કાવ્યાસ્વાદ/૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૧

પ્રભો, ડગમગતે પગલે અમે માંડ હકીકત સુધી પહોંચીએ છીએ ત્યાં ફિલસૂફો અમને કહે છે કે હકીકત જેવું કપોલકલ્પિત બીજું કશું નથી! આથી જ તો હકીકતનો ઉમ્બર ઓળંગવાની અમારી હિમ્મત ચાલતી નથી. પાછળથી કશોક ધક્કો વાગે ને જો પરાણે એ ઉમ્બર ઓળંગી જઈએ તો સત્યના પ્રદેશમાં જઈ ચઢવાનો ભય રહે છે. પ્રભો! હકીકત સાથે મેળ પાડી શકતા નહોતા તો સત્યને શી રીતે સહી શકીશું? પ્રભો! સત્યને જોવાની તેં અમને આંખ આપી નથી, માટે સત્યદર્શનથી અમને બચાવજે, તું તો મહા કરુણાળુ છે એમ સાંભળ્યું છે. પ્રભો! અણુબોમ્બની તો અમે વાતો જ સાંભળી છે, પણ એ વાત હાડેહાડમાં ભય ફેલાવી ગઈ છે. બેઠકના ઓરડામાં અમે કોઈક વાર એકલા પડી જઈએ છીએ ત્યારે ખાલી ખુરશી અમને ડરાવે છે. આથી જ તો કોઈ ખુરશી ખાલી નહિ રહે એવી વેતરણમાં હમેશાં અમે રહીએ છીએ. પ્રભો! તમારા મુખ પર સદા સ્મિત રમતું જોઈને અમે પણ હસવાનું શીખવા મથ્યા. અમારામાંના કેટલાક હસ્યા ત્યારે એમનું મોઢું ભારે વરવું લાગ્યું, એમનું અટ્ટહાસ્ય ચીસ જેવું લાગ્યું. હવે લોકો જે રીતે હસે છે તે જોતાં હસવાની હિમ્મત થતી નથી. પ્રભો! હસવું એ અમારાં ગજાં બહારની વાત છે, માટે અમને હસવાથી બચાવજે. પ્રભો! તું પરમ કલ્યાણકારી છે એમ અમે સ્તુતિમાં ગાતા રહ્યા. પણ કલ્યાણ શું તે તો અમારી સમજની બહાર જ રનત્ું! હવે તો ચારે બાજુથી અમારું કલ્યાણ કરનારા ઉભરાઈ ઊઠ્યા છે. એઓ જે રીતે કલ્યાણ કરી રહ્યા છે તે જોતાં તો પ્રભો, તું અમને કલ્યાણથી ઉગારજે એવી અમારાથી યાચના થઈ જાય છે. પ્રભો! જાણીએ છીએ કે તારું ઐશ્વર્ય અપાર છે, પણ એ ઐશ્વર્યનો ભાર અમે સહી શકીએ એમ નથી. અમે તો અમારી તાંદુલની પોટલી જ પાછી માગી રહ્યા છીએ. આ જગતને માયા સમજીને ચાલ્યા તો એ માયા જ અમને વળગી પડી. આંખ ખુલ્લી રાખી તો કાંઈ કેટલાં બ્રહ્માણ્ડો ધસી આવ્યાં. ભયના માર્યા આંખ બંધ કરી તો અંદર પાતાળ પછી પાતાળ દેખાયાં. માટે કહીએ છીએ પ્રભો! અમને અંદર અને બહારથી બચાવજે. ત્રાહિ મામ્! ત્રાહિ મામ્!