કાંચનજંઘા/જીવંત ચેતના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીવંત ચેતના

ભોળાભાઈ પટેલ

હમણાં જ વરસાદનું એક ઝાપટું આખા નગરને ભીંજવી ગયું. આખું નગર નીતરી રહ્યું છે, ત્યાં એકદમ તડકો આવી ભીના નગરને લૂછવા માંડે છે. થોડી વાર પહેલાં ખાલી પડેલા રસ્તા ફરી પાછા લોકોની અને વાહનોની અવરજવરથી છલકાઈ જાય છે. જાણે રૂંધાયેલા બંધ પાણી આડેથી કોઈ ભારે શિલા હટી ગઈ અને ફીણફિસોટા સાથે પાણી દોડવા માંડ્યાં તેમ વેગથી વાહનો ધસે છે. દરેકના યંત્રનો ધીમો ભારે કે ઘોંઘાટભર્યો અવાજ છે. એક અવાજ બીજા અવાજને અથડાય છે. હોર્ન પર હૉર્ન બજે છે. દરેક હોર્નનો લાંબોટૂંકો અવાજ એકબીજાને છેદે છે. ગતિની અને અવાજોની પ્રતિસ્પર્ધા છે.

ઘડી પહેલાં પાણીથી અને હવે અવાજોથી ઊભરાતા માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ, આપણા કાનના પડદા પર યંત્રના યંત્રવત્ અવાજ અફળાય છે. અવાજોની આ બેસૂર ઓર્કેસ્ટ્રામાં એકાએક ‘કૂહૂ કૂહૂ’ એવો એક દબાતો લપાતો અવાજ પેસી જાય છે. કાન ચમકે છે. નજર આસપાસ ઘૂમે છે. આ રસ્તા પરના મકાનના કંપાઉન્ડના ઝાડ પર બેઠેલી કોયલનો અવાજ છે? નગર તો દોડ્યું જાય છે, પણ આપણા પગ ખચકાઈને ઊભા રહી જાય છે, ફરી પાછો કૂહૂ કૂહૂનો મધુર પ્રલંબ રવ. ક્ષણેક પહેલાંના બધા અવાજો વિલીન થતાં જાણે ઓગળી ગયા. અને પછી પહેલાં ભીંજાયેલી, ભેજવાળી લાગતી નગરી સદ્યસ્નાતા તરુણી જેવી પ્રફુલ્લિત લાગી, તડકો સોનેરી બની ચમકતો લાગ્યો.

તો શું આપણે ફરીથી પ્રકૃતિના સાંનિધ્યમાં જવા માંગીએ છીએ. બેક ટુ નેચર? ના, હવે આપણે બધા કંઈ નગરસંસ્કૃતિથી, યંત્રસભ્યતાથી ભાગી જઈ પેલા અમેરિકન ફિલસૂફ થૉરોની જેમ વાલ્ડેન જેવા સરોવરને કિનારે એકાન્તમાં વસી શકીએ તેમ નથી. અને તપોવનો તો હવે રહ્યાં જ છે ક્યાં? યંત્રવિજ્ઞાન આવ્યું છે અને રહેશે. ગામ્રસભ્યતા પણ નગરસભ્યતામાં ફેરવાતી જશે. આપણે એ નગરમાં રહેવાનું છે. નગરના ઘોંઘાટ અને ગતિને જીરવવાનાં છે, અને છતાંય હજી ઘણું ઘણું છે, જે યંત્રસંસ્કૃતિના આક્રાન્તથી મુક્ત છે. આટલા બધા કોલાહલમાં પંખીનું પૂંજન સાંભળી શકાય છે. નગર પર રોજ સવારે સૂરજ જાણે બીતાં બીતાં ઊગે છે. ફાનસ જેટલું અજવાળું પાથરવા કરતો ચંદ્ર સંકોચથી જ ડગ ભરે છે. પણ એ જ સૂરજ આથમતાં આથમતાં કેવી રમણીયતા ફેલાવે છે, તે કોલાહલ અને ભીડથી ઘેરાયેલા ભદ્રના કિલ્લા પર પણ જોઈ શકાય, અને કોઈ આથમતી રાતે પાછા ફરતાં આભમાં એકલા પ્રફુલ્લ ચંદ્રને પણ જોઈ શકાય.

નગરમાં પાલવ સંકોરતી સંકોચવશ જતી સાબરમતી કોઈ વાર વન્ય કન્યા રૂપે પણ જોઈ શકાય. જોનાર આંખ જોઈએ. કોઈ વહેલી સવારે નદીની આ પારની એક ઇમારત પરથી નગરની વચ્ચે વચ્ચે ઊપસી આવેલાં ધુમાડા ઓકતાં, મિલનાં ભૂગળાં એક કવિને સૂર વહાવતાં પાવા જેવાં લાગ્યાં હતાં! ના, આ માટે રોમાન્ટિક થઈ જવાની જરૂર નથી, માત્ર ઠેર ઠેર વેરાયેલા સૌંદર્યને ઝીલતી ચેતનાને જીવંત રાખવાની જરૂર છે. ૧૯૭પ