કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/મને આમન્ત્રે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૬. મને આમન્ત્રે છે

મને આમન્ત્રે છે ગિરિવરતણાં શૃંગ ગરવાં;
ધરાથી ઊંચે કૈં અનહદમહીં વાસ કરવા :
ધરામાં રોપીને નિજ ચરણને ઉન્નત ખડાં :
અ-સંગી: એકાન્તી : નિજ સુખમહીં : સ્થાણું: નરવાં.
મને આમન્ત્રે છે; અધિક કરતો કાન સરવા;
અહો, શીળી શીળી; શિખર પરની આછરી હવા :
લહેરાતી હોંસે; હૃદય હળવે : નિર્મળ નરી :
ઘણા જૂના, મીઠા સુહૃદ સરખી; – કૈં અભિનવા.
મને આમન્ત્રે છે શિખર પરનું આભ, નમતું :
વિશેષે તેજસ્વી ઉડુગણથકી કૈં ઊભરતું :
જરા જો હું ઊંચો કર મુજ કરું; – સ્પર્શું શશીને :
સદા બંધાયેલું ઉર થનગને; સૂણી, ગમતું.
મને આમન્ત્રે છે ગગનતણી યે પારની દ્યુતિ :
સુણે છે સંદેશા અજબ-નવલાં શા મુજ શ્રુતિ!

તા. ૨૮-૧૧-૧૯૭૮

(‘નૈવેદ્ય’, પૃ.૪૯)