કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/હું છું પૃથ્વી સમ
Jump to navigation
Jump to search
૧૯. હું છું પૃથ્વી સમ
હું છું પૃથ્વી સમ : તમસનાં જંગલો કૈં પ્રગાઢ,
જેમાં ધોળે દિવસ રવિનું રશ્મિ પેસી શકે ના.
ઘૂમે વ્યાઘ્રો, વૃક ક્ષુધતણા, ચોર ચિત્તાસ્વરૂપી;
ઝૂલે ડાળો પર અજગરો ઘોર આલસ્યકેરા.
વેરી, ઊંડાં કળણ અણજાણ્યાં, દગાળાં પડ્યાં કૈં.
ઝેરી, કૂડા વિષધરતણા કારમા રાફડાઓ.
બ્હોળું પૃથ્વીપડ હલમલે ભીતરી ક્ષુબ્ધતાથી.
ફાટે લાવારસ ઊકળતો ઉગ્ર, બાળે બધું યે.
છે કિન્તુ ચંદનવન ય, વ્હેતા ઝરાઓ સુરમ્ય,
વેલી પુષ્પે લચત; કુસુમો રંગગંધાઢ્ય, હૃદ્ય;
ડાળે ડાળે રસભર ફળો પક્્વ સર્વર્તુકેરાં;
માળે માળે કલરવ વિહંગોતણા, બેઉ વેળા.
ને છે નીલું ગગન શિરપે સ્નિગ્ધ, શોભા અનેરી,
તારાવાટે દ્યુતિ વરસતું દૂર કો દેશકેરી!
(‘નાન્દી’, પૃ. ૧૨)