કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૬. વેળા છે વાવણીની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૬. વેળા છે વાવણીની

ન્હાનાલાલ


થાજો સાગર-મેઘ સાગર કને કે મેઘપાળે વસી;
આનન્દો અવનીન્દ્રને નીરખીને સૌ નન્દ ને નન્દિની.
બ્રહ્માનન્દપ્રભે રસિક ! રમજો, બ્રહ્માંડ બ્રહ્મે ભર્યું.
રહેજો શાશ્વત પ્રેમભક્તિજળમાં, પદ્મો હરિપ્રેમનાં !
વાવો, લોક લણે; ભરો, જન પીએ; આત્મા અધૂરા ન રહે.

રોકે આભલને તટે ઊતરતાં નિર્માણનાં બાણને;
તોડે વજ્ર સમી વડી જ જકડી પ્રારબ્ધની શૃંખલા;
‘થંભી જા ક્ષણુ, આ જગત અવર છે’ કહે કારમા કાળને;
નીર્ખે નેહથી નિત્ય નિત્ય હરિને યોગેન્દ્ર એકાન્તિક;
વન્દે ગાય સ્તવે ગુણો શ્રી હરિના એ બ્રાહ્મણો – વૈષ્ણવો.

આનન્દે હરિપ્રેમયજ્ઞ પ્રગટે આયુષ્યની વેદિએ;
હોમે સંતત ઇન્ધનો વિરહનાં શુદ્ધિવિશુદ્ધિઘૃતે;
પૂજે પુણ્યજળે રસેશ્વર હરિ યાજ્ઞિક એ યજ્ઞનો;
ભાળે શાશ્વત પ્રેમભક્તિનયને બ્રહ્માંડમાં બ્રહ્મને;
આત્મા ને પરમાત્મયોગ ઊજવે : એ પ્રેમયોગી જગે.

મુદ્રા માંહી પવિત્રતા પુનિતતા, નેત્રો સુધાના ઝરા,
વાંછે વિશ્વવહન્ત સન્તહૃદય ત્રૈલોક્ય-કલ્યાણને;
જે યોગીઉર અગ્નિહોત્ર પ્રજળે પ્રેમાગ્નિનો પ્રોજ્જ્વળ,
બ્રહ્માનન્દ અખંડ જે અનુભવે હેતે હરિદર્શને.

ચાલે પાય, વહે દિગન્ત નયનો, આત્મા ઊડે આભમાં,
નાના રંગ અનુભવે; જીવન છે યાત્રાઅહોરાત્રની;
ને અન્ધાર પ્રભા પ્રભાત રજની સોહન્તી સન્ધ્યા સમાં
પૃથ્વીશોભન પાથર્યા અવનીમાં તીર્થો પરબ્રહ્મનાં;
ઘૂમે ઘૂમડી માનવી જગતમાં યાત્રી મહંકાળનો.
ગાઓ હો ! મુક્ત કંઠે રસરૂપ હરિને, જાગશે આત્મજ્યોતિ;
પુણ્યાળુ પ્રેમભક્તિ અસીમ વિચરતી ખોલશે બ્રહ્મદ્વાર.

કોણે વાવ્યાં વનો આ ? ઋતુ ઋતુ ફળતાં થોકથોકે ફળો દે;
કોણે ક્ય્હારે, ક્ય્હાંથી, જલનિધિ ભરિયો ? રત્નરાશિ ભરેલો,
વેળા છે વાવણીની; મનુકુળ લણી લે વાવણી એવી વાવો.
આવે છે ગેબ ભેદી હરિવર જગતે લોકકલ્યાણ કાજે;
આનન્દો, વિશ્વવાસી ! અખિલ જગત છે લોકકલ્યાણમેળો.

(‘હરિસંહિતા-માહાત્મ્ય’માંથી સંકલિત)

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૩૩)