કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૩. ઘણ રે બોલે ને –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૩. ઘણ રે બોલે ને –

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ભજનનો]
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો...જી.

એ જી સાંભળે વેદનાની વાત –
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો...જી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહાર:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો...જી.
પોકારે પાણીડાં પારાવારનાં હો...જી.
જળ-થળ પોકારે થરથરી:
કબરુંની જગ્યા રહી નવ જરી;
ભીંસોભીંસ ખાંભિયું ખૂબ ભરી,
હાય, તોય તોપું રહી નવ ચરી:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

ભઠ્ઠિયું જલે રે બળતા પો’રની હો...જી.
ધમણ્યું ધમે રે ધખતા પો’રની હો...જી.
ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા –
તોય પૂરા રોટા નવ શેકાણા:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

હથોડા પડે રે આજ જેના હાથના હો...જી.
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો...જી.
સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો:
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ – દાતરડું કે તેગ?
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

આજુથી નવેલાં ઘડતર માંડવાં હો...જી:
ખડગખાંડાંને કણ કણ ખાંડવાં હો...જી.
ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ!
ઝીણી રૂડી દાતરડીનાં રાજ,
આજ ખંડખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો...જી.
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો...જી.
ભાઈ મારા! ગાળીને તોપગોળા,
ઘડો સૂઈ-મોચીના સંચ બો’ળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો...જી:
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધનાં હો...જી.
ભાઈ મારા લુવારી! ભડ રે’જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે;
ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં:
હો એરણ બેની! – ઘણ રે બોલે નેo

૧૯૩૨
‘ફૂલછાબ’ માટે રચાયું હતું. ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. ‘જેસલ, કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આંતરાનો ઢાળ બેસાડ્યો   છે.
(સોના-નાવડી, પૃ. ૧૧૭-૧૧૮)