કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૭. દાદીમાનો ઓરડો
Jump to navigation
Jump to search
૨૭. દાદીમાનો ઓરડો
બાલમુકુન્દ દવે
અહીં જ બસ બા! સદાય ઢળતો હતો ઢોલિયો,
અહીં જ મણકા ફર્યા વરસ એકસો સાતના;
અહીં જ ત્રણ પેઢીનાં ઝૂલવિયાં તમે પાલણાં,
અહીં જ લચતો ખચેલ ફૂલડે હતો માંડવો.
કદી મરણ બા! અકાલ ફૂલડાં ચૂંટીયે લિયે,
સહ્યા કઠણ ઘા તમે કરુણ મૂર્તિ! ભારે હિયે;
અનેક સુખદુઃખના સ્મરણના પટારા સમો,
સૂનો ભરખવા ધસે અહહ! એ જ આ ઓરડો!
હવે નયન બા! બધે જ તમને રહે ઢૂંઢતાં,
પિયારા તમ દર્શની અવ રહી છ પીડી જ કે —
જરાક નજરે ચડે તમ સમું જ કો ખોળિયું,
બિછાવું બસ રોજ અંતરતણે અહીં ઓરડે;
નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વવૃદ્ધત્વને
અને સકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા! તમે.
૯-૧-’૪૩
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૪)