કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પંખી


૨૨. પંખી

કૂંડું બાંધ્યું ત્યારે
એ પંખીને હું ઓળખતો નહોતો.
દાણા નાખી
એની એક પગે રમવાની
ને પાંખ ભૂલી ચણવાની રીત જોતો.
કહેતો સહુનેઃ
રોજ એક નવું ફૂલ ખીલે છે.
પાછું વળતાં પંખી રોજ
વધુ ને વધુ ઊંચે ચડે છે.
અપરિચયનું કપૂર અમારી આંખોમાંથી ઊડે છે.
શક્ય છે હવે સંબોધન; સમજીને
કહ્યો મેં તો પહેલો અક્ષર
ને બીજે દિવસથી પંખીનો બધો ઉમંગ
ઓસરી ગયો.
પછી તો હું ને પેલું ખાલી પાત્ર.
બહુ દૂર તો નથી ગયું પંખી
પણ એને જોતાં જ થાય છે કે
મારું હતું એ બધું પાંખમાં રાખીને
મોભારે ચઢી
મારી પાસે જે નથી એની બારાખડી ગોખવા બેઠું છે.
૧૯૭૫

(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૪૦)