કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૯. પહાડોની પેલેપાર
Jump to navigation
Jump to search
૨૯. પહાડોની પેલેપાર
ઉશનસ્
હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,
અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે;
મને કોઈ આઘે સમયમહીં મારા વતનથી
ગયું’તું — યાદા’વે — અપહરી પુરા કોઈક ભવે.
પુરા જ્યારે જ્યારે નીકળતી હતી વાત ઘરમાં
વને નિર્વાસેલા નૃપકુંવરની, ‘એ વન વિશે
ઊભા આડા પ્હાડો, નદી વહતી ઓ પાર...’ સુણતાં
ઊઠંતા પ્રાણો શેં તડપી મુજ તે આજ સમજું.
‘અહો પેલી પારે ગિરિતણી વહે કોઈક નદી,’
નર્યા ઉલ્લેખેયે સરી જતી કંઈ કેટલી સદીઃ
ચલી આવે યાત્રા-કથની દૂરથી સંસ્કૃતિતણી.
વને પ્હાડો-પ્હાડોતણીય વળી ઓ પાર નદી કો
વહે છે અંજાણી, તટ ઉપર ત્યાં શાપિત પરી
રહે કો એકાકી રટત મુજને રાજકુંવરી...
(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૨-૩૪૩)