કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ડાળે રે ડાળે
૨૭. ડાળે રે ડાળે
ડાળે રે ડાળે ફૂલડાં ફોરિયાં! હો જી.
આવી આવી હો વસંત,
હેતે ક્ષિતિજો હસંત,
વગડો રંગે કો રસંત!
ખેતરુંને શેઢે મલક્યા થોરિયા હો જી. ડાળે રે૦
કિચૂડ કોસનું સંગીત,
ભરપૂર પાણી કેરી પ્રીત,
દવનાં દાઝાં થાતાં શીત!
તાજાં રે પાણીડે છલક્યા ધોરિયા હો જી. ડાળે રે૦
આંબા ઝૂલે કૂણાં પાને,
કોયલ સાંભળે કૈં શાને?
કડવી લીમડીઓના કાને
વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. ડાળે રે૦
(‘નાન્દી’, પૃ. ૬૭)