કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૯. યાદ કરીને લખેલી એક કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. યાદ કરીને લખેલી એક કવિતા

વાદળ ઘેરાશે અને વરસાદ પડતો નહીં હોય
ત્યારે હું તને યાદ આવી જઈશ...

પ્રથમ વર્ષા પછી
હવાની પરિચિત ગંધમાં ભળીને
હું તારા ધબકારાને સ્પર્શી જઈશ.

તારી આંખો ભીંજાઈ જશે
ત્યારે, આંસુમાં જન્મેલા એકાદ સ્મરણમાં
સજીવન થઈ ઢળતો ઢળતો ગાલ સુધી આવી
હું અકારણ થીજી જઈશ.

આંગણામાં કાગડો બોલ્યા કરશે...
વારંવાર બારીમાં ડોકાઈને
વેરાઈ જતી તારી દૃષ્ટિને
વીણતું રહેશે – મારું આભાસી આગમન.

‘સ્વજન’ સાથે અજવાળી રાતે બેઠી હોઈશ ત્યારે
તારા એક ઊના નિઃશ્વાસમાં ઊભરાઈને
ફરી અદૃશ્ય થઈશ હું!
બીજી સવારે કાજળ આંજવા તું દર્પણમાં જોઈશ
અને કીકીમાં મારો ચહેરો દેખાયાનો ભ્રમ
તને તે દિવસ કાજળ નહીં આંજવા દે!


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૧૨૨)