કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨. મોના લિસાનું સ્મિત
કહું કદીકઃ “ગૂઢ મર્મ સ્મિતનો લિસા ! મેં ગ્રહ્યો !”
— વિવેચક હજારને જીવ ન વેડફ્યે ના મળ્યો !
સહુ ભ્રમર ભાંગશે વિકલઃ “બેસ, ડાહ્યો થયોઃ
જરાક લવતાં શીખ્યો, જરીક પાંગર્યો, ત્યાં છળ્યો !”
છતાંય વદું : લુવ્રને જીવન આપતાં હાસ્યની
પ્રતિચ્છવિ પડી હૃદે, જગ ચળાવતા લાસ્યની !
અજેય સ્મિત આ દીધું નહિ હતું તેને વિન્ચીએ !
—ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ !—
જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા,
અકારણ તને હતી કદીક ચીતરી વ્યાપવા.
પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં,
કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં !
અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી,
જરીક ઊપસેલ તે અધરનીય રેષા ઢળી.
અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા,
જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી !
ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું !
કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું !
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં !
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા !
નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને !
કહો, ક્યમ વિવેચકોય તણી પાસ ખુલ્લો બને?
વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો,
જરીક હસતાં રડી રચત ફિલ્સૂફીના થરો !
અને તુજ સ્વરૂપના ચિતરનારના માનસે
મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે !
૨-૭-’૩૪
(કોડિયાં, પૃ. ૧૩-૧૪)