કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૪. તડકાને મેળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૪. તડકાને મેળે

ઉશનસ્

(એક એક્સ્ટસી)
શેડકઢા આ તડકાઓમાં
તાજી તાજી ટેકરીઓની
પોચી પોચી ટોચો કેરી
કળીઓ કળીઓ ઊઘડી ગઈ છે
શુભ્ર ફૂલોની ઝાળઝાળના
ભડકાઓમાં.

ટેકરીઓની ચટ્ટાનો પર
ખીણઊભર્યાં મેદાનો પર.
તડકાના કણ મોંમાં લૈને
ઝણઝણ ઝણઝણ
ખદબદતું કીડિયારું!
તડકે તડકે પગદંડીઓ
ટેકરી ઉપર ચડે;
હર ખેતરથી કેડી કેરી
ખળખળ ખળખળ આવી મળતી
તડકાના મેદાનતળાવે!

ટેકરીટોચે છેક
એક છે તડકા કેરી દેરી;
દેરી ઉપર ફરફર ફરફર
ધજા મહીં ફરકે છે ધોળો
ધોળો ધોળો તડકો.
તડકિત પવનો વાય,
તડકિત ડોલે હર વસ્તુની છાંય.
આંખો તડકિત!
પંખી કેરી પાંખો તડકિત!
ફૂલો તડકા! તડકાનું ફૂલ!
ગીતોના શબ્દો છે તડકિત!
તડકિત છંદોલયની ઝૂલ!
મેદાને મળિયો છે ઘેરો
તડકા કેરા કણ કણ કેરો
તગતગ મેળો!

એક ખાનગી વાતઃ
(હું પણ ભેળો)
પુલકિત તડકો, તડકિત પુલકો!
આભ લગી આભાની ઝલકો!
આભલું તડકો! ધરતી તડકો!
જોનારાની આંખો તડકો,
જોવાની વસ્તુ તે — તડકો!
ચ્હેરો સૂરજ, ચ્હેરો તડકો!
સૂરજ-તડકો-ચ્હેરો — એકાકાર,
તડકાના મેળામાં મેં તો ખોયો મુજ આકાર,
ખોઈ નાખ્યો રે મેં તો મારો
અળગો નોખો રૂપરેખનો ચ્હેરો!

ચ્હેરો જે મેં
અંધારામાં, બનીઠનીને,
રૂડું રૂપાળું નામ દઈને
પહેર્યો.—
શેડકઢા આ તાજા તાજા તડકાઓમાં.

(સમસ્ત કવિતા, ‘વસંત-તડકા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૪૧૬-૪૧૭)