કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૪. મનમાં
વાંસળી તો વાગે છે એક મારા મનમાં
કોઈ હજુ જાગે છે ત્યાં વનરાવનમાં.
ગોકુળ ને ગોરસ ને ગોપી ને ગાયો
ને એ જ હજુ યમુનાનો આરો,
હમણાં દોડીને બધાં આવશે ને રાસ પછી
જામશે એવું જરાક ધારો!
ધારો કે હું જ હોઉં રાધા ને કાન,
હું જ ઊભો મશાલ થઈ આ તનમાં,
વાંસળી તો વાગે છે એક મારા મનમાં...
મોરપિચ્છ જેવું જો માન મળે, મટુકીમાં
માધવને ભૂલવાનું ભાન,
એક એક અક્ષરમાં ઊઘડતાં જાય પછી
મીરાં નરસૈનાં ગાન!
માન, ભાન, ધ્યાન, ગાન, તાન કે સંધાન
પછી બાકી રહ્યું શું જીવનમાં...
વાંસળી તો વાગે છે એક મારા મનમાં
કોક હજુ જાગે છે ત્યાં વનરાવનમાં...
૨-૭-૧૨
(અંતરનું એકાંત, પૃ. ૨૧૬)