કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૨. કોઈ કહેશો
(શાર્દૂલવિક્રીડિત)
કોઈ કહેશો
યુવાન ક્યાં સિધાવતો હતો?
વર્ષના લાંબામાં લાંબા દિવસોનો
તે વિયોગ-લાંબો મધ્યાહ્ન હતો.
લાંબા વિયોગમાં, સંયોગનાં સ્વપ્નાં પેઠમ,
પ્રખર પ્રચંડ સૂર્ય ઉપરથી,
આછાં વાદળાં આવી આવી ચાલ્યાં જતાં,
ટૂંકા સંયોગ વિયોગને કરે તેમ,
આછાં વાદળાં સૂર્યાતપને
વધારે અસહ્ય કરતાં. ૧૦
આંગણે અશ્વત્થનું ઝાડ,
કાલરાત્રિએ અર્ધદૃષ્ટ કો ભૂતપતિની પેઠે,
અર્થહીન અટ્ટહાસ્ય કરતું હતું,
લીલા લીમડા તેને કાજે,
કુરાજ્ય પાસે રાખેલી આશાઓની પેઠે,
કડવી લીંબોળીઓ ખેરવતા હતા.
કુકવિની કલ્પના પેઠે,
સરકારી રાજ્યમાંથી ઑર્ડિનન્સ પેઠે,
જમીનમાંથી મંકોડા ઊભરાતા હતા.
તેને, પાસે પડેલી લીંબોળીઓ સાથે,
શુકભાદરની કાંકરીઓ પેઠે કચરતો,
અહિંસક વીર, હિંસાને અવગણતો,
ધીરા પણ અધીરા પગલે
સપાટ લટપટાવતો ચાલ્યો. ૨૪
નિજ વાસની જડ દીવાલો ભેદી,
બાહ્ય મુક્ત જીવનમાં રાચતી
તેની કલ્પનામિશ્ર દૃષ્ટિ,
આજે તેણે સંકેલી હતી.
ઉપર કલાકારનો કલાકાર
મહારાજાના રાજરાજેશ્વર. ૩૦
અનત રંગ વિસ્તારતા,
પણ તે તે જોતો નહોતો.
तद्द्रे तद्वन्तिके પેઠે,
નજીક પણ અપ્રાપ્ય,
નદીઓ ઠેકતી, પર્વતો વીંધતી,
નગર અને નગરવાસીઓને
ઉવેખી ચાલી જતી,
નિરંતર ઉષ્ણ નિઃશ્વાસ નાંખતી,
અંતસ્તાપથી ભડભડતી, ચીસો નાંખતી,
નિત્ય અભિસારિકા પણ નિત્ય વિજોગણ જેવી, ૪૦
રેલવે દોડતી હતી,
પણ તે તે સાંભળતો નહોતો.
ખોવાયેલી વીજળીની શોધમાં,
મેઘમંડળી છોડી જતા એકલ મેઘ સમો,
મેઘશ્યામ યુવાન જતો હતો. ૪૫
કોકિલકોકિલાના ટહુકાર,
બુલબુલોનો કલરવ,
પછીતે થતી પ્રાર્થનાના પડઘા,
આજે તેણે નિત્ય કરતાં,
વહેલા સાંભળ્યા છે.
કડવાં કારેલાં, કે ગડબડતા ગુવારનો,
કાંકરિયાળી કાંજી અને રોકડા રોટલાનો,
આજે તેણે વહેલો ઉત્સર્ગ કર્યો છે.
નિશનીતરેલ હોજના અને નળના તાજા,
એમ બબ્બે પાણીએ તો નાહ્યો છે.
બબ્બેવાર તેણે ગોદરેજનો સાબુ લીધો છે.
બબ્બેવાર તેણે હજામતનો હાથ ફેરવાવ્યો છે.
બબ્બેવાર તેણે અર્જિરોલ આંખે અંજાવ્યું છે.
બબ્બે કાંસકે તેણે વાળ ઓળ્યા છે.
અને ઓળતાં ઓળતાં, ૬૦
કાઠિયાવાડી કજ્જલશ્યામ કાનશિયાંમાં,
પખવાડિયે પખવાડિયે એકેક વધતો,
સાતમો સફેદ વાળ ગણ્યો છે.
દેવે દીધેલ કોઈ પ્રતિભાશાળી કવિ,
જૂના લોકસાહિત્યની શૈલીમાં
નવીન અસહકારના ભાવો ગૂંથે તેમ,
આધુનિક ચંપા અને અનામી અંગ્રેજી ફૂલો સાથે,
તેણે પ્રાચીન શિરીષોને ગૂંથ્યા છે,
ફૂલમાળા સંતાડી, પ્રગલ્ભ પણ શરમાતો,
સુખી પણ દુઃખી, આશાભર્યો પણ નિરાશ,
તે દીન પણ ઉત્સુક પગલે ચાલે છે. ૭૧
નળને દમયંતી માટે
જે ગમગીની થઈ નથી,
દુષ્યન્તને શકુન્તલા માટે
જે ઉત્સુકતા થઈ નથી,
અર્જુનને દ્રૌપદી માટે
જે ચિંતા થઈ નથી,
તે ચિંતા, તે ઉત્સુકતા, તે ગમગીની,
તેની આંખમાં ભરી હતી,
આંખના ખીલ કરતાં સવિશેષ,
તેના અંતરમાં ખૂંચતી હતી. ૮૧
ગગનનો ગુંબજ ભેદી
વીજળીનો ચમકારો થાય તેમ,
તેના સહવાસીઓને પ્રશ્ન થયોઃ
કહેશો – કોઈ કહેશો
યુવાન ક્યાં સિધાવતો હતો? ૮૬
(શેષનાં કાવ્યો, પૃ. ૬૬-૬૯)