કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૮. મ્હારે જાવું પેલે પાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. મ્હારે જાવું પેલે પાર

ન્હાનાલાલ


હો ! મ્હારે જાવું પેલે પાર;
          હવે માછીડા ! હોડી હંકાર :
                   મ્હારે જાવું પેલે પાર.

જમણે કાંઠે મથુરાનગરી,
          ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
          ત્ય્હાં છે આતમરામ :
                   મ્હારે જાવું પેલે પાર.

આભનો સાગર જળજળ ભરિયો,
          મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
          ત્ય્હાં છે ચેતન-ભોમ :
                   મ્હારે જાવું પેલે પાર.

હલકી હેલે આયુષ્ય ઊછળે
          જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
          ત્ય્હાં છે પ્રેમમન્દિર :
                   મ્હારે જાવું પેલે પાર.

          હવે માછીડા ! હોડી હંકાર,
                   મ્હારે જાવું પેલે પાર...
                  (જહાંગીર-નૂરજહાન)

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)