કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૫. ઘડિયાં લગન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫. ઘડિયાં લગન


હરેક જનમે હરિને વરતાં,
ફરતાં મંગળફેરા;
ચોરાશીને વાટ અમારાં
ઘડિયાં લગન ઘણેરાં.

રોતી આ દુનિયા લાગે કે
હાંઉં ઊતરીએ હેઠાં;
ગાન-તાન-ગુલતાન ગજવીએ
ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
નાચી ઊઠે નમેરાં.—

એક ગીતના શમે ન પડઘા
ત્યાં તો જામે ઔર;
એક એકથી ચડે સવાયો
જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
અજબગજબના ડેરા.—

આવનજાવન એનાં રૂડાં
જેને હરિ સું હેત;
સામૈયું કર સુંદરવરનું,
સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
બીતે રૈન બસેરા. —

૧૯૫૮ (સૂરજમુખી, પૃ. ૧૩૨)