કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૫. વિહંગરાજ
(ઢાળ : ગોવાળિયે ઘેલાં કીધાં રે)
તપસ્યા એ વાદળીને તીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે;
સન્ધ્યાના સાગરને નીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
આભમાં પ્રચંડપૂર ઊછળે છે પાણીડાં;
મનોવેગી વાય ત્ય્હાં સમીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
ઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘહોડલાં;
ગર્વઘેલાં, ઘટા શાં ગંભીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
સાન્ધ્યરંગી સાળુ, મહીં મેઘશ્યામ વાદળી;
રૂપેરી પાલવનાં ચીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
આંખડીનાં કિરણકિરણ વરસે કંઈ ફૂલડાં;
વીજળીની વેલ શાં અધીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
ઊડો રાજ ! પાંખમાં ભરી અનન્ત પ્રેરણા;
સાગરને નથી સ્હામા તીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે;
સન્ધ્યાના સાગરને નીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે;
વીજળીની વેલ શાં અધીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે;
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૯૯)