કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૭. વસંત-ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૭. વસંત-ગીત

ન્હાનાલાલ



કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે !
હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો !
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છોડી જજે !
રંગ્યાં દિશાચીર વિધુની વિશુદ્ધિરંગે,
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશે;
નવગંધકોષ કંઈ ગંધવતી ઉઘાડે :
ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે.
કોયલડી ! ત્હારી વેણુથી વસંતદેવી સત્કારજે !



કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે,
સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો !
લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી,
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
મીઠડી,
સાંત્વની,
ભાગ્ય સમ સંજીવિની,
જગીજીવનમંત્ર શી ઉદ્ધારિણી,
પ્રભુકિરણ સરીખી સકલસંચારિણી,
પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની :
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
કોયલડી ! ત્હારી વેણુમાં વસંતદેવી સત્કારજે !



પડઘો ક્યાં પડ્યો ? રસબાલ !
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ?
રસબાલ !
ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ?
રસબાલ !
સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો માંડતાં,
પૂર્ણિમા ને અમાસ નેજા ખોડતાં,
યશકિરીટી ઇન્દ્ર પુષ્પ વધાવતા,
ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા;

આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં;
ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો !
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે,
નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો !
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો !

કોયલડી ! ત્હારી વેણુથી અનેરી વેણુ વાગે ત્ય્હાં :
કોયલડી ! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં.
રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ,
પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ !



ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે,
આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો !
મ્હેકતું,
મ્હેકાવતું,
પ્રાણને ચેતાવતું,
વિરલ સૌંદર્યે કદી કદી ભાસતું,
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું.

ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો !
આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો !
ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે,
આપી જજો એ દેવપરિમલના આદેશ જો !
આવો વસંત ! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં.

કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે !
કાલે મ્હારે ઘેર પ્રભુજીના વરદાન જો !
કાલે મ્હારે ઘેર વસંતદેવી મહેમાન જો !
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે !
વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો !
વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્હેણ જો !
કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે !

(વસંતોત્સવ)

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬૩-૬૫)