કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૬. તું જતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. તું જતાં

બાલમુકુન્દ દવે

(સદ્ગત પત્નીને)
પ્રજળી કજળી ગઈ ચિતા,
ઉર બીજી સળગી સદાયની!
જલશે જીવતાં લગીય રે
સપનોનું સમશાન જિંદગી!
દિન સૌ ભડકા છ આગના!
રજની સૌ ઢગલા છ ખાખના!
વિધિના વસમા છ વાયરા!
પ્રિય! આશાઅવસાન જિંદગી!

પગમાં નવ હો ઉપાન, ને
ધખતી હોય ધરા જ ધોમથી,
જલ હોય ન જોજનો લગી,
ઊડતી હોય જ આગ કંઠથી; —

તનને મનને તપાવતો
ત્યમ હું એકલ જાઉં રે ધપ્યો!
ભવનો પથ આ પ્રલંબ રે
અણખૂટ્યો, પણ ખેડવો રહ્યો!

કરચો સહુ એકઠી કરી,
સપનોની ગઠડી શિરે ધરી,
કદમે કદમે તને સ્મરી,
કરતો કૂચ મુકામની ભણી!

૯-૧૦-’૪૭
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૩)