કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૦. સોનચંપો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૦. સોનચંપો

બાલમુકુન્દ દવે

રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડઃ
અમને ન આવડ્યાં જતન જી!
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી?

વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા!
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જીઃ
કૂવાને થાળે જેવા કાથી કેરા દોરડાના
થોડે થોડે લાગે રે ઘસારા જી!

દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પન્થી
ગામની ભાગોળે સારી રાત જીઃ
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી!

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી!
સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા!
વચ્ચે આડા આંસુના અખાત જી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૧)