કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૨. ઓતરાદા વાયરા, ઊઠો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. ઓતરાદા વાયરા, ઊઠો!

ઝવેરચંદ મેઘાણી

ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે –
ઓતરાદા વાયરા, ઊઠો!
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા, ઊઠો!
ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે
હાકલ દેતા, હો વીર, ઊઠો!
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો! – ઓતરાદાo
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ
સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ:
ઝંઝાના વીર, તમે ઊઠો! – ઓતરાદાo
કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!
કરમાતી કળીઓને ચૂંટો;
થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા:
ચોર-ધાડપાડ ભલે લૂંટો! – ઓતરાદાo
છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળો:
સૂસવતી શીત લઈ છૂટો;
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
ચીરો ચમકાટ એનો જૂઠો! – ઓતરાદાo
ઊઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!
ફરી એક વાર ભાંગ ઘૂંટો:
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા
હુહુકાર-સ્વરે કાળ, ઊઠો! – ઓતરાદાo
કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!
રહેજે ચંદનની ગોદ સૂતો;
નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજ: ઘોર
વિપ્લવના ઢોલડા ધડૂકો! – ઓતરાદાo
૧૯૩૪
બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તર-દક્ષિણ વહે છે. વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે