કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૩. કવિની કેફિયત

ઉશનસ્

વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં, યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર.         —વિo

મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!         —વિo

તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર!          —વિo

એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
પૂરો થાવ દો પુલકોનો આ ઉપરાછાપરી ફાલ,
પ્રશ્ન પછી લૈશું, ક્હેશો તે લઈશું માથે ભાર.
વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.

(સમસ્ત કવિતા, પૃ. ૮૨૮)