કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૦. પૂજારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. પૂજારી


ઘંટના નાદે કાન ફૂટે મારા,
ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
અંગ મારું અભડાય :
ન નૈવેદ્ય તારું આ !
પૂજારી પાછો જા !
મંદિરના આ ભવ્ય મહાલો
બંધન થાય મને;
ઓ રે, પૂજારી ! તોડ દીવાલો,
પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ !
પૂજારી પાછો જા !
એરણ સાથ અફાળે હથોડા
ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો :
(ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા !
પૂજારી પાછો જા !
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?
બ્હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
પ્રેમ નહિ, પથરા :
ઓ તું જોને જરા !
પૂજારી પાછો જા !
માળી કરે ફૂલ-મ્હેકતી વાડી
ફૂલને તું અડ કાં?
ફૂલ ધરે તું : સહવાં એને
ટાઢ અને તડકા !
એ તે પાપ કે પૂજા?
પૂજારી પાછો જા !
ઓ રે, પૂજારી ! આ મંદિર કાજે
મજૂર વ્હે પથરા :
લોહીનું પાણી તો થાય એનું
ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા?
પૂજારી પાછો જા !
ખેડૂતને અંગ માટી ભરાતી
અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
ઘંટ બજે ઘણમાં :
પૂજારી સાચો આ !
પૂજારી પાછો જા !

૭-૮-’૨૯
(કોડિયાં, પૃ. ૪૨-૪૪)