કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩. સમાન્તર સુરેખ બે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. સમાન્તર સુરેખ બે

સમાન્તર સુરેખ બે ઉભય આપણે વિંધતા
જશું જીવન આપણું : સકલ પૃથ્વી પે મૂકતાં
જશું ચરણચિહ્નની અતૂટ વાધતી વીથિકા,
વિજોગ મહીંયે સમી ગ્રથિત પ્રેમની લિપિકા :
સમાન્તર સુરેખ બે ઉભય એકમેકાકુલા
હું-તું સદય દોડશું વર, વિરાટ રુદ્રં, મહા,
અપ્રાપ્ય સમ પામવા મહદ કાલના અન્તને :
અન્નત કદી અન્તમાં વિલીન થાય શ્રદ્ધા મને !
સમાન્તર સુરેખ બે ઉભય વેગળી વેગળી;
છતાંય પથ; લક્ષ્ય ને તલપ એક : સાથે મળી
અસ્પૃશ્ય સ્પરશે અડી સકળ જિંદગી બેકલાં
રહી જગત ઝૂઝશું ઉભય એકલાં એકલાં.
સમાન્તર સુરેખ બે અખિલ કાલગંગાતટે
કદી નવ મળે, અડેય નહિ; તોય સારી વદે
પ્રમા ગણિતશાસ્ત્રઃ “એય મળતી અનન્તે નકી !”
ખરે? ઊગમ એક; ને અગમ ભાવિ; આશા થતી !
મૂકી તુરગ મોકળા પવન-પાણી-પન્થા હવે
સખી ! જીવન દેવતા ! ઉભય દોડશું આ ભવે
કૂદંત પુરપાટ, વક્ષસ્થળ ફાટ, સાથે-જુદાં,
ઊગ્યાં ત્યમ અલોપવા પ્રણયએકમે,
અનન્ત મહીં જાગવા ઉભયમાં ! — સૂતેલાં જુદાં !



અને જીવન વિંધતી સરિતના સમા તીર બે
અસ્પૃષ્ટ, — અતિસ્પૃષ્ટ, એક પથ-પાન્થ, યાત્રી બની,
પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી,
અનન્ત ધરી લક્ષમાં જીવનશું—સખી કોલ દે !

૧૦-૧૦-’૩૩
(કોડિયાં, પૃ. ૧૬-૧૭)