કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૨. ઝાકળની પિછોડી
Jump to navigation
Jump to search
૩૨. ઝાકળની પિછોડી
બાલમુકુન્દ દવે
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચાં મોતી-મોગરાજી!
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
૧૯૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૨)