કાવ્યમંગલા/ધૂમકેતુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધૂમકેતુ
(અનુષ્ટુપ)

વ્યોમની કેડીએ સીધો જતો’તો એક તારલો,
નિજ લક્ષ્યે સ્થિરચિત્ત, નતનેત્ર, યુવા મૃદુ.
શાંત ને દીત્પ, ઓજસ્વી, સ્થિરપાદ, મનોજિત,
નૈષ્ઠિક બ્રહ્મચારી એ, વરેલો તપ ઉત્તમ.
એવા એ તારલા કેરી ન્યાળતાં કામ્ય કાન્તિને,
વ્યોમની યુવતીઓના અંતરે ઊર્મિ કો જલી.

(વંશેન્દ્ર)

આકાશની તેજકલાપ-ધારીણી
હૈયે ખીલ્યા યૌવનને સમારતી,
વિશાળ નેત્રે યુવતી અનેક એ
ઝીલી રહી તારકની પ્રભા-સુધા.

ત્યાં શુક્રતારા શરમાતી ભાળતી,
શશીકલા પાંપણને પલાળતી,
લચી પડે મંગલની કલાસુતા
સ્વયંવરાર્થે મધુ સ્વપ્ન સેવતી.

(અનુષ્ટુપ)

અને એ કામનાદગ્ધ વ્યોમની અંગનાતણાં
લોચનો લોલ તારાના પ્રભાપુંજે ઠરી રહ્યાં.
કિંતુ તે નત હા નેત્રે નિજ ધ્યેય વિષે ડુબ્યો,
જગની ગતિ આ ભિન્ન ભોળુડો નવ જાણતો.
અમાપ્યા આભ ઊંડાણે સૂર્ય જ્યાં બિંદુના સમો,
નિત્ય રાત્રિ વસંતી જ્યાં દિક્‌તણા દિવ્ય પ્રાંગણે; ૨૦

(મિશ્રોપજાતિ)

નક્ષત્રસ્થંભે પથ જ્યાં રચેલા,
મહાલયો તારકના ઊભેલા,
નિહારિકાનાં વન જ્યાં વસેલાં,
નભાર્ણવે જ્યાં તરતાં ખમંડળો;
અનેક તારાગણથી વસેલી,
ભૂગોળ જ્યાં ભવ્ય ખગોળકેરી
પ્રશાન્ત શી વિસ્તરી, ત્યાં અશાંતિનો
અગ્નિ જલ્યો કામઘૃતે પ્રદીપ્ત.
ને શુક્રીએ લોચનબાણ નાખ્યું,
શશીકળાએ કરને પ્રસાર્યા, ૩૦
ને નેત્ર ઢાળી મલકંત મોંએ
થૈ મંગલા રમ્યતરા સહુમાં.

(અનુષ્ટુપ)

એવી એ પ્રેમની જ્યારે ભરતી કૈંકને ચડી,
અન્ય કૈં જનને ત્યારે વ્યથા એ વસમી બની.

(મિશ્ર..)

છૂપે બધું, કિંતુ ન નેત્ર પ્રેમનાં
છૂપે કદી, સ્નેહ-સુવાસ વ્હેતો
ઉચ્છ્‌વાસ ના રહે કદી ગુપ્ત અંતરે,
એ તો અડી જાય હરેકને ઉરે.

(અનુષ્ટુપ)

વ્યોમના વડવા સર્વ, ધુરીણો જગચક્રના,
શાણાઓ સૃષ્ટિના સર્વ વ્યગ્ર એ જોઈને થયા. ૪૦

(મિશ્ર..)

ઝંઝાતણા કો સહસા પ્રવાતે
સુષુપ્ત ડોલી વન જેમ ઊઠે,
ધૂણી ઊઠ્યો એમ સમાજ શિષ્ટનો,
અશિષ્ટ આ કો ઉરના અજંપે.

મને મને વિદ્યુત એક સંસ્ફુરી,
ગૃહે ગૃહે ટ્હેલ અશબ્દ સંચરી,
અનિષ્ટ રે કોઈ મહા અનિષ્ટની
આ સૃષ્ટિ માથે ઉતરી રહી ઘડી.

વહી જતી જીવનની નદી હતી
બે તીર વચ્ચે નિત સ્વસ્થ વેગે, ૫૦
ન નીરમાં રેલ ધસંત કોઈ દી,
ન કોઈ કાંઠા તણી પાળ ભાંગતી.

(અનુષ્ટુપ)

પાળોને ભાંગતી આ તો ગાંડી કો સરિતા અરે,
ધસે છે ભીંસતી જૂાના તટોની શાંતિને ખરે.

(મિશ્ર..)

ક્યાં હાથ દેવા? લઘુ હસ્તના જનો
હતાશ હૈયે સ્થિર બે ઘડી બન્યા :
કોને ક્યહીં રોકવું , કૈ વિધે, ક્દા-
મૂંઝાઇ સૌ જ્ઞાન રહ્યું જનોતણું.

(અનુષ્ટુપ)

અને ત્યાં દૃષ્ટિએ આવ્યો, મૂલ એ કર્ષણોતણું,
રમ્ય યૌવનમૂર્તિ તે તારલો પથ કાપતો, ૬૦

(મિશ્ર..)

‘યુવાન રે આ સરજે ઉપદ્રવ,
અકાળ કાં આ તપ આદરી રહે?
ત્યજી ગુહીનો નિજ ધર્મ ધર્મ્ય,
કાં ત્યાગનો ક્લિષ્ટ પ્રપંચ આ ગ્રહે?’

(અનુષ્ટુપ)

એવા એ ચિંતના-ચક્રે આરૂઢ જગના જન,
પુરાણા પથનાં શોધી રહ્યા ઓસડનાં વન.

(મિશ્ર..)

‘એને નહિ આમ હજી ઘટે તપ,
જેણે ન જીત્યા જગના જ આતપ,
ગુહે વસી તું ગૃહ-અગ્નિ વર્ધ,
યુવાન હે, આ તવ એક ધર્મ !’ ૭૦

(અનુષ્ટુપ)

વહ્યો આદેશ એ ઉગ્ર અગ્નિના બાણ પે ચડી,
તારાની અટકી યાત્રા, સ્થિર થૈ પદ ચાખડી.

(મિશ્ર..)

જલી રહ્યો શબ્દ ઉદગ્ર અગ્નિ શો :
અભદ્ર તારું તપ આ ત્યજ ત્યજ.
ને ભદ્રતાનો પથ શોધવાને
ઊંચે દૃગો તારકનાં ભમે ભમે.

(અનુષ્ટુપ)

હતી ત્યાં દૂર કૈં દૂરે મેદની જનની મળી,
ને બીજા આભના ઢાળે રમ્ય કૈં કામિની ખડી.

(ઇન્દ્રવંશા)

‘તારો તજી દે પથ તું અરે પથ,
તારું તજી દે તપ તું અરે તપ.’
એ માત્ર ઉદ્‌ગાર ભરી ભરી હવા
વ્યાપી રહી કો વિષની ઘટા સમી.

(અનુષ્ટુપ)

તજવું ગ્રહવું મારે કશું આ ભ્રમજાળમાં !
મુગ્ધ એ નેત્રથી પ્રશ્ન કરતો સ્થિર તારક.

[શાલિની]

આગે પીછે? દક્ષિણે વામ ભાગે?
કોની કેડી? પંથે કોના સુપંથ?
કોના શબ્દે મુક્તિ, ક્યાં શુદ્ધ ભુક્તિ
કોના નેત્રે દિવ્ય આનંદ સિદ્ધિ?

(અનુષ્ટુપ)

ક્લેશ ક્લેશ લ્હ્યો એણે સર્વનાં નેત્રને વિષે,
રૂપમાં રંગમાં સૌના જ્ઞાનમાં, ગુણપુંજમાં. ૯૦

(ઇન્દ્રવંશા)

મીંચી એણે નેત્ર અંતઃસ્થ કીધાં,
સંચ્યો સર્વે કીધ ઉદ્દીપ્ત અગ્નિ,
ને પ્રાણોને પૂર્ણ વિસ્તાર અર્પી,
યાત્રા એણે ભિન્ન કો વ્યોમ લીધી.

(પૃથ્વી)

હ્ઠાત ઝળહળી રહ્યા નભતણા પ્રતિ પ્રાંગણ,
સ્ફુરી ગગનમાં રહ્યો દ્યુતિભર્યો મહા અંચલ,
સુશુભ્ર પટ કો સવેગ સભરે બલે વિસ્તર્યો,
ધરી જ્વલત રૂપ ઉગ્ર શર સો સર્યો તારક.

(અનુષ્ટુપ)

ઝંખાયાં સર્વનાં ચક્ષુ, સ્તબ્ધ સૌ અંતરો બન્યાં;
આંખ પે અંજલિ ઢાળી નિરખી સહુ કો રહ્યાં. ૧૦૦

(સ્ત્રગ્ધરા)

રે આવાં તેજ કો દી જગતનયનને દૃષ્ટિએ ના પડેલ,
રે આવા ઉગ્ર વેગો જનમનતણી ના કલ્પનાએ ચડેલ,
શું થાશે? સૃષ્ટિ જાશે અતલ વિતલને ઘોર પાતાલ ગર્ત?
કો ત્રાતા? લોક કેરો પ્રલય બચવવા કોણ રે હા સમર્થ?

(અનુષ્ટુપ)

કિંતુ એ ભય ભાંગંતી હવા ત્યાં શાંત વિસ્તરી,
શામતી સહુને શીળી અંતરે અંતરે ઠરી.
કામ સૌ કામિનીકેરા પ્રકાશે લુપ્ત થૈ ગયા,
સંશયો જગશાણાના આકાશે બાષ્પ થૈ ચડ્યા.

(સ્ત્રગ્ધરા)

ને એવી સાંત્વનાની સુરભિ વિતરતો મૂક લેઈ વિદાય,
ચાલ્યો એ સૌ પથોને પરહરી, નિજના પથની નવ્ય રેખા ૧૧૦
આંકતો સૃષ્ટિ માથે, દ્યુતિમય જગની માંડતો ભવ્ય લેખા,
વાધ્યો એ વિશ્વકેરાં વહન વટી, ધરી તેજની શુભ્ર કાયા.

(અનુષ્ટુપ)

દિશાના દિક્‌પાળોએ ઘટના ભવ્ય અ લહી,
પ્રભુના ચરણે જૈને કથા એ જ્યોતિની કહી.

(સ્ત્રગ્ધરા)

ને દૂરે દૂર દૂરે અપથગતિ જતો ધૂમકેતુ નિહાળી,
સ્રરષ્ટા આ સૃષ્ટિકેરા હરિ પયનિધિમાં પદ્મ શાં નેત્ર ઢાળી,
સૃષ્ટિમાં સર્જનોની નવલ ગતિ તણો રમ્ય આરંભ ભાળી,
બોલ્યા માંગલ્ય વાણીઃપથ અપથ બધે વિસ્તરે જ્યોતિ મારી. ૧૧૮
(૩૧ ડિસેમ્બર, ૧૯૩૨)
(ઑગસ્ટ, ૧૯૫૩)