કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/તું વરસે છે ત્યારે
Jump to navigation
Jump to search
૨૩. તું વરસે છે ત્યારે
તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
૧૯૮૨
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૯૨)