કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૩. મેરી ગો રાઉન્ડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેરી ગો રાઉન્ડ

નલિન રાવળ

આંખની સામે
આંખમાં
કાનની નજદીક
કાનમાં
નીચે-ઉપર, બહાર-અંદર છેક તળિયે
એક રાત્રિ
કાળઝાળ વરસતા ઉનાળાની બપોરે સનન કરતી
વેગીલા વંટોળની જેમ જબરું ઘમસાણ મચવતી
ધસી રહી છે —
પકડવી કયે છેડેથી?
કયે છેડેથી અંગેઅંગમાં ખૂંપી જતી
અંદરબહાર ગચિયેગચિયાં થઈ તૂટી પડતી
આ રાત્રિને પકડવી?
પકડીનેય ક્યાં... ક્યાં જવું?
આ કાળઝાળ વરસતા ઉનાળાની
કઈ બપોર-બખોલમાં જવું
જ્યાં જઈ આ આછી અમથી કરચ —
હાથમાં આવેલી અજાણ રાત્રિના છેડાની કરચ
ભાંગતા ભાંગતા પહોંચવું ત્યાં...
ચકર ચકર ઘૂમી રહ્યો છે જ્યાં
મેરી ગો રાઉન્ડ
આકાશની નીચે
નીચે ભરચક તારકોની નીચે
નીચે નગરસરકસના લાલપીળા તંબૂ નીચે
તરતા તેજ-છાયા ટાપુઓ નીચે
ઘૂઘવતો ઘૂમી રહ્યો છે મેરી ગો રાઉન્ડ.
છવાતી... અંતરમાં પ્રસરતી સ્ત્રીઓની
તેજીલી ખુશ્બૂથી ભરેલો
પતંગિયાંની પાંખ જેમ આમતેમ ઊડતાં
બાળકોના ખિલખિલાટ હાસ્યથી ભરેલો
તરતા તેજ-છાયા ટાપુઓ નીચે
ઘૂઘવતો ઘૂમતો ઘૂમ્યા કરે છે મેરી ગો રાઉન્ડ...
જંગલ પ્હોળી ફાળ લેતા સિંહનાં
ખુલ્લાં અગ્નિ ભભક્યાં જડબાં.
પીળી યાળ પકડી
પોલાદી પીઠ પર બેઠેલી
સ્ત્રીને —
તેનાં રૂંવેરૂંવાં ધ્રૂજવી સરકી આવેલી
ધ્રુજારીને
તેની આંખોમાં ફફડતી જોતો બેઠો છું —
સમાંતર દોડી રહેલા કાળા ચિત્તાની ઉપર.
કઈ ત્રાડે?
આ સિંહ પર બેઠેલ ચકર ચકર ફરતી
સ્ત્રીએ સાંભળી
કે તેની આંખમાં ધ્રુજારી તરફડી રહી છે
આ સિંહની ત્રાડે?
ના
એ તો લાકડાનો છે.
તો એવી તો કઈ ત્રાડ ક્યાંથી? (મારામાંથી?)
જળલીસી કાળી ચમકતી ચિત્તાની ડોક પર
માથું ઢાળી જોઉં છું —
ચિત્તાપૂંઠે ઊછળતા સાગરનીલા અશ્વો પર
કિલકિલાટ કરતી કન્યાઓને
પણ આ પરી પકડાતી નથી
પરી પાંખ પ્રસારી ઊડી રહી છે
સહુની પાંપણધારે
બેસવું હતું એને
બેસવું હતું મારે
બેસવું હતું સૌને
સૌને પરીપાંખે બેસી ઊડવું હતું દૂર...
વેગ ચગી આંખે હવે
બધું ગોળ ગોળ ઘૂમતું લાગે છે —
આગળપાછળ ડોક લંબાવી ઘુમાવી
જોઉં છું... જોયા કરું છું.
બધા જ ઘૂમી રહ્યા છે —
લાકડાનો સિંહ (સિંહ પરની સ્ત્રી ક્યાં ગઈ?)
લાકડાના અશ્વો (અશ્વો પરની કન્યાઓ ક્યાં ગઈ?)
લાકડાનો ચિત્તો (ચિત્તા પરનો હું ક્યાં ગયો?)
ધીરે ધીરે બધું લથડતું આવ્યું.
લથડ્યો સિંહ
લથડ્યા અશ્વો
લથડી પરી
લથડ્યો ચિત્તો
પછી બધું પડતું આવ્યું
પડ્યું આભ
પડ્યા ભરચક તારા
પડ્યો નગર સરકસનો તંબૂ
પડ્યા તેજછાયાના ટાપુ
પડ્યાં નર્યાં નરદમ અંધારાં
પછી
ખટાક અટકી
કીકીમાં ગોળ ઘૂમતો મેરી ગો રાઉન્ડ
કાટકા સાથે તૂટી પડે
પડે
આંખના તળિયે કચ્ચર કચ્ચર થઈ તૂટે
ખૂંપે
ખૂબ ઊંડે ખૂંપે મેરી ગો રાઉન્ડ.
(અવકાશપંખી, પૃ. ૨૯૦-૨૯૩)