કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/મંદાક્રાન્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. મંદાક્રાન્તા

મંદાક્રાન્તા કણરુમધુરા છંદ મંદ ક્રમંતા,
તારી મૂર્તિ પરમ રમણીયા લહું નિત્ય નવ્ય.
તારો પ્હેલો પરિચય કશો કાલિદાસ પ્રસાદે!
હૈયે મારા મધુર ઊતરી મૂર્તિ ગૈ હૃદ્ય સદ્ય.

તારી પંક્તિ સુભગ યતિ કૈં મંદ આક્રાન્ત થાતી
સોહે કેવી કવિકુલગુરુસ્પર્શથી દીપ્તિમંત!
તારું મીઠું મિલન કવિની સાથ કાંઈ અનન્ય!
પૃથ્વીકેરાં કવિતરસિયાં સૌ થયાં ધન્ય ધન્ય!

ઝીલ્યો તેં શો દયિતવિરહી યક્ષકેરો વિલાપ!
મ્હોરી ઊઠ્યો કવિકુલગુરુની કલાનો કલાપ.
દર્દી વાણી મૃદુ ઉકલતી દક્ષ એ યક્ષકેરી
તારાં કૂંણાં હૃદયમહીં અંકાઈ કૈં મંદ મંદ.

દીઠાં ભેળાં નહિ જ અલકામાં અમે હેમ હર્મ્યે,
કિન્તુ તુંમાં ઉભય નીરખ્યાં સ્નિગ્ધ એ યક્ષયક્ષી.
આ દર્દીલો ગિરિ પર દિયે મેઘને આવકાર;
ને ત્યાં દ્હાડા ગણતી કુસુમે ઊંબરે યક્ષપત્ની.

આંહી કાંઈ કવિજન અમે ખેલતા તારી સાથે,
મેલાઘેલા અણઘડ કરે સ્પર્શતા મુગ્ધ ભાવે,
ખેલે રેતી મહીં મણિવડે યક્ષની જેમ કન્યા :
તારી દિવ્ય દ્યુતિ અમ કરે ના જરી ઝંખવાય.

ભીના હૈયે લઈ વિરહસંદેશને મેઘદૂત
જાતો ધીમે–ત્વરિત અલકા રામગિર્યાશ્રમેથી :
મંદાક્રાન્તા મરમમધુરા છંદ હે મેઘદૂતી
ઊભો તું તો અમ દૃગ સમક્ષે સદા કાલ વીંધી.

ને, સંદેશો કવિકુલકિરીટે અમોને દીધેલો
તારા મીઠા મુખથી ઉચરે સ્નિગ્ધ દામ્પત્યકેરો :
ઝીલ્યો એને રસભર અમારા કંઈ પૂર્વજોએ,
ઝીલે આજે અમ શ્રવણ એ, ઝીલશે ભાવિ પ્રેમે.
(‘નાન્દી’, પૃ. ૫૧-૫૨)