કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૫. ટીમણટાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. ટીમણટાણે

અમથું અમથું કોયલ કેરું મૌન ઊઘડે!
કાન માંડતું નથી કોઈ ને તોય
કોસને કંઠે ઝરતું
ખળ ખળ ખળ સંગીત,
– નીકમાં વ્હેતું આવે ગીત!

ચાસમાં તરવરતી માટીની તાજી ગંધ વડે
ભીંજાય નહીં મેંદીની ભીની ભાત
તોય ત્રોફેલ હોઠને ત્રાજવડેથી ફરકે એવો
લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.

વાડે વળગેલા વેલાની
સૂકી સીંગોના ખખડાટ સમા
પગરવને પડઘે સીમ સળવળે નહીં
તોય ઝાકળિયું ઝૂકી નજર માંડતું રહે!

હુંય તે ટીમણટાણે
મહુડાનો છાંટો ઓઢી સંતાઈ જાઉં!
– કાંબીકલ્લાં ને ઝાંઝરનો રણકાર
નેળિયે નથી ઊડતો;
છીંડાના કાંટા પાલવડે નથી અડપલું કરતા!


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૪૧)