કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૦. ‘આપણું’ ગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૦. ‘આપણું’ ગીત


                   આપણે તો ભૈ રમતારામ!
          વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ...

વાદળ કેવું વરહે, કેવું ભીંજવે!
એવું ઊગતા દિ’નું વ્હાલ!
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —
                   બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ!
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, રાજી થાય
                   ને પૂછે — કઈ પા રેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ.

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં,
                    પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે ને
                    પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
                             આપણે તો ભૈ રમતારામ!


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)