કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૫. ઝાકળનું બિન્દુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૫. ઝાકળનું બિન્દુ

ઝવેરચંદ મેઘાણી

ઝાકળના પાણીનું બિન્દુ
એકલવાયું બેઠું’તું;
એકલવાયું બેઠું’તું ને
સૂરજ સામે જોતું’તું;
સૂરજ સામે જોતું’તું ને
ઝીણું ઝીણું રોતું’તું.

“સૂરજ ભૈયા! સૂરજ ભૈયા!
હું છું ઝીણું જલબિન્દુ;
મુજ હૈયે તમને પધરાવું
શી રીતે, હે જગબંધુ!

“તમે દૂર વાદળમાં વસતા,
સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માંડોની રજ રજ રસતા
ઘૂમો છો, બંધુ!

તમ વ્હોણું મુજ જીવન સઘળું
અશ્રુમય, હે જગબંધુ!”

“જલબિન્દુ રે જલબિન્દુ!
ઓ નાજુક ઝાકળબિન્દુ!”
સૂરજ બોલે: “સુણ, બંધુ!

‘હું તો ત્રિલોકમાં ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો:
તેમ છતાં હું તારો તારો,
હે ઝાકળબિન્દુ!

“તોય મને તું વા’લું વા’લું,
બાળાભોળા જલબિન્દુ!
તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિન્દુ!

“તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઇન્દ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિન્દુ!

“તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું.
હે નાજુક બિન્દુ!”
હસતે મુખડે સૂરજરાણા
જલબિન્દુમાં જઈ સમાણા:
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિન્દુ!

રચાયું ઘણું કરીને ‘૩૩/૩૪’માં. તે વખતે રવીન્દ્રનાથની અસલ કૃતિ ‘પ્રસાદ’ હાથ નહિ લાગેલી, પણ કૉલેજકાળ દરમ્યાન કોઈ ઠેકાણે ‘ધ ડ્યુડ્રોપ વેપ્ટ એન્ડ સેડ, માય લાઇફ ઇઝ ઑલ એ ટીઅર’ એવો કોઈ અંગ્રેજી અનુવાદનો ભણકાર માત્ર રહી ગયેલો તે પરથી રચેલું. હમણાં ‘પ્રસાદ’ ‘સંચયિતા’માંથી હાથ લાગ્યું, મેળવી જોયું, ને લાગ્યું કે મૂળ જે રચાયું છે તે કંઈ ખોટું નથી.
(સોના-નાવડી, પૃ. ૨૯૨-૨૯૩)