કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૧. પાપી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧. પાપી

કોટિ કોટિ નિહારિકા ઘૂમે,
કોટિ પ્રકાશના ગોળઃ
કોટિ પ્રકાશના ગોળ;
નવલખ તારલા લોકવાણીના,
સૂરજ રાતા ચોળઃ
એવું અંતરીખ તણાયું,
અનન્તનું ગેબ ચણાયું !
ટમટમે ઘર-દીવડા જેવો
સૂરજ આપણો એકઃ
સૂરજ આપણો એક;
આભ-અટારીના એક ખૂણામાં,
એક ખૂણામાં છેકઃ
વળી એનું મંડળ મોટું,
ગુરુ-શનિ આઠનું જોટું !
આઠ ગ્રહોનાં આઠ કૂંડાળાં,
એમાં કૂંડાળું એકઃ
એમાં કૂંડાળું એક;
પૃથ્વીનો મારગ પાંચમો ને આડાઃ
ચાંદાના ચાંદ અનેકઃ
એમાં પાંચ ખંડ સમાણા,
પાંચેનાં અલાયદાં થાણાં !
પાંચમાં તો જરી એશિયા મોટું,
એમાંય હિન્દુસ્થાનઃ
એમાંય હિન્દુસ્થાન;
હિન્દમાં મુંબઈ એક ઇલાકો,
વાણિયાઓનું ધામઃ
ઇલાકે ગુર્જર વાડી,
દારૂ ઓછો, ઝાઝી તાડી !
ગુજરાતમાંય કચ્છની પાંખમાં,
આવ્યો કાઠિયાવાડઃ
આવ્યો કાઠિયાવાડ;
એમાંયે વળી એક ખૂણામાં;
શેતરૂંજાના પહાડઃ
એમાં એક ગામ સંતાણું,
એનું મારે કરવું ગાણું !
શેતરૂંજાના ડુંગરા ડોલે
વચમાં ગાંભુ ગામઃ
વચમાં ગાંભુ ગામ;
કાળા ભગતની લીમડીનું ઠૂંઠું,
આંગળી ચીંધે તમામઃ
મોટી મોટી વાતમાં મારું,
નાનું ગાણું લાગશે ખારું !
શેતરૂંજીનાં નીર વહ્યાં જાય,
ગાંભાની કોર ઘસાયઃ
ગાંભાની કોર ઘસાય;
ગામને પાદર રામદુવારે;
સાંજના આરતી થાયઃ
ફળીમાં લીમડી લૂમે,
લીંબોળીનાં લૂમખાં ઝૂમે !
એક દી’ને સમે વાત રહી ગઈ,
ધાર્યું ધણીનું થાયઃ
ધાર્યું ધણીનું થાય;
મારનારો ઉગારનારો બધું
એ જ; કશું નવ જાયઃ
કે’તાં જીભ તાળવે ચોંટે,
વહે લોહી દિલમાં દોટે !
સાવ હતો દિન ઊજળો ને હતો
ધોમ ધખેલ બપોરઃ
ધોમ ધખેલ બપોર;
ગરમી ! ગરમી ! યોગ્ય હતું ટાણું
કાંધ જો મારવો ચોર;
બેઠું’તું રામદુવારે,
હરિજન એકાકારે !
નવ હતા બેઠા ભાવિક, વચ્ચે
બાવાજી વાંચે પાઠઃ
બાવાજી વાંચે પાઠ;
એક ખૂણામાં ગોદડી નાખી
વાળી અદબ પલાંઠ
અગ્યારમા કાળુ ભાભા,
મૂછો જાણે રૂના ગાભા !
કેમ થયું એ તો રામજી જાણે,
છૂટ્યા વા બારેબારઃ
છૂટ્યા વા બારેબાર;
આભમાં મેઘાડંબર ગાજ્યો
વરસે મૂશળધારઃ
ડોળું ડોળું આભ ડોળાયું,
નદી મહીં ઘોડલું ધાયું !
સનન સનન વીજ ઝબૂકે,
કાન ફૂટે કકડાટઃ
કાન ફૂટે કકડાટ;
કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં,
કોઈનાં ઊડતાં હાટઃ
માળામાં કાગ કળેળે,
ઝીંકાઝીંક ડાળીઓ ખેલે !
કડડ કરતા થાય કડાકા
વીજ ઝઝૂમે શિરઃ
વીજ ઝઝૂમે શિર;
પડી કે પડશે, મરશું બાપલા !
મૂંઝાયા ધારણધીરઃ
અગ્યારેયે આંકડા ભીડ્યા,
એવામાં બાવાજી ચીઢ્યા !
“પાપીને માથે વીજ ઝઝૂમે !
(એમ) લોકની વાણી ગાયઃ
લોકની વાણી ગાય;
અગ્યારેને મારવા કરતાં
સારું જો એકને ખાય.”
બાવાજીએ સાફ સુણાવ્યું,
કોઈનેયે મન ના ભાવ્યું !
“સાંભળો સાચનાં વેણ સાધુજન !
સૂચવું એક ઉપાયઃ
સૂચવું એક ઉપાય;
સામી ફળીમાં ડોલતી લીમડી,
પંચ કે પાપણી થાયઃ
જઈ જઈ હાથ અડાડો;
પાપી શિરે વીજનો ખાડો !
એક પછી એક લોક ઊઠે, ને
સર્વના ધ્રૂજતા પાયઃ
સર્વના ધ્રૂજતા પાય;
અડ્યા કે ના અડ્યા એમ કરીને
ચટકે પાછા ધાયઃ
આવીને ‘હાશ !’ કરંતા,
સહુ સાથે બાથ ભીડંતા.
નવ જણાએ હાથ અડાડ્યા
જીવ્યા નવેના નવઃ
જીવ્યા નવેના નવ;
“કાળો ભગત તો ઘરડું માણસ !”
બાવો કે’ “જાવા ન દઉં.”
લીમડીએ હાથ અડાડ્યો,
બાવોયે પાછો આવ્યો !
“કાળું કરો તમ મુખડું, કાળા !
ફટ રે ભગત નામ !
ફટ રે ભગત નામ !
પાપી તમે નક્કી, વારો તમારો,
નામ જેવાં તમ કામ !”
સહુ ફિટકાર વહાવે,
ભગતને મન ન આવે !
ડૂલતા, ધ્રૂજતા, ભગત ઊઠ્યા,
પોં’ચ્યા એ લીમડી પાસઃ
પોં’ચ્યા એ લીમડી પાસ;
કડક કરતો થાય કડાકો,
સહુના અધ્ધર શ્વાસઃ
“ભગતના રામ રમ્યા શું?”
પાપી કેરું પારખું તો થ્યું !”
સનન કરતી વીજળી આવી,
દશને લીધા બાથઃ
દશને લીધા બાથ;
કાળા થઈને કોલસા કેરા,
સહુના પગ ને હાથઃ
જીવ્યો કાળો લીમડી કેડે,
મર્યા દશ સમજી-મેડે !
જાવ જદિ કોઈ પાન્થ, મુસાફર !
શેતરૂંજીને તીરઃ
શેતરૂંજીને તીર;
ગાંભાને પાદર રામદુવારે,
થામજો ભાઈ લગીર,
કદી કો બાળને જાચો !
બતાવશે થાનક સાચો.

૨૬-૬-’૩૩
(કોડિયાં, પૃ. ૫૩-૫૯)