર્શન વ્યક્ત થાય છે. આટલી વાત સ્વીકારતાં જ કવિઓ, ચિંતકો અને ઇતિહાસદૃષ્ટાઓ પૈકીના કેટલાકના કરુણ દર્શનની પાર્શ્વભૂમિકા છતી થતી લાગે એમ બનવાનું. કાન્તના કરુણનું સ્વરૂપ તપાસવાની પ્રવૃત્તિમાં આવી ભૂમિકા સ્પષ્ટપણે સ્વીકાર પામે છે. વિવેચનની પ્રવૃત્તિમાં આમ કેટલીક વાર વ્યાપકપણે માનવજાતિના જ્ઞાનવિજ્ઞાન, દર્શન અને સંસ્કૃતિના પ્રશ્નોની નિસ્બત છતી થાય છે. પણ એ બધી ચર્ચા કૃતિના ભાવસંદર્ભ સાથે પ્રસ્તુત બનીને આવે એ એટલું જ અનિવાર્ય છે અને, ત્યાં બૌદ્ધિક અભિગમને અવકાશ રહે છે. ટૂંકમાં, વિવેચન જે વસ્તુ નિમિત્તે જન્મે છે તે સ્વયં એક રહસ્યમય આલોક છે, પણ એની સાથે સંકળાતા મુદ્દાઓનો વિચારવિમર્શ એ પ્રધાનપણે બૌદ્ધિક પ્રવૃત્તિ છે. આમ એક ધ્રુવ પર રહસ્યમય આલોક અને બીજા ધ્રુવ પર બૌદ્ધિક વિશ્લેષણ એવી એ એક સંકુલ ઘટના છે. બલકે, વિવેચનના વિકાસવિસ્તારની દિશા એવા વિશ્લેષણ તરફની રહી છે. અલબત્ત, ‘વિવેચન’ નામની પ્રવૃત્તિના મૂળમાં જ એક મોટી મુશ્કેલી રહી છે. એક બાજુ કૃતિનું રહસ્ય શક્ય તેટલું અખંડ, અક્ષત અને અવિકૃત રહે એ માટે વિવેચકે મોટી તકેદારી રાખવાની છે. બીજી બાજુ કૃતિના અનુભવ વિશે વાત કરવા સજીવ મનોઘટનાના ચક્રમાંથી તેને બહાર આવવું પડે છે. કૃતિનું જે કંઈ રહસ્ય હોય, જે કંઈ મૂલ્ય હોય, તે આ અનુભવમાં જ પ્રતીત થઈ શકતું હોય છે. એટલે પછી કૃતિની વાત કરવા જતાં પોતાના ચિત્તમાં પડેલા સંસ્કારો અને સાહચર્યોનો આશ્રય લેવાનો રહે. અલબત્ત, જરૂર લાગે ત્યાં ફરીથી કૃતિના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય. પણ નોંધપાત્ર મુદ્દો એ છે કે વિવેચક પ્રસ્તુત વિશે પોતાના ચિત્તમાં સચવાયેલા બધાય અર્થો, બધાય સંસ્કારો અને બધાંય સાહચર્યોને યથાતથ મૂકી દેતો નથી. જાણ્યેઅજાણ્યે તે એમાંથી વિશેષ અર્થપૂર્ણ ભાત પકડી લે છે અથવા મુખ્ય ગૌણ વિગતોનો વિવેક કરી લે છે અને, આ તબક્કે ભાવકના ચિત્તમાં અસર કરી ગયેલાં કળાતત્ત્વો તેને પ્રેરક બને છે પણ આ સાથે જ કૃતિવિવેચનનાં પ્રયોજનો અને પદ્ધતિઓની પસંદગીના પ્રશ્નો સંકળાઈ જાય છે. અહીં ‘સર્જન’ અને ‘વિવેચન’ નામથી ઓળખાવાતી પ્રવૃત્તિઓની ભિન્નતા રેખાંકિત કરવી જરૂરી છે. વિવેચન એ સર્જન ખરું કે નહિ, એવો વિવાદ આપણે ત્યાં આ સદીમાં ઠીક ઠીક લાંબા સમય સુધી ચાલ્યો હતો. વિશ્વનાથ ભટ્ટ જેવા અભ્યાસીએ વિવેચનને સર્જનની કોટિનો વ્યાપાર ગણી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવા ભારે પુરુષાર્થ કરેલો. પણ એ વિવાદ ઝાઝો ફળદાયી નીવડ્યો નથી. વિવેચનના સ્વરૂપગત પ્રશ્નોની તપાસ કરવાને એમાં આહ્‌વાન હતું. પણ તાત્ત્વિક ચર્ચાને સ્થાને વાગ્મિતાના જોશમાં એ વિવાદ લય પામ્યો. આપણે ત્યાં અનેક વાર કહેવાયું છે કે કૃતિની રચના દરમિયાન સર્જક પોતાની કૃતિનું ‘વિવેચન’ કરે છે; બીજી બાજુ, કૃતિનું રહસ્ય અવગત કરવાને વિવેચક પોતાના ચિત્તમાં કૃતિનું ‘સર્જન’ કરતો હોય છે. આ રીતે કૃતિના સર્જનની ઘટનામાં પણ ‘વિવેચનપ્રવૃત્તિ’ (કે ‘વિવેચનવ્યાપાર’) ચાલે છે, તો ‘વિવેચન’ની પ્રવૃત્તિમાં ‘સર્જન’ની પ્રવૃત્તિ ચાલે છે. હવે સહૃદય ભાવક સર્જકની કોઈ કૃતિમાં લીન બને છે તે રસબોધની પ્રક્રિયા સ્વયં તે વિવેચનપ્રવૃત્તિ નથી એમ આપણે અગાઉ સૂચવ્યું છે. અલબત્ત, રસાનુભવની પ્રક્રિયામાં કેટલીક વાર કૃતિનાં ઘટકોને અલગ કરીને તેનું પુનઃસંયોજન થાય છે, પણ યંત્રના છૂટા પાડેલા ભાગોને ફરીથી ગોઠવવા જેવી આ યાંત્રિક પ્રવૃત્તિ નથી. ભાવકની ચેતના સ્વયં કૃતિના નૂતન ભાવવિશ્વ સુધી વિકસવાની અને વિસ્તરવાની ક્ષમતા ધરાવે છે. પણ આપણે એ લક્ષમાં રાખવાનું છે કે ભાવકની સામે કૃતિ તૈયાર થઈને આવી છે જ્યારે સર્જનપ્રવૃત્તિમાં રોકાયેલા સર્જકને પોતાની કૃતિ આખેઆખી પ્રત્યક્ષ થઈ ગઈ હોય એવું ભાગ્યે જ બને છે. તેને સર્જનમાં પ્રેરનાર વસ્તુ કોઈ સાવ ધૂંધળું કલ્પન, દૃશ્યસંવેદન, લાગણી કે લયતત્ત્વ માત્ર હોય. એમાં કશાક મૂલ્યનો અણસાર તેને વરતાય છે અને એવો કશોક પ્રબોધ જ તેને સર્જનમાં પ્રેરે છે અને એ સાથે જ તો રૂપનિર્માણનો પડકાર ઝીલે છે! સર્જનના પ્રત્યેક તબક્કે તે કોઈક દ્વિધાગ્રસ્ત દશામાં મુકાઈ જાય કે સાવ ધૂંધળા ભાવલોકમાં વિકાસની દિશા સ્પષ્ટ ન થતાં મૂંઝવણ અનુભવી રહે એમ બને, સાથે ભાવક માટે આવી કોઈ દ્વિધા કે મૂંઝવણ રહેતી નથી. એ રીતે ’સર્જન’ નામની પ્રક્રિયા સર્જકમાં જે ગતિમાન બને છે તેનું સ્વરૂપ કંઈક નિરાળું જ હોય છે એમ મને લાગે છે. હવે કોઈ નવલિકાકાર, નવલકથાકાર કે નાટ્યકાર બીજા લેખકની કૃતિ વિશે સમીક્ષા લખે તો તેની એ પ્રવૃત્તિ નિશ્ચિતપણે ‘વિવેચન’ સંજ્ઞાથી ઓળખાવી શકાય પણ સર્જનપ્રક્રિયામાં રોકાયેલો સર્જક અનુભવની રૂપનિર્મિતિ નિમિત્તે પ્રસંગે પ્રસંગે જે કંઈ ‘વિવેક’ કરે છે કે ‘વિચારે’ છે તે પ્રવૃત્તિને ‘વિવેચન’ની સંજ્ઞા લાગુ પાડવાથી કંઈ ગૂંચ તો ઊભી નથી થતીને એ તપાસી જોવાનું રહે છે. કેટલાક અભ્યાસીઓ એમ દલીલ કરે કે સર્જનની ક્રિયામાં પ્રવૃત્ત થયેલા સર્જકને પણ પોતે યોજવા ધારેલાં શબ્દ, અર્થ, શૈલી, રચનારીતિ કે વિચારતત્ત્વ વિશે વિવેચકની જેમ જ યોગ્યતાનો ખ્યાલ કરવો પડે છે. વિવેચક જે રીતે અન્યની કૃતિની ભાષાશૈલી આદિની સમીક્ષા કરે છે કે તેની સાર્થકતા ચકાસી જુએ છે, એ જ રીતે સર્જક પોતાની જ ભાષાશૈલી આદિની સમીક્ષા કરીને કે તેની સાર્થકતા ચકાસી લઈને આગળ ચાલે છે. સર્જકનો આ ઔચિત્યબોધ એ જ એનું વિવેચનકર્મ. આ દલીલમાં દેખીતી રીતે કેટલુંક તથ્ય છે અને છતાં સર્જનની ક્રિયામાં અંતર્ગત તત્ત્વ લેખે જોડાતો આ જાતનો ઔચિત્યવિચાર અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ એ બંને વચ્ચે સ્વરૂપગત ભેદ પણ છે. પહેલી વાત તો એ કે સર્જનની પ્રવૃત્તિ મૂળભૂત રીતે રૂપનિર્માણની પ્રવૃત્તિ છે : સર્જકના ચિત્તમાં જે કંઈ ધૂંધળું નિહારિકારૂપ છે તેને મૂર્ત નક્કર રૂપ આપવાની એ પ્રવૃત્તિ છે. વ્યક્ત થતાં સંવેદનમાં સર્જકને જે કશુંક મૂલ્ય વરતાઈ રહ્યું છે, તેને ઉઠાવ આપવાનો તેનો મુખ્ય હેતુ છે. તેની દૃષ્ટિમાં, એ સંવેદનના સૌથી સમૃદ્ધ અર્થો મૂર્ત રૂપ લે, તે પ્રયોજન કામ કરી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે સંપ્રજ્ઞતા અને અસંપ્રજ્ઞતાના સંધિસ્થાને જે કશુંક ઉદ્‌બુદ્ધ થાય છે તેને અત્યંત સુરેખ અને સંગીન રૂપ આપવાનો ઉપક્રમ તેમાં છે. સર્જક જો શબ્દનો ‘વિવેક’ કરે છે, તો પોતે સંદિગ્ધપણે અનુભવેલી લાગણીની સૌથી સુરેખ અભિવ્યક્તિ અર્થે કરે છે. આ પ્રકારનો વિવેક, વિચાર કે ઔચિત્યબોધને ખરેખર તો વ્યક્ત થવા મથતા સંવેદન કે ‘અર્થ’ની અનુરૂપતા પૂરતો જ પ્રશ્ન છે. એ જ રીતે શૈલી, રચનારીતિ કે રચનાપ્રયુક્તિ આદિને લગતો વિવેકવિચાર પણ પ્રસ્તુત રચનામાં વ્યક્ત થવા મથતા અનુભવને અનુરૂપ જ ચાલે છે. જે શબ્દ કે જે શૈલી સમર્પક લાગતી હોય ત્યાં તેને વિશે કોઈ ‘વિવેકવિચાર’ને અવકાશ રહેતો નથી. હકીકતમાં સર્જકચેતનાનું પ્રવર્તન જ અહીં મુખ્ય વસ્તુ છે. મૂળ સંવેદન કે અર્થને મૂર્ત કલ્પનો અને પ્રતીકોમાં પ્રતિષ્ઠિત કરવાની આ વાત છે. શબ્દ, શૈલી કે રચનારીતિ પરત્વે જે કંઈ પ્રાસંગિક ‘વિવેક’ કરવામાં આવે તે સર્જનના વ્યાપક અને સંકુલ ઘટનાચક્રમાં આત્મસાત્‌ થઈ જાય છે. સર્જક કંઈ વિશ્લેષણ કરવા માગતો નથી, તે તો અનુભવના વ્યાપમાં આવતી વેરવિખેર સામગ્રીને સંયોજિત કરવા માગે છે. કૃતિની બહાર દૂર દૂરના અપરિચિત અર્થો, પદાર્થો કે પ્રસંગો અહીં સર્જકતાના રસાયનમાં નવેસરથી સંયોજાય છે. સર્જનનું રહસ્ય આ પ્રકારના નૂતન રૂપનિર્માણમાં છે. આખીય પ્રક્રિયાનું ચાલક બળ રૂપનિર્માણ છે. એટલે સર્જન નામની ઘટનામાં આવો ‘વિવેકવિચાર’ એ છેવટે એક ગૌણ અને આગંતુક વ્યાપાર છે. આથી ભિન્ન કૃતિના વિવેચનમાં જે વિવેકવ્યાપાર ચાલે છે તેના સંદર્ભો વારંવાર કૃતિની બહાર વિસ્તરી રહ્યા હોય છે. વિવેચક કૃતિનું વર્ણન, વિવરણ, અર્થઘટન અને મૂલ્યાંકન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરે છે, ત્યારે તેનો સંદર્ભ જાણ્યેઅજાણ્યેય કૃતિની બહાર વિસ્તરી રહે છે. કૃતિના વિવરણ, અર્થઘટનમાં પરંપરાગત પ્રતીકો કે મિથની ચર્ચા સ્વાભાવિક રીતે જ સમસ્ત પ્રજાની સાંસ્કૃતિક પરંપરાઓને અનુલક્ષે છે. કૃતિના રચનાતંત્ર અને આકારના પ્રશ્નો તેને એ સ્વરૂપના ઇતિહાસ તરફ દોરી જાય છે. અર્થઘટનના પ્રશ્નો એક બાજુ કૃતિના પોતાના ભાષાકીય તંત્રને અનુલક્ષે છે; બીજી બાજુ, કૃતિને, સર્જકની અન્ય કૃતિઓને, સર્જકના મનોગત, કે યુગની પ્રચલિત વિચારસરણીઓને પણ સ્પર્શે છે અને કૃતિના મૂલ્યાંકનના પ્રશ્નો તો વારંવાર વ્યાપક જીવનવિચાર કે દર્શનની જોડેય નિસ્બત ધરાવતા હોય એમ જોવા મળશે. તાત્પર્ય કે વિવેચક જ્યારે કૃતિની વાત કરવા જાય છે ત્યારે તેના સંદર્ભો એકાએક વિસ્તરી રહેતા લાગે છે. ‘નવ્ય વિવેચન’, ‘રૂપલક્ષી વિવેચન’ કે ‘સૌંદર્યલક્ષી વિવેચન’ નામે ઓળખાતી વિવેચનપ્રવૃત્તિ કૃતિની સ્વાયત્તતા, સ્વતંત્રતા અને આત્મપર્યાપ્તતા પર બધો ભાર મૂકે છે. કૃતિનું રહસ્ય એની પોતાની રચનામાં રહ્યું હોય છે. એટલે એને સ્પષ્ટ કરવા કૃતિથી બાહ્ય એવા કોઈ સંદર્ભનો સ્વીકાર તેઓ કરતા નથી અને છતાં ‘નવ્ય વિવેચન’ને પણ પ્રતીકોના અર્થબોધ માટે તેમ પ્રાચીન શબ્દોના યથાર્થ સંકેતો પામવા કૃતિની બહાર જવું પડ્યું છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચનની પ્રવૃત્તિમાં શબ્દ, અર્થ, શૈલી આદિનો વિચાર અમુક હદ સુધી જ કૃતિની સીમામાં રહીને થઈ શકે. બલકે, ઉત્કૃષ્ટ વિવેચન કૃતિ (કે કર્તા)ને યથાર્થ રૂપમાં ઓળખવાને આખીય સાહિત્યિક પરંપરામાં મૂકીને તેને જુએ છે. પણ વિવેચન વિવેચ્ય કૃતિનો વિચાર તેને વિશાળ સંદર્ભમાં મૂકીને કરે છે ત્યારે પણ કૃતિના શબ્દ, અર્થ, કલ્પન આદિનો ‘વિવેકવિચાર’ તો કરે છે. સર્જનપ્રક્રિયામાં રોકાયેલો સર્જક શબ્દ, અર્થ આદિનો ‘વિવેક’ એક વિશિષ્ટ કૃતિના ભાવતત્ત્વ સંદર્ભે કરે છે; જ્યારે વિવેચન કરનારો વિવેચક શબ્દ, અર્થ આદિનો વિવેક એથી વ્યાપક સંદર્ભે કરે છે. પણ બંનેય વિવેકવિચાર કરે છે અને એટલે જ બંનેય ‘વિવેચન’ જ છે ને? તો, એના ઉત્તરમાં એમ કહી શકાય કે સર્જનની ગતિ અગાઉ નિર્દેશ કર્યો તેમ, રૂપનિર્મિતિ તરફની છે. એક અપૂર્વ રમણીય રૂપનિર્માણ કરવાનું તેનું પ્રયોજન મુખ્ય છે, જ્યારે કૃતિવિવેચનમાં એવી રૂપનિર્મિતિ દ્વારા વ્યંજિત થતા ભાવ, અર્થ કે રહસ્યતત્ત્વને સ્પષ્ટ કરવાની પ્રક્રિયા ચાલે છે. બલકે, કૃતિના ભાવ, અર્થ સમીક્ષાનો વિષય બની શકે છે. કૃતિની રચનાગત સફળતા નિષ્ફળતાના પ્રશ્નો પણ વિવેચક સામે આવે છે, પણ તેથી વિશેષ કૃતિની પ્રભાવકતાના પ્રશ્નો તેની સામે આવે છે, કૃતિઓની તુલના કરવામાં મુશ્કેલી ઓછી નથી છતાં કૃતિની ગુણવત્તાનો અંદાજ કરવાનું વલણ પણ તેનામાં કામ કરી રહ્યું હોય છે, તત્ત્વશોધક કૃતિની સમીક્ષા કરતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિ અને મૂલ્યબોધની સમીક્ષા કરવા પ્રેરાતો હોય છે, તેની સમીક્ષક દૃષ્ટિ વ્યાપકપણે જીવન અને સંસ્કૃતિને ઊંડાણમાં મથી રહે છે, પણ આ બધી સમીક્ષા ચોક્કસ બૌદ્ધિક અભિગમનો સ્વીકાર માંગે છે. વિવેચન સ્વયં એક ‘જ્ઞાન-તંત્ર’ બની રહે એ માટે એના આગવા ક્ષેત્રને રેખાંકિત કરી લેવાની જરૂર ઊભી થાય જ છે. અલગ વિદ્યાશાખા લેખે વિકસવા માંગતું વિવેચન પોતાનાં ગૃહીતોની તપાસ કરે ત્યારે એનું ક્ષેત્ર વિસ્તરવા લાગે છે. આવું વિવેચન સ્વયં એક જ્ઞાનોપલબ્ધિની પ્રવૃત્તિ બને છે, એટલે સર્જનકર્મની અંતર્ગત જે કંઈક ’વિવેક’ને અવકાશ છે, તેથી વિવેચન નામની પ્રવૃત્તિ એના સ્વરૂપ અને પ્રયોજન પરત્વે જુદી પડે છે એમ કહેવું જોઈએ.