કાંચનજંઘા/પહોંચી જવાની ચિંતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પહોંચી જવાની ચિંતા

ભોળાભાઈ પટેલ

આપણે ક્યારેક ક્યારેક યાત્રાપ્રવાસે નીકળી પડીએ છીએ. તે પહેલાં યાત્રાનું સ્થળ નક્કી કરી તેને માટે યોજના ઘડી કાઢીએ છીએ અને એક દિવસ શુભ મુહૂર્ત જોઈ નીકળી પડીએ છીએ, કે જેથી માર્ગમાં કોઈ અંતરાય કે વિઘ્ન ન નડે. એક વાર નીકળ્યા પછી આપણી સૌથી પહેલી ચિંતા વેળાસર મુકામે પહોંચી જવાની હોય છે. એ વેળા મુકામે પહોંચવું એ જ એક આપણું લક્ષ્ય બની રહે છે.

મુકામે પહોંચવા આપણી પાસે વાહન છે. વાહન ઝડપી જોઈએ કેમ કે જલદી જલદી પહોંચવું છે. પણ એવુંય બને કે યાંત્રિક વાહન રસ્તે ખોટકાઈ જાય, શુભ મુહૂર્ત નીકળવા છતાં. વળી ઓછામાં પૂરું એવે સ્થળે ખોટકાય કે ન આગળ જવાનું બને, ન પાછળ જવાનું. આપણી અકળામણનો પાર ન રહે. ડ્રાઇવર પૈડું બદલતો હોય, એન્જિનનું હૂડ ખોલીને બંધ પડેલા યંત્રને ચાલુ કરવા મથતો હોય અને આપણે વ્યગ્ર ચિંતાતુર ચહેરાથી કદીક ઘડિયાળ તરફ અને કદીક આથમતા સૂરજ તરફ જોઈ નિઃસહાય બની રહીએ, રાત પડી જશે, અંધારું ઊતરી આવશે, હવે ક્યારે પહોંચાશે?

અને આ બાજુ પહાડોના ઢોળાવ ઉપર સાંજ ઢળી રહી છે, ચુપચાપ. સામેના પર્વતશિખર પર તડકો ઢોળાયેલો છે. અને અહીં તે ઊંચાં વૃક્ષોમાંથી ચળાઈને ભોંય પર પથરાયો છે. પંખીઓના અવાજ નિઃસ્તબ્ધતાને ઘેરી બનાવે છે. આપણો અવાજ પણ અપરિચિત લાગે એવી સાંજ છે. પાંદડાંમાંથી પસાર થતા પવનની ચંચલ લહરીઓની દ્રુતવિલંબિત લયલીલા અનભવાય એવી સાંજ છે. પણ ના, આપણું ધ્યાન નથી. આપણી પાસે શાંતિ કે સ્વસ્થતા નથી. આપણે તો ઝટપટ મુકામે પહોંચી જવું છે, ક્યારે પહોંચાશે હવે? બધો કાર્યક્રમ અસ્તવ્યસ્ત હવે તો!

આવી રીતે ક્યારેક જતા હોઈએ છીએ અને એકાએક આંધી સાથે આકાશ વાદળોથી ઘેરાઈ જાય છે, અપ્રત્યાશિતપણે. વરસાદનું ઝાપટું તૂટી પડે છે, પહેલું જ ઝાપટું છે આ મોસમનું. પહાડી અરણ્યમાર્ગ છે. ઝાડ તૂટીને સડક પર આડું પડી જાય છે અને આપણી યાત્રા ખોટવાઈ જાય છે. હવે? આપણે વ્યગ્ર બની વાહનમાંથી નીચે ઊતરીએ છીએ. આગળ વધાય એમ નથી. જ્યાં સુધી ઝાડ હટે નહીં.

આ બાજુ ધરતીમાંથી વરસાદના પહેલા ઝાપટાની મહેક નાસાપુટને ભરી દે છે. સ્નાનરતા અરણ્યાનીનું નવું રૂપ પ્રકટે છે – રસ્તાની ધારે ધારે જતી આ પહાડી નદીનો પટ, જેમાં હમણાં સુધી તો પથરા વહેતા હતા, તેમાં ફીણફિસોટા સાથે જળપ્રવાહ આ ચાલ્યો આવે! કોઈ વિરાટકાય ભુજંગ જાણે. અરે, અહીં જે આ ઝાડની ડાળી તૂટી પડી છે, તે તો સપુષ્પ છે અને તે પુષ્પ છે કદંબ! વરસાદના પ્રથમ સંપર્કથી પુલકિત થઈ ઊઠેલાં કદંબ! પરંતુ આપણે તો ચિંતિત છીએ. હવે અહીં શું કરીશું? પહેલા વરસાદમાં ભીંજાવાનો પણ રોમાંચ નથી અને આ રોમાંચરૂપ કદંબને જોવાનો પણ આનંદ નથી. માત્ર એક અકળામણ અનુભવતા પેલા આડા પડેલા ઝાડને નજરથી હટાવવા મથીએ છીએ… ક્યારે પહોંચાશે હવે?

કેમ કે આપણે માટે પહોંચવાનું મહત્ત્વ છે. નીકળીએ છીએ ત્યાંથી મુકામ આવે ત્યાં સુધી એકમાત્ર ચિંતા પહોંચી જવાની હોય છે. નીકળવાનું સ્થળ અને પહોંચવાનું સ્થળ આ બે બિન્દુઓ જ આપણા ધ્યાનમાં રહે છે, પણ એ બે બિન્દુઓને જોડતી રેખા? એ માર્ગ? માર્ગમાં આવતાં મનોહર દૃશ્યોની આપણે ઉપેક્ષા કરીએ છીએ. ગાડીમાં બેઠાં હોઈએ તો પાનાં રમીએ, પુસ્તક વાંચીએ. આપણે નીકળ્યા હોઈએ પ્રવાસે, સૌંદર્યોનાં દર્શન કરવા માટે. પણ માર્ગની આસપાસ વેરાયેલા સૌન્દર્ય પ્રત્યે અંધ હોઈએ છીએ.

વિગત જન્માન્તરોની સ્મૃતિ જગાવી દેતો મધુર કલનાદ કે રમ્ય વનરાજીમાં રમ્યતર સૂર્યાસ્ત કે સૂર્યોદય કે ચાંદની રાત, સરસરિતાની જીવનસૃષ્ટિ, સડકની ધારે ધારે ચાલતો પહાડ કે ક્વચિત્ ડોકાઈ જતો સાગર અને એવું તો કેટલુંય બધું એમ ને એમ જતું રહે છે.

અરે, આ માટે જ તો આપણે નીકળ્યા હતા. આ જ તો પામવાનું છે. પહોંચીને જે નથી પમાતું, તે પહોંચવાની પ્રક્રિયામાં, પહોંચવાની મથામણમાં પમાય છે, પહોંચતાં પહોંચતાં જે પમાય એ જ પ્રાપ્તિ, બાકી બધી તો ઉપાધિ.

શુભ મુહૂર્તે જ આપણે નીકળ્યા હતા કે યંત્ર ખોટવાઈ ગયું કે આંધી આવી પહોંચી! ખરે જ શુભ. ૧૯૭૫